DP World India Championship:દિલ્હી ગોલ્ફ ક્લબ ખાતે યોજાઈ રહેલી US$ 4 મિલિયન એટલે કે આશરે રૂપિયા 33 કરોડથી વધુની ઈનામી રકમ ધરાવતી પ્રતિષ્ઠિત DP વર્લ્ડ ઈન્ડિયા ચેમ્પિયનશિપના પ્રથમ દિવસે કુદરતના વિઘ્ન વચ્ચે રોમાંચક ગોલ્ફ જોવા મળ્યો હતો. ગાજવીજ સાથેના તોફાન અને ભારે વરસાદને કારણે રમત કલાકો સુધી અટકેલી રહી હતી. આમ છતાં ડેનમાર્કના નિક્લાસ નોર્ગાર્ડે શાનદાર વાપસી કરીને પ્રથમ રાઉન્ડના અંતે ક્લબહાઉસ લીડ મેળવી લીધી છે, જ્યારે ભારત તરફથી ઓમ પ્રકાશ ચૌહાણે શ્રેષ્ઠ રમત દાખવીને દેશની આશા જીવંત રાખી છે.
આ સિઝનમાં બે વાર રનર-અપ રહી ચૂકેલા ડેનિશ ગોલ્ફર નિક્લાસ નોર્ગાર્ડે અંતિમ હોલ પર ક્લોઝિંગ બર્ડી નોંધાવીને 6-અંડર-પાર 66નો શ્રેષ્ઠ સ્કોર કર્યો હતો. દિલ્હી ગોલ્ફ ક્લબનો કોર્સ તેના સખત ફેયરવે અને મુશ્કેલ રફ માટે જાણીતો છે, જ્યાં નોર્ગાર્ડનું મુખ્ય હથિયાર એવો ‘ડ્રાઇવર’ શોટ સામાન્ય રીતે બહુ કામ નથી આવતો. આ સ્થિતિ હોવા છતાં લીડ મેળવવાથી તેઓ પોતે પણ આશ્ચર્યચકિત થયા હતા.
નોર્ગાર્ડે પોતાની રમત અંગે આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ કોર્સ મારી રમતની શૈલીને અનુકૂળ નથી, પરંતુ મેં કોઈ મોટી ભૂલ કર્યા વગર આયર્ન ક્લબનો સચોટ ઉપયોગ કર્યો અને પુટિંગ પણ સારું રહ્યું. અંધારું થાય તે પહેલાં રાઉન્ડ પૂરો થઈ શક્યો તેનો મને સંતોષ છે.
સ્પર્ધાના પ્રથમ જ દિવસે તોફાની વાતાવરણ અને વીજળીના કડાકા સાથે 24 મિમી જેટલો વરસાદ નોંધાયો હતો. આ કારણે રમતને 4 કલાક અને 50 મિનિટ જેવા લાંબા સમય સુધી સ્થગિત રાખવી પડી હતી. આટલા ભારે વરસાદ પછી પણ દિલ્હી ગોલ્ફ ક્લબના ઉત્કૃષ્ટ ડ્રેનેજ અને મેદાન વ્યવસ્થાપનને કારણે રમત ફરી શરૂ થઈ શકી હતી અને ગ્રીન્સ રમત માટે સુરક્ષિત રહ્યા હતા.
સ્થાનિક ગોલ્ફરો માટે આ ટુર્નામેન્ટ વિશ્વના બહેતરીન ખેલાડીઓ સામે પોતાની ક્ષમતા સાબિત કરવાની એક દુર્લભ તક છે. ભારતના ઓમ પ્રકાશ ચૌહાણે આ તકનો પૂરતો લાભ ઉઠાવ્યો હતો. તેમણે ‘ફોર-અંડર’ (68)નો સ્કોર કરીને સંયુક્ત રીતે 5મું સ્થાન મેળવ્યું છે અને તેઓ મુખ્ય લીડરથી માત્ર ૨ શોટ પાછળ છે.
સ્થાનિક અનુભવનો મને ઘણો ફાયદો મળ્યો. વરસાદ પહેલાં ગ્રીન્સ કડક હતા, પરંતુ વરસાદ પછી તે નરમ પડતાં હું વધુ આક્રમક થઈને રમી શક્યો. અત્યારે મારું ધ્યાન એક સમયે એક જ રાઉન્ડ પર છે.
બીજા શ્રેષ્ઠ ભારતીય ખેલાડી તરીકે સપ્તક તલવાર T-29 ક્રમે રહ્યા હતા, જ્યારે શુભંકર શર્મા, અનિર્બાન લાહિરી, શિવ કપૂર અને કરણદીપ કોચર જેવા અનુભવી ભારતીય ખેલાડીઓ ખરાબ પ્રકાશ અને સમયના અભાવે પોતાનો પ્રથમ રાઉન્ડ પૂરો કરી શક્યા નહોતા, જેઓ આગામી દિવસે રમત પૂર્ણ કરશે.
