પ્રેમાનંદજી મહારાજના દરબારમાં જવા માટે 5 કરોડ લીધા હોવાની વાત પર વિરાટ કોહલીએ મૌન તોડ્યું, વાંચો શું કહ્યું?

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સુકાની વિરાટ કોહલી અને ઉત્તર પ્રદેશના વૃંદાવન સ્થિત જાણીતા સંત પ્રેમાનંદ મહારાજની મુલાકાતને લઈને સર્જાયેલા વિવાદમાં વિરાટ કોહલીનું સત્તાવાર નિવેદન સામે આવ્યું છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 07 Oct 2026 12:51 PM (IST)Updated: Wed, 07 Oct 2026 12:51 PM (IST)
virat-kohli-official-statement-on-premanand-maharaj-ji-know-5-crore-claim-truth

Virat Kohli Official Statement: ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સુકાની વિરાટ કોહલી અને ઉત્તર પ્રદેશના વૃંદાવન સ્થિત જાણીતા સંત પ્રેમાનંદ મહારાજ સાથેની મુલાકાતને લઈને સર્જાયેલા વિવાદમાં વિરાટ કોહલીનું સત્તાવાર નિવેદન સામે આવ્યું છે. શ્રી કૃષ્ણ જન્મભૂમિ સંઘર્ષ ન્યાસના અધ્યક્ષ દિનેશ શર્મા ઉર્ફે ફલાહારી મહારાજ દ્વારા કરવામાં આવેલા તમામ આક્ષેપો અને દાવાઓને વિરાટ કોહલીની ટીમે સત્તાવાર નિવેદન જાહેર કરીને સંપૂર્ણપણે તદ્દન ખોટા, પાયાવિહોણા અને સત્યથી વેગળા ગણાવ્યા છે.

શું હતો ફલાહારી મહારાજનો દાવો?

તાજેતરમાં સોશિયલ મીડિયા અને મીડિયા અહેવાલોમાં ફલાહારી મહારાજ દિનેશ શર્માનો એક દાવો સામે આવ્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે, વિરાટ કોહલીને પ્રેમાનંદ મહારાજના આશ્રમમાં લાવવા માટે કથિત રીતે 5 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. જોકે આ દાવાની પુષ્ટિ કરતો કોઈ જ સત્તાવાર દસ્તાવેજ, બેંક ટ્રાન્ઝેક્શન કે કરાર ઉપલબ્ધ નથી.

વિરાટ કોહલીના પ્રવક્તાનું સત્તાવાર નિવેદન

આ દાવાઓ સામે કડક વલણ અપનાવતા વિરાટ કોહલીના સત્તાવાર પ્રવક્તાએ સ્પષ્ટતા કરી છે. આ નિવેદનમાં જણાવાયું છે કે અમે સ્પષ્ટપણે જણાવવા માંગીએ છીએ કે મિસ્ટર વિરાટ કોહલી સંદર્ભે ફલાહારી મહારાજ દિનેશ શર્મા દ્વારા કરવામાં આવેલા તમામ દાવાઓ સંપૂર્ણપણે ખોટા, પાયાવિહોણા અને તથ્યહીન છે. વિરાટ કોહલી માત્ર ને માત્ર પોતાની ઊંડી શ્રદ્ધા અને મહારાજ જી પ્રત્યેના આદરભાવના કારણે જ સંત પ્રેમાનંદ મહારાજ જીના દર્શને જાય છે."

આ સાથે જ પ્રવક્તાએ મીડિયાને પણ અપીલ કરી છે કે, આવા નિવેદનોને રિપોર્ટ કે પ્રસારિત કરતા પહેલાં સત્યતા ચકાસી લેવી અને જવાબદારીપૂર્વક પત્રકારત્વ કરવું.

અગાઉ પણ અનેક વખત લીધા છે આશીર્વાદ

ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલી અને તેમની અભિનેત્રી પત્ની અનુષ્કા શર્મા શ્રદ્ધાળુ તરીકે પ્રેમાનંદ મહારાજના મોટા અનુયાયી છે. બંનેએ સૌપ્રથમ વખત જાન્યુઆરી 2023 માં વૃંદાવન આશ્રમ પહોંચીને મહારાજ જીના આશીર્વાદ લીધા હતા. તે પછી પણ આ દંપતી અવારનવાર પોતાની અંગત આસ્થા અને શ્રદ્ધાના ભાગરૂપે આશ્રમની મુલાકાત લેતું રહ્યું છે.