Olympics: પેરિસ ઓલિમ્પિકમાં નહીં જોવા મળે ભારતીય મહિલા હોકી ટીમ, ક્વોલીફાયરમાં જાપાન સામે હાર્યા બાદ સપનું તૂટ્યું

ભારતીય મહિલા ટીમ 1980 બાદ 2016માં ઓલિમ્પિકમાં રમી હતી. આ દરમિયાન આઠ ઓલિમ્પિક રમતનો ભાગ બની શકી ન હતી. 2016થી ટીમના પ્રદર્શનમાં ઘણો જ સુધારો થયો હતો. 2022માં તો ટીમ ચોથા નંબરે રહી હતી.

By: Jignesh TrivediEdited By: Jignesh Trivedi Publish Date: Fri 19 Jan 2024 08:48 PM (IST)Updated: Fri 19 Jan 2024 08:48 PM (IST)
olympics-indian-womens-hockey-team-will-not-be-seen-in-the-paris-olympics-the-dream-was-shattered-after-losing-to-japan-in-the-qualifiers-269407

Olympics: ભારતીય મહિલા હોકી ટીમનું આ વર્ષે પેરિસમાં થનારા ઓલિમ્પિકમાં રમવાનું સપનું તૂટી ગયું છે. શુક્રવારે રાંચીમાં FIH મહિલા હોકી ઓલિમ્પિક ક્વોલીફાયરમાં ત્રીજા સ્થાનના પ્લેઓફ મેચમાં ભારતીય મહિલા ટીમ જાપાન સામે 0-1થી હારી ગઈ છે. ભારતીય મહિલા હોકી ટીમ 2016 બાદ પહેલી વખત ઓલિમ્પિક માટે ક્વોલીફાઈ કરવામાં નિષ્ફળ રહી છે. ટીમ ઈન્ડિયા આ પહેલા સેમીફાઈનલમાં જર્મની સામે હારી ગઈ હતી.

સેમીફાઈનલમાં જર્મની સામે હાર્યા બાદ ભારતીય ટીમને ઓલિમ્પિકમાં ક્વોલીફાઈ થવા માટે બીજી તક મળી હતી, પરંતુ ટીમ તેમાં પણ સફળ રહી ન હતી. ગત વખતે ટોક્યો ઓલિમ્પિકમાં ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેમણે સેમીફાઈનલમાં જગ્યા બનાવી હતી, પરંતુ મેડલ જીતવામાં નિષ્ફળ રહી હતી. ટીમ ચોથા નંબરે રહી હતી. ઓલિમ્પિક ક્વોલીફાયરમાં 10માંથી ત્રણ ટીમને પેરિસની ટિકિટ મળવાની હતી. ભારતીય ટીમ આ પહેલા જાપાન સામે પાંચ મેચ જીતી ચુકી હતી પરંતુ આજે એવું ન થયું. ટીમે પેનલ્ટી કોર્નર ગુમાવ્યા.

ચોથી વખત ઓલિમ્પિક રમવાનું સપનું તૂટ્યું
ભારતીય મહિલા ટીમ 1980 બાદ 2016માં ઓલિમ્પિકમાં રમી હતી. આ દરમિયાન આઠ ઓલિમ્પિક રમતનો ભાગ બની શકી ન હતી. 2016થી ટીમના પ્રદર્શનમાં ઘણો જ સુધારો થયો હતો. 2022માં તો ટીમ ચોથા નંબરે રહી હતી. હવે ફરી એકવખત ટીમને નિરાશા મળી છે. ટીમની પાસે ચોથી વખત ઓલિમ્પિક રમવાનો મોકો હતો પરંતુ તેમણે તે ગુમાવી દીધો.

ઉરાતાએ કર્યો ગોલ
જાપાન માટે એકમાત્ર ગોલ ઉરાતા કાનાએ કર્યો. તેણે છઠ્ઠી મિનિટમાં જ પોતાની ટીમને લીડ અપાવી હતી. જે બાદ ભારતીય ખેલાડીઓએ સતત એટેક કર્યા. બીજા, ત્રીજા અને ચોથા ક્વાર્ટરમાં ટીમ ઈન્ડિયાએ જાપાનને ગોલ ન કરવા દીધો. જો કે યોગ્ય ડિફેન્સની સાથે જોરદાર આક્રમણની પણ જરુર હતી. જે ભારતીય ખેલાડીઓ ન કરી શકી. તેમણે ગોલની અનેક તક ગુમાવી. જેનું પરિણામ ટીમે ભોગવવું પડ્યું. જાપાનની ટીમ ઓલિમ્પિકમાં જોવા મળશે. તેઓ 2004થી સતત તમામ ઓલિમ્પિક ગેમ્સ રમી રહી છે, જે ક્રમ આ વખતે પણ ન તૂટ્યો.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.