Zaheer Khan On MS Dhoni: "CSK માં તો થાલાની વાત જ માનવી પડે", જાણો કોચ બન્યા બાદ ઝહીર ખાને શું કહ્યું

ઝહીર ખાન CSK માં ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ દિગ્ગજ સ્ટીફન ફ્લેમિંગનું સ્થાન લેશે, જેઓ IPL 2009 થી એટલે કે લગભગ બે દાયકાથી આ ફ્રેન્ચાઈઝી સાથે જોડાયેલા હતા.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Sat, 26 Sep 2026 11:13 AM (IST)Updated: Sat, 26 Sep 2026 11:13 AM (IST)
zaheer-khan-appointed-chennai-super-kings-head-coach-ms-dhoni-ipl-2027
ઝહીર ખાન સીએસકેના મુખ્ય કોચ

Zaheer Khan CSK Head Coach: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની ફ્રેન્ચાઈઝી ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ એક મોટો નિર્ણય લેતા ભારતના ભૂતપૂર્વ ઝડપી બોલર ઝહીર ખાનની નવા મુખ્ય કોચ તરીકે નિમણૂક કરી છે. ઝહીર ખાન IPL 2027 ની સીઝન માટે ટીમનું માર્ગદર્શન કરશે. આ જવાબદારી મળ્યા બાદ ઝહીર ખાને ખુલાસો કર્યો છે કે તેમને આ મહત્ત્વના પદ સુધી પહોંચાડવામાં અને ટીમ સાથે જોડવામાં એમ.એસ. ધોનીએ અત્યંત મહત્વની ભૂમિકા ભજવી હતી.

સ્ટીફન ફ્લેમિંગના બે દાયકા જૂના કાર્યકાળનો અંત

ઝહીર ખાન CSK માં ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ દિગ્ગજ સ્ટીફન ફ્લેમિંગનું સ્થાન લેશે, જેઓ IPL 2009 થી એટલે કે લગભગ બે દાયકાથી આ ફ્રેન્ચાઈઝી સાથે જોડાયેલા હતા. ફ્લેમિંગના માર્ગદર્શન હેઠળ ચેન્નાઈએ પાંચ વાર આઈપીએલ ટ્રોફી જીતી હતી. જોકે, વિતેલી સતત ત્રણ સીઝનમાં ટીમનું પ્રદર્શન અપેક્ષા મુજબનું રહ્યું ન હતું અને ટીમ પ્લેઓફમાં ક્વોલિફાય થવામાં નિષ્ફળ રહી હતી. આ નબળા પ્રદર્શન બાદ ફ્લેમિંગે પદ છોડવાનો નિર્ણય કર્યો હતો, ત્યારબાદ ઘણા વિદેશી દિગ્ગજોના નામ રેસમાં હતા પરંતુ ફ્રેન્ચાઈઝીએ ઝહીર ખાન પર પસંદગી ઉતારીને સૌને ચોંકાવી દીધા છે.

ધોનીની ભૂમિકા અંગે ઝહીર ખાનનો સ્પષ્ટ ખુલાસો

CSK ની અધિકૃત યુટ્યુબ ચેનલ પર વાતચીત કરતી વખતે ઝહીર ખાને જણાવ્યું હતું કે, "આ પ્રક્રિયા ખૂબ જ સરળ, પારદર્શક અને સંપૂર્ણપણે 'CSK સ્ટેન્ડર્ડ' મુજબની હતી. એમ.એસ. ધોની આ ફ્રેન્ચાઈઝી માટે અનમોલ સંપત્તિ રહ્યા છે અને ટીમ કઈ દિશામાં આગળ વધવી જોઈએ તે સમજવામાં તેમની ભૂમિકા નિર્ણાયક હોય છે. જ્યારે મને મારી ઉપલબ્ધતા વિશે પૂછવામાં આવ્યું ત્યારે મેં તુરંત હા પાડી. આ મહાન ટીમનો હિસ્સો બનવું મારા માટે ખૂબ જ ગર્વ અને આનંદની વાત છે."

ઝહીર ખાન સામે સળગતા પડકારો

IPL 2027 માં ટીમનું કોચિંગ સંભાળતી વખતે ઝહીર ખાન સામે અનેક મોટા પડકારો રહેશે. ચેન્નાઈએ છેલ્લે 2023માં આઈપીએલ ટાઇટલ જીત્યું હતું. હવે ત્રણ વર્ષના દુષ્કાળ બાદ ટીમને પુનઃ વિજેતા બનાવવાની જવાબદારી ઝહીર પર રહેશે. આ ઉપરાંત, કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ સાથે તાલમેલ બેસાડીને ટીમમાં રહેલા નવા અને યુવા ખેલાડીઓ પાસેથી શ્રેષ્ઠ પ્રદર્શન કરાવવું એ તેમના માટે પ્રાથમિકતા રહેશે.