Zaheer Khan CSK Coach: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની સૌથી સફળ અને લોકપ્રિય ફ્રેન્ચાઇઝી પૈકીની એક એવી ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ને લઈને ક્રિકેટ જગતમાંથી એક ખૂબ જ મોટા અને રોમાંચક સમાચાર સામે આવ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ અને ઘાતક ઝડપી બોલર ઝાહીર ખાન હવે ચેન્નઈ સુપર કિંગ્સના હેડ કોચ તરીકેની જવાબદારી સંભાળવા જઈ રહ્યો છે. ધોનીની આગેવાની અને રણનીતિ માટે જાણીતી આ ટીમમાં ઝાહીર ખાન જેવા અનુભવી દિગ્ગજનું આગમન ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
ચેન્નઈ સાથે જોડાવું એ મારા માટે ગર્વની ક્ષણ છે - ઝાહીર ખાન
ચેન્નઈ સુપર કિંગ્સની ફ્રેન્ચાઇઝી સાથે સત્તાવાર રીતે જોડાયા બાદ ઝાહીર ખાને પોતાની ખુશી અને ઉત્સાહ ખુલ્લેઆમ વ્યક્ત કર્યો છે. તેણે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે- આઈપીએલની આ મહાન અને પ્રતિષ્ઠિત ફ્રેન્ચાઇઝી એટલે કે CSK પરિવારનો હિસ્સો બનવું એ મારા માટે અત્યંત ગર્વની ક્ષણ છે. તેણે ઉમેર્યું હતું કે ચેન્નઈ સુપર કિંગ્સની વિનિંગ કલ્ચર અને ફેન્સનો સપોર્ટ અદ્ભુત છે અને તેઓ ખેલાડીઓ સાથે કામ કરવા તથા પોતાના અનુભવનો લાભ આપીને ટીમને વધુ મજબૂત બનાવવા માટે સંપૂર્ણપણે ઉત્સાહિત છે.
બોલિંગ અટેક અને યુવા ખેલાડીઓને મળશે મોટો ફાયદો
ઝાહીર ખાનને ભારતીય ક્રિકેટના સૌથી બુદ્ધિશાળી અને કુશળ ફાસ્ટ બોલરોમાંથી એક ગણવામાં આવે છે. તેમણે પોતાની કેરિયરમાં ટીમ ઈન્ડિયા માટે અનેક યાદગાર મેચો જીતાડી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો લાંબો અનુભવ ધરાવતા ઝાહીર ખાનના કોચિંગથી CSKના યુવા બોલરોને તેમની રણનીતિ, સ્વિંગ બોલિંગ અને પ્રેશર સિચ્યુએશનમાં કેવી રીતે બોલિંગ કરવી તેની બારીકાઈઓ શીખવા મળશે. ખાસ કરીને ફાસ્ટ બોલિંગ યુનિટને ધારદાર બનાવવા માટે તેમનું માર્ગદર્શન અમૂલ્ય સાબિત થશે.
આગામી સિઝન માટે CSKની તૈયારીઓ જોરશોરથી શરૂ
ચેન્નઈ સુપર કિંગ્સ હંમેશા પોતાના મેનેજમેન્ટ અને ખેલાડીઓ વચ્ચેના શાનદાર તાલમેલ માટે જાણીતી છે. કોચિંગ સ્ટાફમાં આ મોટા ફેરફાર બાદ ટીમ મેનેજમેંટ આગામી આઈપીએલ સિઝન માટે અત્યારથી જ રણનીતિ બનાવવામાં લાગી ગયું છે. ક્રિકેટ રસિકો અને CSKના ચાહકો પણ જહીર ખાનના માર્ગદર્શન હેઠળ ટીમનું પ્રદર્શન કેવું રહેશે તે જોવા માટે ભારે ઉત્સુક છે.
