Aakash Chopra Podcast: ભારતીય ટીમનો અનુભવી લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ છેલ્લા કેટલાક સમયથી ક્રિકેટના મેદાનની સાથે અંગત જિંદગીના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યો હતો. પૂર્વ ક્રિકેટર આકાશ ચોપરાના પોડકાસ્ટમાં ચહલે પોતાની આંતરિક લડાઈ, છૂટાછેડા પછીની માનસિક હાલત અને દારૂની ટેવમાંથી મુક્તિ મેળવવા અંગે અત્યંત ભાવુક ખુલાસા કર્યા છે.
પેનિક એટેક વખતે ચહેરો સંકોચાઈ જતો, બોલવું મુશ્કેલ બનતું
પોતાની શારીરિક અને માનસિક તકલીફ વિશે વાત કરતાં ચહલે જણાવ્યું કે, ડિપ્રેશન અને ચિંતા (Anxiety) એટલી વધી ગઈ હતી કે હૃદયના ધબકારા અનિયંત્રિત થઈ જતા હતા. જ્યારે પેનિક એટેક આવે ત્યારે ચહેરાના સ્નાયુઓ ખેંચાઈ જતા અને મોં વાંકુચૂકુ થઈ જતું હતું, જેના કારણે શબ્દો પણ મોંમાંથી બહાર નહોતા નીકળતા. સોશિયલ મીડિયાના ટ્રોલિંગ અને લોકોની વાતોનો ડર તેને સતત કોરી ખાતો હતો.
ડિવોર્સ પછી સ્થિતિ હાથબહાર ગઈ, 26 દિવસ રિહેબમાં વિતાવ્યા
ચહલે સ્વીકાર્યું કે ધનશ્રી વર્મા સાથેના સંબંધો અંત આવ્યા બાદ તે માનસિક રીતે ભાંગી પડ્યો હતો અને દારૂ પર તેની નિર્ભરતા હદથી વધારે વધી ગઈ હતી. તેને અહેસાસ થયો કે જો આ લત ચાલુ રહેશે તો તેનું સૌથી પ્રિય સપનું – ક્રિકેટ કાયમ માટે બરબાદ થઈ જશે. આથી, કાઉન્ટી ક્રિકેટ પૂર્ણ કર્યા બાદ તેણે હિંમત રાખીને 26 દિવસ માટે રિહેબિલિટેશન સેન્ટરમાં દાખલ થવાનો મોટો નિર્ણય લીધો.
પરિવારના સપોર્ટ અને 18 કરોડના ભરોસાથી મળ્યું નવજીવન
મુશ્કેલ સમયમાં પરિવાર અને સાચા મિત્રોએ ચહલનો હાથ ન છોડ્યો. રિહેબથી પાછા આવ્યા બાદ તેણે પોતાની ફિટનેસ પર સખત કામ કર્યું. IPL હરાજીમાં પંજાબ કિંગ્સે તેના પર 18 કરોડ રૂપિયાની મોટી બોલી લગાવીને વિશ્વાસ મૂક્યો, જેને સાચવવા માટે ચહલે મેદાન પર શ્રેષ્ઠ પ્રદર્શન કરીને બતાવી દીધું કે તે ફરી એકવાર સંપૂર્ણ રીતે ફિટ અને તૈયાર છે.
4 વર્ષમાં ચહલ-ધનશ્રીના લગ્ન તૂટ્યા: ટાઈમ લાઈન
ચહલ અને ધનશ્રીના સંબંધોથી લઈને કાનૂની વિચ્છેદ સુધીનો ઘટનાક્રમ નીચે મુજબ રહ્યો છે-
- જૂન 2020: લોકડાઉન દરમિયાન ઓનલાઈન ડાન્સ ક્લાસ દરમિયાન ચહલ અને ધનશ્રી વચ્ચે મુલાકાત થઈ અને પ્રેમ પાંગર્યો.
- ડિસેમ્બર 2020: બંનેએ સત્તાવાર રીતે લગ્ન કર્યા અને સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે ખુશીઓ શેર કરી.
- જૂન 2022: બંને વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી અને સોશિયલ મીડિયા પર એકબીજાને અનફોલો કરી દીધા.
- ફેબ્રુઆરી 2025: મુંબઈની ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી દાખલ કરવામાં આવી. ફેમિલી કોર્ટે 6 મહિનાનો કૂલિંગ ઓફ પિરિયડ આપ્યો, જેની સામે ચહલે હાઈકોર્ટમાં અપીલ કરી.
- માર્ચ 2025: બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ ફેમિલી કોર્ટે 20 માર્ચે ફેંસલો સંભળાવ્યો. 4.75 કરોડ રૂપિયાની એલિમાની (Alimony)ના સેટલમેન્ટ સાથે બંનેના વિધિવત છૂટાછેડા થઈ ગયા.
