Yuzvendra Chahal Retirement: ભારતના સ્ટાર લેગ-સ્પિનર યુજવેન્દ્ર ચહલે શુક્રવારે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. આ નિર્ણય સાથે જ યુજવેન્દ્ર ચહલના 17 વર્ષ લાંબા રેડ-બોલ ક્રિકેટ કરિયરનો અંત આવ્યો છે. સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ શેર કરતા ચહલે જણાવ્યું કે, ટેસ્ટ ક્રિકેટ રમવાનું સપનું કદાચ પૂરું ન થઈ શકે, પરંતુ ભારત માટે વ્હાઈટ-બોલ ક્રિકેટ રમવા સદા પ્રતિબદ્ધ છે.
ઈન્સ્ટાગ્રામ પર યુજવેન્દ્ર ચહલની ભાવુક પોસ્ટ
ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરતાં યુજવેન્દ્ર ચહલે ઈન્સ્ટાગ્રામ પર ભાવુક પોસ્ટ કરતા લખ્યું કે, "મેં જે પહેલો ક્રિકેટ બોલ પકડ્યો હતો, તે રેડ બોલ જ હતો. હું 10 વર્ષનો હતો અને મને ત્યારે અંદાજ પણ નહોતો કે મને આ રમત પ્રત્યે કેટલો ઊંડો લગાવ થઈ જશે. મારા માટે રેડ-બોલ ક્રિકેટ ક્યારેય માત્ર એક અન્ય ફોર્મેટ નહોતું. આ જ રમતે મને સંયમ, ચરિત્ર, મુશ્કેલીમાંથી બહાર આવવાની ક્ષમતા અને કલાકો સુધી મેદાન પર ટકી રહીને દરેક રન તથા દરેક વિકેટ માટે સંઘર્ષ કરવાની અસલી ખુશીનો મતલબ શીખવ્યો છે."
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, "મેં મારી છેલ્લી ફર્સ્ટ-ક્લાસ મેચ લોર્ડ્સમાં રમી હતી. આ કહેતી વખતે ભાવુકતા અનુભવાય છે કારણ કે ટેસ્ટ કેપ મેળવવી હંમેશા મારું સપનું રહ્યું હતું, જેને મેં ઘણા વર્ષો સુધી સાચવી રાખ્યું હતું. ભલે તે સપનું પૂરું ન થઈ શક્યું, પરંતુ મારા અત્યાર સુધીના પ્રવાસથી ખરેખર સંતુષ્ટ છું અને આ ફોર્મેટમાં મળેલી દરેક તક માટે અત્યંત આભારી છું."
"હજુ પણ દેશ માટે રમવાની ભૂખ બરકરાર છે"
ચહલે વ્હાઇટ-બોલ ક્રિકેટ (ODI અને T20I) માટે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવતા લખ્યું હતું કે, "રેડ બોલે મને મારી જિંદગીની કેટલીક સૌથી સુંદર યાદો આપી છે, જેને મારી પાસેથી કોઈ ક્યારેય છીનવી શકશે નહીં. મેં હજુ હાર નથી માની. પોતાના દેશ માટે રમવાની ભૂખ હજુ પણ મારામાં બરકરાર છે. મને ખાતરી છે કે મારામાં હજુ પણ ક્રિકેટ બાકી છે તથા વન-ડે અને T20 ફોર્મેટમાં વધુ એક તક મેળવવા માટે હું મારો પૂરો જીવ લગાવી દઈશ."
હરિયાણા ક્રિકેટ એસોસિએશનનો આભાર માન્યો
યુજવેન્દ્ર ચહલે પોતાની કારકિર્દી દરમિયાન સતત માર્ગદર્શન અને સહયોગ આપવા બદલ હરિયાણા ક્રિકેટ એસોસિએશન (HCA) અને તેના પૂર્વ અધિકારીઓનો આભાર વ્યક્ત કરતા લખ્યું હતું કે, "હરિયાણા ક્રિકેટ એસોસિએશન, રણબીર સિંહ મહિન્દ્રા સર અને અનિરૂદ્ધ સિંહ ચૌધરી સરનો તેમના સતત સહયોગ, ભરોસો અને વિશ્વાસ રાખવા માટે ખાસ કરીને આભાર. 10 વર્ષની ઉંમરે પહેલીવાર રેડ બોલ પકડવાથી લઈને પોતાની છેલ્લી ફર્સ્ટ-ક્લાસ મેચ રમવા સુધી, આ સફર ખૂબ જ શાનદાર રહી છે."
17 વર્ષ લાંબી રેડ-બોલ કારકિર્દીનો આવ્યો અંત
35 વર્ષના લેગ-સ્પિનર યુજવેન્દ્ર ચહલે ભારત માટે અત્યાર સુધીમાં 72 વન-ડે (ODI) અને 80 ટી-20 (T20I) આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, પરંતુ તેમને ક્યારેય પણ ભારત તરફથી ટેસ્ટ મેચ રમવાની તક મળી શકી નથી. તેમણે છેલ્લો આંતરરાષ્ટ્રીય મુકાબલો ઓગસ્ટ 2023માં વેસ્ટ ઇન્ડીઝ સામે ટી-20 ફોર્મેટમાં રમ્યો હતો.
યુજવેન્દ્ર ચહલના ફર્સ્ટ-ક્લાસ કરિયરની આંકડાકીય વિગતો જોઈએ તો:
- ફર્સ્ટ-ક્લાસ ડેબ્યૂ: વર્ષ 2009માં યુજવેન્દ્ર ચહલે હરિયાણા માટે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું.
- મેચ અને વિકેટો: રેડ-બોલ કરિયરમાં યુજવેન્દ્ર ચહલે કુલ 49 ફર્સ્ટ-ક્લાસ મેચ રમીને 32.27ની સરેરાશથી 148 વિકેટ ઝડપી છે.
- છેલ્લી ફર્સ્ટ-ક્લાસ મેચ: યુજવેન્દ્ર ચહલે કારકિર્દીની છેલ્લી ફર્સ્ટ-ક્લાસ મેચ ક્રિકેટના મક્કા ગણાતા લોર્ડ્સ (Lord's) ખાતે રમી હતી.
