વૈભવ-ગિલ ઑપનર, શ્રેયસ અય્યર-પાટીદાર મિડલ ઑર્ડરમાં; વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ દિગ્ગજ ખેલાડી ટીમ ઈન્ડિયાની T20 પ્લેઈંગ ઈલેવન પસંદ કરી

ઈયાન બિશપની પ્લેઈંગ ઈલેવનમાં ફાસ્ટ બૉલર જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહ, ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા, ઈશાન કિશન જેવા ખેલાડીઓને બાકાત રાખવામાં આવ્યા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 06 May 2026 06:30 PM (IST)Updated: Wed, 06 May 2026 06:30 PM (IST)
ian-bishop-picks-alternate-t20-team-india-playing-11-on-basis-of-ipl-2026
HIGHLIGHTS
  • કૃણાલ પંડ્યા અને નીતિશ રેડ્ડી ઑલરાઉન્ડર તરીકે, જ્યારે ધ્રુવ જુરેલ વિકેટકીપર
  • બોલિંગ એટેક માટે ભુવનેશ્વરકુમાર અને યુઝવેન્દ્ર ચહલની પસંદગી

T20 Team India Playing 11: ઈન્ડિયન પ્રીમીયર લીગ (IPL 2026)ની અત્યાર સુધીમાં 50 જેટલી મેચો રમાઈ ચૂકી છે, ત્યારે વેસ્ટ ઈન્ડીઝના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન ઈયાન બિશપે આ સિઝનમાં પોતાના શાનદાર પ્રદર્શનના આધારે ટીમ ઈન્ડિયાની વૈકલ્પિક પ્લેઈંગ ઈલેવનની પસંદગી જાહેર કરી છે. ઈયાન બિશપે પોતાના પ્લેઈંગ 11માં જે ખેલાડીઓને સ્થાન આપ્યું છે, તે હાલ ભારતીય ટીમની મુખ્ય T20નો ભાગ નથી, પરંતુ IPLમાં તેમનું પ્રદર્શન ઉમદા રહ્યું છે.

વૈભવ સૂર્યવંશી અને શુભમન ગિલ ઑપનર તરીકે રહેશે

ઈયાન બિશપે ESPN ક્વિક ઈન્ફોના શૉમાં જણાવ્યું કે, હું મારી પ્લેઈંગ ઈલેવનમાં 3 ઑપનરને સિલેક્ટ કરું છું. મારો ખ્યાલ છે, ત્યાં સુધી હું લેફ્ટ-રાઈટનું કૉમ્બિનેશન રાખવા માંગીશ.

અત્યારે શુભમન ગિલ શાનદાર ફોર્મમાં છે, આથી તેને સિલેક્ટ કરી રહ્યો છે. જેના પાર્ટનર તરીકે એટલે કે બીજા ઑપનર તરીકે હું વૈભવ સૂર્યવંશીને પસંદ કરું છું. આ ઉપરાંત પ્રભસિમરનસિંહને પણ મેં પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપ્યું છે. મારા લિસ્ટમાં પ્રિયાંશ આર્યા પણ હતો, પરંતુ પ્રભસિમરન આ સિઝનમાં પોતાના બેસ્ટ ફોર્મમાં છે.

મીડલ ઑર્ડરમાં શ્રેયસ અય્યર ચોથા ક્રમે રમવા ઉતરશે

પોતાની સંભાવિત ટીમમાં ચોથા ક્રમે બેટ્સમેન તરીકે શ્રેયસ અય્યરને સ્થાન આપ્યું છે, જે અત્યારે સારી બેટિંગ કરી રહ્યો છે. જે બાદ રૉયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB)ના કેપ્ટન રજત પાટીદાર, દેવદત્ત પડીક્કલને બેટિંગ ક્રમમાં જગ્યા આપી છે. આ ત્રણેય ખેલાડીઓને હું મીડલ ઑર્ડરમાં રમતા જોવા માંગું છું. જ્યારે વિકેટકીપર તરીકે જીતેશ શર્માની જગ્યાએ હું ધ્રુવ જુરેલ ઉપર પસંદગી ઉતારીશ.

ભુવનેશ્વરકુમાર અને યુઝવેન્દ્ર ચહલને બૉલિંગ એટેકની જવાબદારી

વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ દિગ્ગજ ખેલાડીએ બૉલિંગ આક્રમણ માટે ફાસ્ટ બૉલર તરીકે ભુવનેશ્વરકુમાર પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. જ્યારે સ્પિનર તરીકે યુઝવેન્દ્ર ચહલને સ્થાન આપ્યુ છે.

ઈયાન બિશપે ઑલરાઉન્ડર તરીકે કૃણાલ પંડ્યા અને નીતિશકુમાર રેડ્ડીને લિસ્ટમાં સામેલ કર્યાં છે. કૃણાલ સ્પિન તેમજ નીતિશ ફાસ્ટ બૉલિંગ માટે ઑપ્શન સાબિત થઈ શકે છે. 36 વર્ષીય ભુવનેશ્વરકુમારને ટીમમાં સામેલ કરવાનું એકમાત્ર કારણ એ છે કે, હાલ ભુવી પોતાની લયમાં છે અને એટલી શાનદાર બૉલિંગ કરી રહ્યો છે, જેટલી એણે અગાઉ ક્યારેય નહતી કરી.