Yuzvendra Chahal: ભારતીય ટીમના સ્ટાર સ્પિનર યુજવેન્દ્ર ચહલે વર્ષ 2013 IPL દરમિયાન હોટેલની બાલ્કનીમાંથી લટકાવવામાં આવ્યા હોવાના કિસ્સા પર ખુલીને વાત કરી છે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, આ ઘટનામાં ઓસ્ટ્રેલિયાના દિવંગત ખેલાડી એન્ડ્ર્યૂ સાયમન્ડ્સનો હાથ નહોતો. તે સમયે ચહલ મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો હિસ્સો હતા.
યુજવેન્દ્ર ચહલે ભૂતપૂર્વ ક્રિકેટર આકાશ ચોપરા સાથે વાતચીતમાં જણાવ્યું કે, દારૂના નશામાં ધૂત એક ક્રિકેટરે 15મા માળની બાલ્કનીમાંથીતેને લટકાવી દીધા હતા. અગાઉ ઘણા રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, આ મામલા પાછળ ઓસ્ટ્રેલિયાના મહાન ઓલરાઉન્ડર એન્ડ્ર્યૂ સાયમન્ડ્સ હતા, પરંતુ યુજવેન્દ્ર ચહલે આ તમામ દાવાઓ ફગાવી દીધા છે.
યુજવેન્દ્ર ચહલે પોડકાસ્ટ દરમિયાન આ વાતની પુષ્ટિ કરી કે, તેમને 15મા માળે બાલ્કનીમાંથીઊંધો લટકાવી દેવામાં આવ્યા હતા. પરંતુ તેમણે આ ઘટના સાથે સાયમન્ડ્સ કે જેમ્સ ફ્રેન્કલિન જોડાયેલા હોવાની વાતને નકારી કાઢી હતી. આ સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું કે, આ ઘટના પાછળ કોઈ અન્ય ઓસ્ટ્રેલિયન ક્રિકેટરનો હાથ હતો.
યુજવેન્દ્ર ચહલે કહ્યું, "બેંગલુરુમાં એક પાર્ટી હતી, જેને RCB હોસ્ટ કરી રહી હતી. હું તે સમયે મુંબઈ ઈન્ડિયન્સનો હિસ્સો હતો. હું પણ તે પાર્ટીમાં ગયો હતો અને ત્યાં મેં એક વ્યક્તિને જોયો, જે ખૂબ જ નશામાં હતો. તે જોવામાં ખૂબ જ મજબૂત અને સોલિડ બોડી ધરાવતો હતો. તે ઓસ્ટ્રેલિયાનો હતો, પરંતુ ન તો તે સાયમન્ડ્સ હતો કે ન તો ફ્રેન્કલિન, પણ કોઈ અલગ જ વ્યક્તિ હતો.
યુજવેન્દ્ર ચહલે આગળ ઉમેર્યું, "તેણે મને પોતાની પાસે બોલાવ્યો અને પછી મને હવામાં ઊંચકી લીધો. પહેલા તો મને લાગ્યું કે તે મજાક કરી રહ્યો છે, પરંતુ પછી તેણે મને બાલ્કની બહાર લટકાવી દીધો અને હું બસ તેની ગરદન પકડીને લટકતો રહ્યો હતો."
"હું ખૂબ જ ડરી ગયો હતો. તે ખૂબ જ વધારે નશામાં હતો અને રૂમમાં હાજર તમામ લોકો ગભરાઈ ગયા હતા. બધા લોકો તરત બચાવવા આવ્યા અને મને ઉપર ખેંચી લીધો. તે માણસ હસી રહ્યો હતો, પરંતુ મારા માટે આ બીજા જન્મ સમાન હતું. મને લાગે છે કે તે હોટેલનો 15મો કે 16 મો માળ હતો."
આપને જણાવી દઈએ કે, યુજવેન્દ્ર ચહલ છેલ્લા ત્રણ વર્ષથી ભારતીય ટીમમાંથી બહાર ચાલી રહ્યા છે. તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે છેલ્લી વાર ભારત માટે વર્ષ 2023માં વેસ્ટ ઈન્ડિઝ સામે મેચ રમી હતી. તાજેતરમાં જ ચહલે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેરાત કરી દીધી હતી.
જોકે, યુજવેન્દ્ર ચહલ હજુ પણ ભારતીય વનડે અને ટી20 ટીમમાં પુનરાગમન કરવા માટે ઉત્સુક છે. તેઓ IPL માં સતત સારો દેખાવ કરી રહ્યા છે અને IPL 2026 માં પંજાબ કિંગ્સ ટીમનો હિસ્સો હતા.
