Yashasvi Jaiswal Record: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓપનર યશસ્વી જયસ્વાલ (Yashasvi Jaiswal) એ શુક્રવારથી ક્રાઈસ્ટચર્ચમાં શરૂ થયેલી બીજી ટેસ્ટ મેચમાં મેદાન પર ઉતરતાની સાથે જ એકપણ બોલ રમ્યા વિના અનોખો ઇતિહાસ રચી દીધો છે. જયસ્વાલ હેગલી ઓવલ (Hagley Oval) ખાતે પોતાની કારકિર્દીની 33મી ટેસ્ટ મેચ રમી રહ્યા છે અને ખાસ વાત એ છે કે તેમણે અત્યાર સુધી રમેલી તમામ 33 ટેસ્ટ મેચ અલગ-અલગ મેદાનો પર રમી છે. આ સિદ્ધિ સાથે યશસ્વીએ દિગ્ગજ સચિન તેંડુલકરને પાછળ છોડી દીધા છે અને પૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરના 1994 થી ચાલી આવતા વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી લીધી છે.
ડેબ્યૂથી સતત અલગ-અલગ મેદાનો પર રમવાનો અનોખો રેકોર્ડ
આ પણ વાંચો
યશસ્વી જયસ્વાલે ત્રણ વર્ષ પહેલાં વેસ્ટ ઈન્ડિઝ સામે પોતાની ટેસ્ટ કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી વિવિધ દેશો અને વિવિધ મેદાનો પર રમીને તેમણે આ દુર્લભ યાદીમાં પોતાનું સ્થાન મજબૂત કર્યું છે.
સંજય માંજરેકરે 1994 માં પોતાની શરૂઆતની સતત 33 ટેસ્ટ મેચ અલગ-અલગ વેન્યૂ પર રમી હતી, ત્યારબાદ 34મી ટેસ્ટમાં તેઓ બેંગલુરુમાં રમ્યા હતા (જ્યાં તેઓ અગાઉ રમી ચૂક્યા હતા), જેના કારણે તેમનો આ સિલસિલો અટક્યો હતો. બીજી તરફ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે પોતાની શરૂઆતની સતત 32 ટેસ્ટ મેચ અલગ-અલગ મેદાનો પર રમી હતી. અગાઉની ટેસ્ટ મેચમાં યશસ્વીએ સચિનની બરાબરી કરી હતી, પરંતુ હવે ક્રાઈસ્ટચર્ચ ટેસ્ટમાં ઉતરતાની સાથે જ તેઓ સચિનથી આગળ નીકળી ગયા છે અને માંજરેકરના રેકોર્ડની સમકક્ષ પહોંચી ગયા છે.
ડેબ્યૂથી સતત અલગ-અલગ મેદાનો પર સૌથી વધુ ટેસ્ટ રમનારા ખેલાડીઓ
| ખેલાડીનું નામ | સતત અલગ-અલગ મેદાનો (વેન્યૂ) |
| સંજય માંજરેકર | 33 |
| યશસ્વી જયસ્વાલ | 33 |
| સચિન તેંડુલકર | 32 |
| જવાગલ શ્રીનાથ | 24 |
| દિનેશ રામદીન | 24 |
ક્રાઈસ્ટચર્ચ ટેસ્ટમાં યશસ્વી પર નજર
શાનદાર ફોર્મમાં રહેલા યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલ હવે હેગલી ઓવલના મેદાન પર બેટથી પણ મોટી ઇનિંગ રમીને ટીમ ઇન્ડિયાને મજબૂત શરૂઆત અપાવવા માંગશે. ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં આ રેકોર્ડ દર્શાવે છે કે જયસ્વાલ વિદેશી ધરતી હોય કે ઘરઆંગણાના મેદાન, દરેક સ્થળે પોતાની બેટિંગથી પ્રભાવ પાડવામાં સફળ રહ્યા છે.
