Womens Asia Cup 2026: દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલી મહિલા એશિયા કપ 2026 ની ફાઈનલ મેચમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકાને 72 રને હરાવી 8મી વખત એશિયા કપનો ખિતાબ પોતાના નામે કર્યો છે. જોકે, મેચ બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ચેરમેન મોહસિન નકવીની ભારે ફજીહત જોવા મળી હતી. જીત બાદ ટીમ ઈન્ડિયાએ મોહસિન નકવી પાસેથી ટ્રોફી લેવાનો ઈનકાર કર્યો હતો.
સ્ટેડિયમમાં ફેન્સનો ભારે રોષ, 'ટ્રોફી ચોર'ના નારા લાગ્યા
મેચ પૂર્ણ થયા બાદ સ્ટેડિયમમાં હાજર ભારતીય ચાહકોએ મોહસિન નકવીને ઘેરી લીધા અને 'ટ્રોફી ચોર, ટ્રોફી ચોર' કહીને ચીડાવ્યા હતા. હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં ભારતીય ટીમની જર્સી પહેરેલા ફેન્સ સ્ટેજ તરફ સતત નારેબાજી કરતા જોવા મળી રહ્યા છે. મોહસિન નકવીએ રનર્સઅપ ટીમ શ્રીલંકાને ચેક આપ્યો અને થોડી વાર સ્ટેજ પર ઊભા રહ્યા બાદ તેઓ ચૂપચાપ ગાડીમાં બેસીને નીકળી ગયા હતા.
BCCI ની સૂચના: કોચ અને સેક્રેટરીએ કર્યો મોટો ખુલાસો
આ મેચ બાદ ટીમ ઈન્ડિયાના કોચ અમૌલ મજૂમદારે ખુલાસો કર્યો કે BCCI તરફથી તેમને સ્પષ્ટ સૂચના હતી કે, જો મોહસિન નકવી ટ્રોફી આપે તો તેને સ્વીકારવી નહીં. આ અંગે BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ વાતચીતમાં જણાવ્યું કે, દેશના લોકોના સન્માનને ધ્યાનમાં રાખીને અને ગયા વર્ષે પુરુષ ટીમને ટ્રોફી ન મળી હોવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે પુરુષ એશિયા કપ દરમિયાન સૂર્યકુમાર યાદવની કપ્તાની હેઠળની ભારતીય ટીમે પાકિસ્તાનને ફાઈનલમાં હરાવ્યું હતું. તે સમયે પણ ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી લેવાની ના પાડી દેતા, તેઓ ટ્રોફી પોતાની સાથે લઈને ચાલ્યા ગયા હતા. ત્યારથી ફેન્સ તેમને 'ટ્રોફી ચોર' કહીને બોલાવી રહ્યા છે.
