Women Asia Cup 2026: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ધમાકેદાર પ્રદર્શન કરતાં ફાઇનલ મુકાબલામાં શ્રીલંકાને 72 રને માત આપીને મહિલા એશિયા કપ 2026 (Women Asia Cup 2026) નો ખિતાબ 8મી વખત પોતાના નામે કરી લીધો છે. જોકે, મેચ બાદ પુરસ્કાર વિતરણ સમારોહ દરમિયાન એક નાટ્યાત્મક વળાંક આવ્યો હતો, જ્યારે ભારતીય ટીમે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના અધ્યક્ષ મોહસીન નકવીના હસ્તે ટ્રોફી સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો.
પોડિયમ પર સર્જાયું હાઇ-ડ્રામા
મોહસીન નકવી ફાઇનલ મેચમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. તેમણે રનર્સ-અપ રહેલી શ્રીલંકાની ટીમની કેપ્ટન ચમારી અથાપથુને ચેક સોંપ્યો હતો. પરંતુ જ્યારે વિજેતા ભારતીય ટીમને ટ્રોફી આપવાનો સમય આવ્યો, ત્યારે ટીમ ઈન્ડિયા તેને સ્વીકારવા માટે લાંબા સમય સુધી પોડિયમ તરફ આગળ વધી નહોતી.
BCCI ના સચિવ દેવાજીત સૈકિયા ભારતીય મહિલા ટીમની સાથે ઉભા જોવા મળ્યા હતા. નકવી ટ્રોફી સાથે સ્ટેજ પર જ રહ્યા, પરંતુ ભારતીય ખેલાડીઓએ તેમના હાથમાંથી ટ્રોફી કે મેડલ લેવાની ના પાડી દીધી હતી. નોંધનીય છે કે, અગાઉ 2025 ના પુરુષ એશિયા કપમાં પણ સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય ટીમે નકવી પાસેથી ટ્રોફી લેવાની મનાઈ કરી દીધી હતી.
ફાઇનલ મેચમાં ભારતનો દબદબો
મેચની વાત કરીએ તો, ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે નિર્ધારિત ઓવરોમાં 183 રનનો મજબૂત સ્કોર ઊભો કર્યો હતો. ઓપનર શેફાલી વર્મા (69 રન) અને સ્મૃતિ મંધાના (59 રન) એ શાનદાર અડધી સદી ફટકારીને ટીમને આક્રમક શરૂઆત અપાવી હતી.
184 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ ભારતીય બોલરો સામે ટકી શકી નહોતી અને સમગ્ર ટીમ 111 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી દીપ્તિ શર્માએ ઘાતક બોલિંગ કરતા 4 વિકેટ ઝડપી હતી, જ્યારે શ્રી ચરાનીએ 3 વિકેટ લઈને શ્રીલંકાના મધ્યક્રમને ધ્વસ્ત કરી દીધો હતો. આ સાથે જ ભારતે 72 રનથી વિજય મેળવીને એશિયા કપની ટ્રોફી પર કબજો જમાવ્યો હતો.
