MI New Captain IPL 2027: IPL 2027ની આગામી સિઝન પહેલા ક્રિકેટ જગતમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ મુંબઈ ઈન્ડિયન્સ (MI)નો સાથ છોડી દીધો છે અને હવે તેઓ સત્તાવાર રીતે પંજાબ કિંગ્સનો ભાગ બની ગયા છે. આઈપીએલ 2024માં રોહિત શર્માના સ્થાને હાર્દિકને મુંબઈની કમાન સોંપવામાં આવી હતી, પરંતુ હવે તેમના ટીમ છોડ્યા બાદ મુંબઈ ફ્રેન્ચાઈઝી સામે નવો કેપ્ટન પસંદ કરવાનો મોટો પડકાર ઊભો થયો છે. હાર્દિકના બદલામાં અર્શદીપ સિંહ મુંબઈની ટીમમાં જોડાયા છે, ત્યારે ચાલો જાણીએ કે આગામી સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સની કપ્તાની સંભાળવા માટે કયા ચાર મોટા ખેલાડીઓ સૌથી આગળ ચાલી રહ્યા છે.
રોહિત શર્મા: અનુભવ અને સફળતાનો પર્યાય
મુંબઈ ઈન્ડિયન્સને પોતાની આગેવાનીમાં પાંચ વખત આઈપીએલ ચેમ્પિયન બનાવનાર અનુભવી બેટ્સમેન રોહિત શર્મા એકવાર ફરીથી આ રેસમાં સૌથી આગળ છે. અનેક મીડિયા રિપોર્ટ્સમાં પણ એવા દાવા કરવામાં આવી રહ્યા છે કે ફ્રેન્ચાઈઝી ફરીથી રોહિતના હાથમાં ટીમની કમાન સોંપી શકે છે. રોહિતના કપ્તાન બનવાથી ટીમમાં જૂનો વિશ્વાસ અને શિસ્ત પાછી ફરી શકે છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે રોહિતને કપ્તાન બનાવીને ટીમ સાથે કોઈ યુવા ખેલાડીને ઉપ-કપ્તાન તરીકે તૈયાર કરવામાં આવી શકે છે, જેથી ભવિષ્ય માટે ટીમ મજબૂત બની શકે છે.
તિલક વર્મા: ભવિષ્યના રોકાણ તરીકે યુવા નેતૃત્વ
જો મુંબઈ ઈન્ડિયન્સ લાંબા ગાળાના ભવિષ્યને ધ્યાનમાં રાખીને કોઈ મોટો નિર્ણય લેવા માંગતી હશે, તો યુવા બેટ્સમેન તિલક વર્મા શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે. તિલકે અત્યાર સુધી મુંબઈ માટે ખૂબ જ શાનદાર અને સાતત્યપૂર્ણ પ્રદર્શન કર્યું છે. હાલમાં તેઓ ભારતીય ટી20 ટીમનો પણ મહત્વનો ભાગ છે. જો રોહિત શર્માને થોડા સમય માટે કપ્તાની સોંપવામાં આવે, તો તિલક વર્માને ઉપ-કપ્તાન બનાવીને ભવિષ્યના કેપ્ટન તરીકે તૈયાર કરી શકાય છે.
જસપ્રીત બુમરાહ: બોલિંગ એટેક સાથે લીડરશીપની જવાબદારી
વિશ્વના શ્રેષ્ઠ ઝડપી બોલરોમાં ગણાતા જસપ્રીત બુમરાહ પણ કપ્તાનીની આ રેસમાં મજબૂત દાવેદાર છે. બુમરાહ અગાઉ પણ હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવની ગેરહાજરીમાં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશિપ સંભાળી ચૂક્યો છે. ટીમમાં તેનું માન અને અનુભવ ઘણો વધારે છે. જોકે, ફ્રેન્ચાઈઝી માટે એક ચિંતાનો વિષય તેમનો ઇન્જરી હિસ્ટ્રી અને વર્કલોડ મેનેજમેન્ટ છે, કારણ કે મેનેજમેન્ટ નહીં ઈચ્છે કે પોતાના મુખ્ય ઝડપી બોલર પર કેપ્ટનશિપનું ભારણ આવે.
સૂર્યકુમાર યાદવ: આંતરરાષ્ટ્રીય સ્તરે સફળ કેપ્ટન
હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં અગાઉ મુંબઈની કેપ્ટનશીપ કરનાર સૂર્યકુમાર યાદવ પણ આ રેસમાંથી બહાર નથી. સૂર્યાની આગેવાનીમાં ભારતીય ટીમે ટી20 ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને તેઓ ભારતની ટી20 ટીમના નિયમિત કેપ્ટન પણ છે. તેમનો આક્રમક અંદાજ અને મેદાન પરના નિર્ણયો લેવાની ક્ષમતા તેમને મજબૂત દાવેદાર બનાવે છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી તેમના વ્યક્તિગત બેટિંગ ફોર્મમાં જોવા મળેલો ઘટાડો ટીમ મેનેજમેન્ટ માટે ચિંતાનું કારણ બની શકે છે.
