Vaibhav Sooryavanshi: હાલમાં સમગ્ર ક્રિકેટ જગતમાં વૈભવ સૂર્યવંશીની ખુબ પ્રશંસા થઈ રહી છે. ભારતીય ફેન્સ અને ક્રિકેટરોથી લઈને વિદેશી ક્રિકેટરો પણ આ 15 વર્ષીય ખેલાડીની પ્રશંસા કરી રહ્યા છે. હવે આ યાદીમાં દિગ્ગજ ભારતીય ક્રિકેટર સુનિલ ગાવસ્કરનું નામ પણ સામેલ થઈ ગયું છે. સુનિલ ગાવસ્કર વૈભવના ફેન બની ગયા છે અને તેની ખુબ પ્રશંસા કરી છે. સાથે સાથે તેમણે કેટલીક સલાહ પણ આપી છે.
શું કહ્યું ગાવસ્કરે?
ગાવસ્કરે વૈભવની બેટિંગની પ્રશંસા કરતા કહ્યું કે, તેને બેટિંગ કરતા જવા એક અનોખો લાહવો છે. બેબી બોસને જોઈને મારી અંદરનો બાળક જાગી જાય છે. સાથે તેમણે વૈભવના પરિવારને ખાસ અપીલ કરી છે કે તેઓ વૈભવને જમીન સાથે જોડી રાખે. તેમણે વૈભવની વધતી લોકપ્રિયતાના સંદર્ભમાં આ વાત કરી છે. તેમણે કહ્યું કે, તેમના પરિવારે તેની સાથે વૈભવ (પુત્ર) સમજીને જ વ્યવહાર કરવો જોઈએ ન કે વૈભવ સૂર્યવંશી(સ્ટાર) તરીકે. જેથી આ 15 વર્ષનો ખેલાડી પોતાની રમત પર ધ્યાન આપી શકે.
.. તો તેનું ધ્યાન ભટકી શકે છે- ગાવસ્કર
તેમણે એમ પણ કહ્યું કે, એ પણ જરુરી છે કે વૈભવનો પરિવાર વૈભવની આ સફળતાને કઈ રીતે જોવે છે, કારણ કે જો તેનો પરિવાર એક સેલિબ્રિટી તરીકે વૈભવને ટ્રીટ કરશે તો તેનું ધ્યાન ભટકી શકે છે. દિગ્ગજ ક્રિકેટરે સચિનનું ઉદાહરણ આપતા કહ્યું કે, તે પણ નાની ઉમરમાં ક્રિકેટ રમવા લાગ્યો હતો પરંતુ સચિનના પરિવારે હંમેશા તેને એક સામાન્ય ઘરનો છોકરો છે તે રીતે જ ટ્રીટ કર્યો હતો.
પૈસા અને પ્રશંસા મળશે, પણ ધ્યાન ક્રિકેટ પર રાખવું
ગાવસ્કરે તેમને એ વાત પર પણ ટકોર કરી કે, આવનારા સમયમાં તેમની પાસે મોટી મોટી જાહેરાત, પૈસા, મોટા ક્રોન્ટાક્ટ આ બધુ આવશે. અને આમાં કઈ ખોટુ પણ નથી. પરંતુ આ બધુ આવી જાય ત્યારે તમારુ ધ્યાન ક્રિકેટ પરથી હટવું ન જોઈએ. હંમેશા ક્રિકેટ પર ફોક્સ રાખવું અને પોતાની રમતમાં સુધારો કરતો રહેવો.
વૈભવ સૂર્યવંશીની નેટવર્થ કેટલી છે?
જો આપણે હાલમાં વૈભવ સૂર્યવંશીની કમાણી વિશે વાત કરીએ તો વિવિધ મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેની અંદાજિત નેટવર્થ 7થી 10 કરોડ રૂપિયાની વચ્ચે હોવાનું કહેવામાં આવે છે. જોકે, તેની કુલ સંપત્તિ અંગે કોઈ સત્તાવાર આંકડો જાહેર કરવામાં આવ્યો નથી. તેની આવકમાં IPL કોન્ટ્રાક્ટ, મેચ ફી, ટૂર્નામેન્ટમાં મળતાં ઇનામ અને જાહેરાતની ડીલ્સનો સમાવેશ થાય છે.
બિહારના સમસ્તીપુર જિલ્લાના તાજપુર ગામમાંથી આવતા વૈભવે પોતાની પ્રતિભાના આધારે ભારતીય ક્રિકેટમાં ખાસ ઓળખ બનાવી છે. રાજસ્થાન રોયલ્સે IPL 2025ની હરાજીમાં તેને 1.10 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. ખાસ વાત એ છે કે તેની બેઝ પ્રાઇસ માત્ર 30 લાખ રૂપિયા હતી. IPL 2026 માટે પણ ટીમે તેને આ જ રકમમાં જાળવી રાખ્યો હતો.
