IND vs ENG: લોર્ડ્સમાં વિરાટ કોહલી લગાવશે રેકોર્ડ્સની હેટ્રિક! કુમાર સંગાકારા અને બાબર આઝમને પાછળ છોડશે

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે વનડે સિરીઝનો અંતિમ અને નિર્ણાયક મુકાબલો ઐતિહાસિક લોર્ડ્સ મેદાન પર રમાશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 19 Jul 2026 10:18 AM (IST)Updated: Sun, 19 Jul 2026 10:18 AM (IST)
virat-kohli-records-hat-trick-india-vs-england-3rd-odi-onlords-cricket-stadium
Virat Kohli File Image

IND vs ENG 3rd ODI at Lord's: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ વનડે મેચોની સિરીઝનો અંતિમ અને નિર્ણાયક મુકાબલો રવિવારે લંડનના ઐતિહાસિક લોર્ડ્સ મેદાન પર રમાવા જઈ રહ્યો છે. આ મહત્વપૂર્ણ મેચમાં વિરાટ કોહલી પાસે રેકોર્ડ્સની હેટ્રિક લગાવવાની શાનદાર તક છે. આ સાથે જ કોહલી પાસે શ્રીલંકાના દિગ્ગજ કુમાર સંગાકારા અને પાકિસ્તાની બેટ્સમેન બાબર આઝમને પાછળ છોડવાનો મોકો પણ હશે.

વિશ્વનો બીજો સૌથી સફળ બેટ્સમેન બનવાની તક 

વિરાટ કોહલીએ આ સિરીઝની પ્રથમ વનડેમાં માત્ર 5 રન બનાવ્યા હતા, પરંતુ ત્યારબાદ તેણે શાનદાર વાપસી કરતા 65 રન ફટકાર્યા હતા. સિરીઝની આ છેલ્લી વનડેમાં જો વિરાટ કોહલી 133 રન બનાવે, તો તે વનડે ફોર્મેટમાં 15,000 રન પૂરા કરનાર દુનિયાનો બીજો બેટ્સમેન બની જશે. અત્યાર સુધી વનડેમાં માત્ર સચિન તેંડુલકર જ આ સિદ્ધિ મેળવી શક્યા છે.

અંગ્રેજો સામે ઈંગ્લેન્ડમાં સૌથી વધુ રનનો રેકોર્ડ

ઈંગ્લેન્ડની ધરતી પર ઇંગ્લેન્ડ સામે વિરાટ કોહલીએ અત્યાર સુધીમાં 18 ઈનિંગ્સમાં 651 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 5 અડધી સદી અને 1 સદી ફટકારી છે. આ પ્રદર્શનમાં સુધારો કરવાની કોહલી પાસે સારી તક છે અને તે પાકિસ્તાનના બાબર આઝમ સહિત અનેક બેટ્સમેનોને પાછળ છોડી શકે છે. 

ઈંગ્લેન્ડમાં ઈંગ્લેન્ડની ટીમ સામે સૌથી વધુ રન

  • માઈકલ ક્લાર્ક: 884 રન
  • વિવિયન રિચાર્ડ્સ: 861 રન
  • રિકી પોન્ટિંગ: 835 રન
  • મહેલા જયવર્ધને: 807 રન
  • કુમાર સંગાકારા: 794 રન
  • બાબર આઝમ: 677 રન
  • વિરાટ કોહલી: 651 રન

કુમાર સંગાકારાનો રેકોર્ડ તોડવાની મોટી તક

આ મુકાબલામાં વિરાટ કોહલી વનડેમાં સૌથી વધુ ચોગ્ગા (Fours) લગાવનાર ત્રીજો બેટ્સમેન પણ બની શકે છે. હાલમાં તે કુમાર સંગાકારા સાથે સંયુક્ત રીતે ત્રીજા નંબર પર છે.

  • વિરાટ કોહલી: 313 વન-ડે, 301 ઈનિંગ્સમાં 1385 ચોગ્ગા.
  • કુમાર સંગાકારા: 404 વન-ડે, 380 ઈનિંગ્સમાં 1385 ચોગ્ગા.

વનડે ઈતિહાસમાં સૌથી વધુ ચોગ્ગાનો રેકોર્ડ

  • સચિન તેંડુલકર: 2016 ચોગ્ગા
  • સનથ જયસૂર્યા: 1500 ચોગ્ગા
  • કુમાર સંગાકારા: 1385 ચોગ્ગા
  • વિરાટ કોહલી: 1385 ચોગ્ગા
  • રિકી પોન્ટિંગ: 1231 ચોગ્ગા

હાલમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે વનડે સિરીઝ 1-1 ની બરાબરી પર છે, તેથી જે ટીમ આ મેચ જીતશે તે સિરીઝ પોતાના નામે કરશે. ભારતીય ટીમ અગાઉ ઈંગ્લેન્ડ સામે T-20 સિરીઝ હારી ચૂકી હોવાથી હવે ભારતની નજર વનડે સિરીઝ જીતવા પર રહેશે.