37 વર્ષની વયે વિરાટ કોહલીનું નવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ડેબ્યૂ, પહેલી જ પોસ્ટ વાયરલ

ભારતીય બેટિંગ લેજન્ડ વિરાટ કોહલીએ પ્રોફેશનલ નેટવર્કિંગ પ્લેટફોર્મ લિંક્ડઈન પર એન્ટ્રી કરી લીધી છે. તેમનું બાયો અને પહેલો બિઝનેસ-સંબંધિત પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Tue, 13 Oct 2026 09:29 PM (IST)Updated: Tue, 13 Oct 2026 09:29 PM (IST)
virat-kohli-makes-his-debut-on-a-new-social-media-platform-linkedin-his-very-first-post-goes-viral

Virat Kohli LinkedIn Debut: ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ બેટ્સમેન અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ રમતગમતના મેદાન બાદ હવે બિઝનેસ અને કોર્પોરેટ જગતમાં પણ પોતાની નવી ઇનિંગ શરૂ કરી છે. 37 વર્ષની વયે વિરાટ કોહલીએ પ્રોફેશનલ નેટવર્કિંગ પ્લેટફોર્મ લિંક્ડઈન (LinkedIn) પર સત્તાવાર ડેબ્યૂ કર્યું છે. આ પ્લેટફોર્મ પર આવતાની સાથે જ તેમણે પોતાના વ્યવસાયિક વિઝન અને રોકાણો અંગે એક વિશેષ પોસ્ટ શેર કરી હતી, જે સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહી છે.

લિંક્ડઈન પ્રોફાઈલ બાયો અને બિઝનેસ ડિટેલ્સ

ઈન્સ્ટાગ્રામ અને એક્સ પર કરોડો ફોલોઅર્સ ધરાવતા વિરાટ કોહલીએ હવે લિંક્ડઈન પર પ્રોફાઈલ બનાવીને ચાહકો અને બિઝનેસ કોમ્યુનિટીને આશ્ચર્યચકિત કર્યા છે.

બાયોડાટા (Bio): પોતાની લિંક્ડઈન પ્રોફાઈલમાં તેણે પોતાને "ભારતીય ક્રિકેટ ટીમના એથલીટ" તરીકે દર્શાવ્યા છે.

બિઝનેસ રોલ: આ સિવાય તેમણે પોતાને પોતાની લાઈફસ્ટાઈલ બ્રાન્ડ 'One8 World'ના કો-ફાઉન્ડર અને સ્પોર્ટ્સ બ્રાન્ડ 'Agilitas Sports'ના ઈન્વેસ્ટર તરીકે નોંધાવ્યા છે.

વાયરલ પોસ્ટ: ભારતને 'સ્પોર્ટ્સ સુપરપાવર' બનાવવાનું વિઝન

લિંક્ડઈન પર પોતાની પહેલી પોસ્ટ શેર કરતા વિરાટ કોહલીએ ભારતમાં તમામ રમતો પ્રત્યે વધતા જતા ક્રેઝ અને નવી પેઢીના એથલીટ્સના વખાણ કર્યા હતા. કોહલીએ લખ્યું- હું હંમેશાથી એવા ભારતનું સ્વપ્ન જોતો આવ્યો છું, જ્યાં દરેક રમતને માત્ર રમવામાં જ ન આવે પરંતુ તેને પૂરતો પ્રેમ અને ફોલોઅપ પણ મળે. આજે મને લાગે છે કે આપણું એ વિઝન પહેલા કરતાં ઘણું વધુ નજીક આવી ગયું છે. નવી પેઢીએ પૂરવાર કરી દીધું છે કે ભારત વર્લ્ડ ક્લાસ એથલીટ્સ તૈયાર કરવાની સાથે ગ્લોબલ સ્ટેજ માટે મોટી બ્રાન્ડ્સ પણ બનાવી શકે છે.

એક એથલીટમાંથી સફળ ઈન્વેસ્ટર બનવાની સફર

વિરાટ કોહલીએ ભારતમાં સ્પોર્ટ્સ ઈકોસિસ્ટમને મજબૂત કરવા અંગે પોતાની પોસ્ટમાં આગળ લખ્યું- ભારતમાંથી એક એન્ડ-ટૂ-એન્ડ સ્પોર્ટ્સ પ્લેટફોર્મ બનાવવાનું વિઝન, જેમાં મેન્યુફેક્ચરિંગ, કન્ઝ્યુમર બ્રાન્ડ અને સ્પોર્ટ્સ ડિસ્ટ્રીબ્યુશન બધું જ સામેલ હોય. આપણને એવો દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ કે ભારત ગ્લોબલ સ્પોર્ટ્સના ભવિષ્યને આકાર આપવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

આ જ મુખ્ય કારણ છે કે હું એક ઈન્વેસ્ટર તરીકે, One8Worldના કો-ફાઉન્ડર અને Agilitasમાં કો-ક્રિએટર તરીકે જોડાયો છું. One8ની સ્થાપના મારા એ જ વિશ્વાસ પર થઈ છે જે મેં મારી આખી કારકિર્દી દરમિયાન રાખ્યો છે – સતત પ્રગતિ કરવી, પોતાના સ્ટાન્ડર્ડ્સ ઊંચા લઈ જવા અને કઈંક અલગ કરવાની હિંમત દાખવવી.

સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થયો કોહલીનો 'નવો અવતાર'

વિરાટ કોહલીની આ લિંક્ડઈન પ્રોફાઈલ અને પ્રથમ પોસ્ટ સામે આવ્યા બાદ રમતગમત તેમજ કોર્પોરેટ વર્લ્ડમાં તેની જબરદસ્ત ચર્ચા થઈ રહી છે. માત્ર થોડા જ કલાકોમાં હજારો લોકોએ તેમની પ્રોફાઈલને કનેક્ટ કરી છે. રમતગમતના ક્રેઝી ચાહકોથી લઈને યુવા સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ સુધીના તમામ લોકો કોહલીના આ નવા 'બિઝનેસમેન' અવતાર અને ભારતીય રમતગમત પ્રત્યેના તેમના વિઝનના વખાણ કરી રહ્યા છે.