IPL 2026: SRH vs RCB ટિકિટના ભાવમાં 110 ટકા સુધીનો તોતિંગ વધારો, વેઇટિંગ લિસ્ટ 2.60 લાખને પાર

IPL 2026 માં SRH vs RCB મેચમાં વિરાટ કોહલીને જોવા ચાહકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ટિકિટના ભાવમાં 110 ટકા સુધી વધારો થયો છે, જ્યારે વેઇટિંગ લિસ્ટ 2.60 લાખને પાર પહોંચી ગયું છે.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Sat, 16 May 2026 03:30 PM (IST)Updated: Sat, 16 May 2026 03:31 PM (IST)
virat-kohli-craze-srh-vs-rcb-ticket-price-hike-ipl-2026

Virat Kohli Craze: IPL 2026 હવે તેના રોમાંચક તબક્કા તરફ આગળ વધી રહી છે, ત્યારે આગામી 22 મેના રોજ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાનારી સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) વચ્ચેની મેચને લઈને ક્રિકેટ ચાહકોમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને રમતા જોવા માટે હૈદરાબાદના લોકોમાં એટલો ઉત્સાહ છે કે ટિકિટની માંગ આસમાને પહોંચી ગઈ છે.

ટિકિટ બુકિંગમાં રેકોર્ડબ્રેક વેઇટિંગ

શુક્રવારે સાંજે 5 વાગ્યે જ્યારે Zomato District એપ પર ટિકિટ બુકિંગ પ્રક્રિયા શરૂ કરવામાં આવી, ત્યારે આશ્ચર્યજનક રીતે વેઇટિંગ લિસ્ટ 2.60 લાખને વટાવી ગયું હતું. માંગ એટલી વધારે હતી કે થોડી જ મિનિટોમાં તમામ ટિકિટો વેચાઈ ગઈ હોવાના નોટિસ બોર્ડ ચમકવા લાગ્યા હતા.

મેનેજમેન્ટે ભાવમાં કર્યો ધરખમ વધારો

ચાહકોના આ અકલ્પનીય ધસારાનો લાભ લેતા SRH મેનેજમેન્ટે ટિકિટના ભાવમાં 50% થી લઈને 110% સુધીનો વધારો ઝીંક્યો છે. અગાઉ જે ટિકિટના ભાવ 950 થી 30,000 રૂપિયાની વચ્ચે હતા, તે હવે વધારીને 2,000 થી 45,000 રૂપિયા કરી દેવામાં આવ્યા છે.

ભાવ વધારાની વિગતો

  • અપર-ટાયર સ્ટેન્ડ: જે ટિકિટ પહેલા 900 રૂપિયામાં મળતી હતી, તેમાં 110% નો વધારો કરીને તેની કિંમત 2,000 રૂપિયા કરવામાં આવી છે.
  • સાઉથ ફર્સ્ટ ટેરેસ: આ સિઝનમાં 1,500 રૂપિયામાં મળતી આ ટિકિટનો ભાવ હવે 100% વધારા સાથે 3,000 રૂપિયા રાખવામાં આવ્યો છે.
  • કોર્પોરેટ બોક્સ: જેની કિંમત અગાઉ 30,000 રૂપિયા હતી, તેમાં 50% નો વધારો કરી તેને 45,000 રૂપિયા સુધી પહોંચાડવામાં આવી છે.

ચાહકોમાં રોષ અને બ્લેક માર્કેટિંગની આશંકા

ટિકિટોના આટલા ઊંચા ભાવ અને મર્યાદિત ઉપલબ્ધતાને કારણે સ્થાનિક ચાહકો અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. Reddit જેવા પ્લેટફોર્મ પર એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે ઊંચી માંગનો ગેરફાયદો ઉઠાવીને ટિકિટોનું કાળાબજારમાં મોટા પાયે વેચાણ થઈ રહ્યું છે.

પ્લેઓફની રેસમાં મહત્વનો મુકાબલો

આ મેચ પોઈન્ટ ટેબલની દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે. 22 મેના રોજ રમાનારી આ ટક્કર લીગ સ્ટેજના ટોચના બે સ્થાન નક્કી કરવામાં નિર્ણાયક સાબિત થઈ શકે છે. હાલ RCB 16 પોઈન્ટ સાથે મજબૂત સ્થિતિમાં છે અને ડિફેન્ડિંગ ચેમ્પિયન બેંગલુરુ પ્લેઓફમાં સ્થાન મેળવવાથી માત્ર એક જીત દૂર છે. હૈદરાબાદ સામે રમતા પહેલાં ટીમ રવિવારે ધર્મશાલામાં પંજાબ કિંગ્સ સામે ટકરાશે. બીજી તરફ, પેટ કમિન્સની આગેવાની હેઠળની SRH ટીમે 12 મેચોમાં 14 પોઈન્ટ મેળવ્યા છે, પરંતુ ગુજરાત ટાઇટન્સ સામેની કારમી હાર બાદ હવે તેઓ વાપસી કરવા માટે આતુર છે.