Vaibhav Suryavanshi Debut, IND vs ENG T20: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી T20 સિરીઝની પ્રથમ મેચમાં 15 વર્ષીય યુવા સ્ટાર વૈભવ સૂર્યવંશીને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. જોકે, આ વિલંબ અંગે ભારતીય ક્રિકેટના પૂર્વ દિગ્ગજ ખેલાડી સુનીલ ગાવસ્કરે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે, આવું કરવાથી યુવા ખેલાડી પર દબાણ વધુ વધશે.
વૈભવના આંતરરાષ્ટ્રીય ડેબ્યુમાં વિલંબ
અગાઉ આયરલેન્ડ સામેની T20 સિરીઝ માટે વૈભવ સૂર્યવંશીની ભારતીય ક્રિકેટ ટીમમાં પસંદગી થઈ હતી. પરંતુ, તેને રમવાની તક મળી નહોતી. જે બાદ 1 જુલાઈએ રમાયેલી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની T20 મેચમાં દરેક ચાહકો વૈભવ સૂર્યવંશીના ઈન્ટરનેશનલ ડેબ્યૂની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. પરંતુ ફરી ટીમમાં વૈભવને જગ્યા ન મળતા ક્રિકેટ ચાહકો નિરાશ થયા હતા.
વૈભવના ડેબ્યૂ પર સુનીલ ગાવસ્કરે શું કહ્યું?
એક ઈન્ટરવ્યૂ દરમિયાન સુનીલ ગાવસ્કરે જણાવ્યું કે, ડેબ્યૂ માટે લાંબી રાહ જોવી વૈભવ પર વધારાનું દબાણ ઊભું કરી શકે છે. સુનીલ ગાવસ્કરનું માનવું છે કે, યુવા બેટ્સમેનને જ્યારે પણ તક મળશે ત્યારે તેની પાસેથી તાત્કાલિક પ્રભાવ પાડવાની અપેક્ષા રાખવામાં આવશે.
સુનીલ ગાવસ્કરે સ્પષ્ટ કર્યું કે, "જ્યારે પણ તેને તક મળશે, તેના પર દબાણ પહેલા કરતા વધારે હશે. જોકે 15 વર્ષની ઉંમરે ખેલાડી દબાણ વિશે વધુ વિચારતો નથી, પરંતુ તેને એ વાતનો અહેસાસ ચોક્કસ થશે કે જો બીજી કે ત્રીજી મેચમાં તક મળે તો તેણે તરત જ પોતાને સાબિત કરવો પડશે."
વૈભવએ IPL માં મચાવી હતી ધમાલ
નોંધનીય છે કે, વૈભવ સૂર્યવંશી માટે IPL 2026 ખૂબ જ શાનદાર રહી હતી. ટોપ ઓર્ડરમાં મજબૂત વિકલ્પ તરીકે ઉભરી આવેલા વૈભવે 16 ઈનિંગ્સમાં ધમાકેદાર પ્રદર્શન કરતા 776 રન બનાવ્યા અને સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીની યાદીમાં સામેલ રહ્યો હતો. આ પ્રદર્શનના આધારે તેને આયર્લેન્ડ તથા ઈંગ્લેન્ડના પ્રવાસ માટે ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે.
સુનીલ ગાવસ્કરે આપી હતી સલાહ
ઈંગ્લેન્ડ સામેની પ્રથમ T20 મેચ પહેલા પણ સુનીલ ગાવસ્કરે ટીમ મેનેજમેન્ટને વૈભવને પ્લેઈંગ 11 માં સામેલ કરવાની મહત્વની સલાહ આપી કહ્યું હતું કે, નિયમિત ઓપનિંગ જોડીને જાળવી રાખીને વૈભવ પાસે નંબર-3 પર બેટિંગ કરાવવી જોઈએ. તેમના મતે, ઇંગ્લેન્ડ જેવી મજબૂત ટીમ સામે યુવા બેટ્સમેનને તક આપવી એ વિરોધી ટીમ માટે સરપ્રાઈઝ સાબિત થઈ શકે છે.
