ફરી એક્શનમાં દેખાશે વૈભવ સૂર્યવંશી, ટ્રાઈ સિરીઝ માટે ઈન્ડિયા-A ટીમ શ્રીલંકા પહોંચી; જાણો સંપૂર્ણ શેડ્યુલ

પ્રથમ મેચમાં તિલક વર્માની કેપ્ટનશિપ હેઠળ ઇન્ડિયા-A ટીમ મેદાનમાં ઉતરશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 05 Jun 2026 03:50 PM (IST)Updated: Fri, 05 Jun 2026 03:52 PM (IST)
vaibhav-suryavanshi-india-a-team-sri-lanka-tri-series-2026-schedule
HIGHLIGHTS
  • વૈભવ સૂર્યવંશી ટીમ સાથે હવે શ્રીલંકા
  • શ્રીલંકા ટ્રાઇ સિરીઝમાં ભારતની ટીમ

India A Team for Sri Lanka Tri-Series: ઇન્ડિયન પ્રીમિયર લીગ - IPL 2026 માં વિસ્ફોટક બેટિંગથી ખળભળાટ મચાવનાર યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશી ફરી એકવાર મેદાન પર પોતાનો જલવો દેખાડવા માટે તૈયાર છે. આગામી શ્રીલંકા પ્રવાસમાં રમાનારી ટ્રાઇ-સિરીઝ (Tri-Series) માટે વૈભવ સૂર્યવંશી 'ઇન્ડિયા-A' ટીમ સાથે શ્રીલંકા પહોંચી ગયો છે.

9 જૂનથી દાંબુલામાં શરૂ થશે ટ્રાઇ-સિરીઝ

શ્રીલંકામાં આયોજીત આ ટ્રાઇ-સિરીઝમાં ઇન્ડિયા-A, શ્રીલંકા-A અને અફઘાનિસ્તાન-A ટીમ વચ્ચે જંગ જામશે. આ સિરીઝની શરૂઆત 9 જૂનથી થશે, જેમાં પ્રથમ મેચમાં તિલક વર્માની કેપ્ટનશિપ હેઠળની ઇન્ડિયા-A ટીમનો સામનો શ્રીલંકા-A સામે થશે. તમામ મેચ દાંબુલાના રંગીરી દાંબુલા ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે, અને સિરીઝની ફાઇનલ 21 જૂને યોજાશે.

નોંધનીય છે કે, પહેલા આ સિરીઝનું ભારતમાં પ્રસારણ થવાનું ન હતું, પરંતુ વૈભવ સૂર્યવંશીની લોકપ્રિયતા અને ક્રેઝને ધ્યાનમાં રાખીને હવે આ તમામ મેચ સોની સ્પોર્ટ્સ નેટવર્ક (Sony Sports Network) અને સોની લિવ (Sonyliv) એપ પર લાઇવ દેખાડવામાં આવશે.

ટ્રાઇ-સિરીઝનું સંપૂર્ણ સમયપત્રક

  • 9 જૂન - ઇન્ડિયા A વિરુદ્ધ શ્રીલંકા A
  • 11 જૂન -  ઇન્ડિયા A વિરુદ્ધ અફઘાનિસ્તાન A
  • 13 જૂન - અફઘાનિસ્તાન A વિરુદ્ધ શ્રીલંકા A
  • 15 જૂન -  ઇન્ડિયા A વિરુદ્ધ શ્રીલંકા A
  • 17 જૂન -  ઇન્ડિયા A વિરુદ્ધ અફઘાનિસ્તાન A
  • 19 જૂન - અફઘાનિસ્તાન A વિરુદ્ધ શ્રીલંકા A
  • 21 જૂન - ફાઇનલ

IPL 2026 માં મચાવ્યો હતો તરખાટ

માત્ર 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ તાજેતરમાં પૂરી થયેલી IPL 2026 માં ધમાકેદાર બેટિંગ કરતા આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બન્યો અને ઓરેન્જ કેપ પોતાના નામે કરી હતી. વૈભવે 16 મેચની 16 ઇનિંગ્સમાં 48.50 ની સરેરાશ અને 237.30 ના ખતરનાક સ્ટ્રાઈક રેટથી કુલ 776 રન બનાવ્યા હતા. આ ઐતિહાસિક સફરમાં તેણે 5 અડધી સદી અને 1 સદી ફટકારી હતી, તેમજ ટૂર્નામેન્ટમાં કુલ 63 ચોગ્ગા અને 72 છગ્ગા લગાવ્યા હતા. પ્લેઓફની મેચોમાં તે નર્વસ 90 નો શિકાર બનીને બે વખત સદી ચૂક્યો હતો.

સિનિયર ટીમ માટે પણ મક્કમ દાવેદાર

શ્રીલંકા પ્રવાસની સાથે સાથે વૈભવ સૂર્યવંશી ભારતીય સિનિયર ટીમમાં પણ ડેબ્યૂ કરવા માટે ચર્ચામાં છે. અફઘાનિસ્તાન સામેની વનડે સિરીઝમાંથી વિરાટ કોહલી હેમસ્ટ્રિંગની ઈજાના કારણે બહાર થઈ ગયો છે. આ સાથે જ, પૂર્વ કેપ્ટન રોહિત શર્માની ફિટનેસ પર પણ સસ્પેન્સ છે, કારણ કે IPL દરમિયાન તેને પણ હેમસ્ટ્રિંગની સમસ્યા નડી હતી.

BCCI દ્વારા રોહિતને ફિટનેસ ટેસ્ટ માટે બેંગ્લુરુ સ્થિત સેન્ટર ઓફ એક્સેલન્સ (COE) માં બોલાવાયો હોવા છતાં તે હજુ ત્યાં પહોંચ્યો નથી, જેના કારણે તે વનડે સિરીઝમાંથી બહાર રહી શકે તેવી પૂરી સંભાવના છે. જો રોહિત શર્મા બહાર થાય છે, તો ઇન્ટરનેશનલ ડેબ્યૂની રાહ જોઈ રહેલો 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી દાવેદારોમાં સૌથી મોખરે છે. 

શ્રીલંકા પ્રવાસ માટે ઇન્ડિયા-A સ્ક્વોડ

તિલક વર્મા (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ (વાઇસ-કેપ્ટન), પ્રિયાંશ આર્ય, વૈભવ સૂર્યવંશી, આયુષ બદોની, નિશાંત સિંધુ, સૂર્યાંશ શેડગે, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), કુમાર કુશાગ્ર (વિકેટકીપર), વિપરાજ નિગમ, યશ ઠાકુર, યુદ્ધવીર સિંહ, અંશુલ કંબોજ, અરશદ ખાન, અનુકૂલ રોય.