IND vs AFG Test Match, Indian Team Playing XI: ક્રિકેટ ચાહકોની નજર ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાનારી ટેસ્ટ મેચ પર ટકેલી છે. બંને ટીમો વચ્ચે આ એકમાત્ર ટેસ્ટ મેચ આગામી 6 જૂનથી ન્યૂ ચંદીગઢના મુલ્લાનપુરમાં રમાવાની છે. ભારતીય સમય અનુસાર સવારે 9:30 વાગ્યે મેચ શરૂ થશે, જેના માટે સવારે 9:00 વાગ્યે ટોસ થશે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા આ ટેસ્ટ મેચ માટે સ્ક્વોડમાં કેટલાક નવા ખેલાડીઓને સામેલ કર્યા છે. કેપ્ટન શુભમન ગિલ માટે આ મેચ રેડ-બોલ ક્રિકેટની તૈયારીઓના ભાગરૂપે અત્યંત મહત્વની બની રહેશે. કારણ કે, ભારતને આગામી સમયમાં શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડના પ્રવાસે પણ જવાનું છે.
ઓપનિંગ અને ત્રીજા નંબરની બેટિંગ કોણ કરશે?
આ મેચ માટે ભારતની ઓપનિંગ જોડી લગભગ નક્કી છે, જેમાં યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલ ઇનિંગની શરૂઆત કરશે. ટેસ્ટ ક્રિકેટમાં ચેતેશ્વર પૂજારા બાદ ભારતને હજુ સુધી ત્રીજા નંબર માટે કોઈ કાયમી ભરોસાપાત્ર બેટ્સમેન મળ્યો નથી. અગાઉ વોશિંગ્ટન સુંદર, કરુણ નાયર અને સાઈ સુદર્શનને અજમાવ્યા બાદ હવે આ સ્થાને દેવદત્ત પડિક્કલને તક મળી શકે છે. ચોથા નંબર પર ખુદ કેપ્ટન શુભમન ગિલ રમતો જોવા મળશે.
મિડલ ઓર્ડરમાં વિકેટકીપર કોણ હશે?
મિડલ ઓર્ડરની વાત કરીએ તો વિકેટકીપર-બેટ્સમેન તરીકે ઋષભ પંત રમતો જોવા મળશે. તેના સિવાય નીતિશ કુમાર રેડ્ડી અને વોશિંગ્ટન સુંદરને પણ તક મળી શકે છે. પ્લેઇંગ 11 માં સ્પિન ઓલરાઉન્ડર તરીકે હર્ષ દુબે અને માનવ સુથારમાંથી કોને સામેલ કરવા તે અંગે કેપ્ટન શુભમન ગિલ વિચાર કરશે.
કેવી હશે ભારતની બોલિંગ લાઇનઅપ?
આ મેચ ભારતમાં રમાઈ રહી હોવાથી અહીંની પિચ સ્પિનરોને વધુ મદદરૂપ થઈ શકે છે. આ સ્થિતિમાં ભારતીય ટીમ બે મુખ્ય ફાસ્ટ બોલરો અને ત્રણ સ્પિનરો સાથે મેદાનમાં ઉતરી શકે છે. કેપ્ટન ગિલ સ્પિન વિભાગમાં કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર અને હર્ષ અથવા સુથારમાંથી કોઈ એકને પ્લેઇંગ 11 માં રમાડી શકે છે. ફાસ્ટ બોલિંગની કમાન મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણા સંભાળી શકે છે. જોકે, યુવા ફાસ્ટ બોલર ગુરનૂર બરાર પર પણ પસંદગીકારોની નજર રહેશે.
આ પણ વાંચો: વિદેશી લીગ રમવા નિવૃત્તિ લેતા ખેલાડીઓ પર BCCI લાલઘૂમ, 5 વર્ષના પ્રતિબંધનો નવો માસ્ટરપ્લાન તૈયાર
ભારતીય ક્રિકેટ ટીમની સંભવિત પ્લેઈંગ-11
યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, દેવદત્ત પડિક્કલ, શુભમન ગિલ (કેપ્ટન), ઋષભ પંત (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, નીતિશ કુમાર રેડ્ડી, હર્ષ દુબે/માનવ સુથાર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા
