વિદેશી લીગ રમવા નિવૃત્તિ લેતા ખેલાડીઓ પર BCCI લાલઘૂમ, 5 વર્ષના પ્રતિબંધનો નવો માસ્ટરપ્લાન તૈયાર

એપેક્સ કાઉન્સિલની ઓનલાઈન બેઠકમાં વિવિધ મહત્વપૂર્ણ બાબતો પર ચર્ચા થઈ હતી.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 05 Jun 2026 09:24 AM (IST)Updated: Fri, 05 Jun 2026 09:24 AM (IST)
bcci-apex-council-meeting-new-retirement-policy-for-indian-cricketers

BCCI Apex Council Meeting: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) વિદેશી T20 લીગમાં રમવા માટે આંતરરાષ્ટ્રીય કે ઘરેલુ ક્રિકેટમાંથી સંન્યાસ લેતા ખેલાડીઓ માટે નવી રિટાયરમેન્ટ પોલિસી (Retirement Policy) તૈયાર કરવાની યોજના બનાવી રહ્યું છે. ગતરોજ મળેલી એપેક્સ કાઉન્સિલ (Apex Council) ઓનલાઈન બેઠકમાં આ મુદ્દા સહિત અન્ય મહત્વપૂર્ણ બાબતો પર વિસ્તારથી ચર્ચા કરવામાં આવી હતી.

વિજય શંકરનો કિસ્સો અને વિદેશી લીગનો મોહ

આ મુદ્દો ત્યારે વધુ ગરમાયો જ્યારે તાજેતરમાં ભારતીય ક્રિકેટર વિજય શંકરે અચાનક સંન્યાસની જાહેરાત કરી દીધી, અને ખુદ લંકા પ્રીમિયર લીગ (LPL) માટે ઉપલબ્ધ હતા. આ જાહેરાત બાદ 2026 ની સિઝન માટે 'કેન્ડી રોયલ્સ' (Kandy Royals) ટીમે તેને પોતાની ટીમમાં સામેલ પણ કરી લીધો છે.

જોકે, વિજય શંકર આવું કરનાર એકમાત્ર ખેલાડી નથી. આ અગાઉ દિનેશ કાર્તિક, યુવરાજ સિંહ, ઉન્મુક્ત ચંદ, પ્રવીણ તાંબે અને ઈરફાન પઠાણ જેવા જાણીતા ખેલાડીઓ પણ આ જ રસ્તે ચાલ્યા હતા. વર્તમાન નિયમો મુજબ, કોઈપણ સક્રિય ભારતીય ખેલાડી વિદેશી લીગ રમી શકતો નથી. આથી કેટલાક ખેલાડીઓ સંન્યાસ લઈને આ નિયમની છટકબારી બનાવે છે.

5 વર્ષના 'કુલિંગ-ઓફ' પિરિયડનો માસ્ટરપ્લાન

રિપોર્ટ્સ મુજબ, ખેલાડીઓને વિદેશી લીગમાં જતા રોકવા માટે એપેક્સ કાઉન્સિલની બેઠકમાં એક 'કુલિંગ-ઓફ પિરિયડ' (Cooling-off Period) લાવવા પર વિચાર કરવામાં આવ્યો છે. જો કોઈ ભારતીય ખેલાડી સંન્યાસ લઈને સીધો જ વિદેશી લીગમાં રમવા જાય છે, તો તેના પર ભારતીય ક્રિકેટ સિસ્ટમમાં પરત ફરવા પર ઓછામાં ઓછો 5 વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવી શકે છે.

BCCI ની ઈચ્છા છે કે દેશની અગત્યની પ્રતિભાઓ અને અનુભવી ખેલાડીઓ લાંબા સમય સુધી ભારતીય ઘરેલુ માળખા અને IPL ની પ્રતિષ્ઠા જાળવવામાં પોતાનું મહત્ત્વનું યોગદાન આપે. આ કડક નીતિને અંતિમ મહોર મારવાની અને કાનૂની પાસાઓ ચકાસવાની જવાબદારી બીસીસીઆઈ અધ્યક્ષ અને સચિવને સોંપવામાં આવી છે.

ફિજી અને માલદીવના ક્રિકેટ બોર્ડની કરશે મદદ

આ જ એપેક્સ કાઉન્સિલની બેઠકમાં એક બીજો અગત્યનો નિર્ણય લેવાયો છે. BCCI હવે ફિજી અને માલદીવના ક્રિકેટ બોર્ડને તેમના દેશમાં ક્રિકેટના વિકાસ માટે વિશેષ સહાય પ્રદાન કરશે. BCCI આ દેશોમાં ક્રિકેટને મજબૂત બનાવવા માટે પોતાના કોચ મોકલશે અને અન્ય જરૂરી શક્ય મદદ પણ પૂરી પાડશે. આનો મુખ્ય ઉદ્દેશ્ય ઉભરતા દેશોમાં ક્રિકેટના વિકાસ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) ના પ્રયાસોને મજબૂતી આપવાનો છે.

નોંધનીય છે કે, આ અગાઉ વર્ષ 2019માં પણ BCCI એ પોતાના પૂર્વ મહાપ્રબંધક સબા કરીમ અને પૂર્વ ફિલ્ડિંગ કોચ અભય શર્માને માલદીવમાં ક્રિકેટની સ્થિતિનો તાગ મેળવવા ત્યાંના પ્રવાસે મોકલ્યા હતા. આ ઉપરાંત ભારતીય ક્રિકેટ બોર્ડ ભૂતકાળમાં અફઘાનિસ્તાન અને નેપાળ જેવા દેશોને પણ ક્રિકેટમાં ઉભરી આવવા માટે મોટી મદદ કરી ચૂક્યું છે.