ENG vs NZ Test series: લંડનના ઐતિહાસિક લોર્ડ્સ મેદાન પર ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ વચ્ચે 3 મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. જોકે, પ્રથમ ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના ખેલાડીઓ હાથ પર કાળી પટ્ટી બાંધીને મેદાન પર ઉતર્યા, જેથી ક્રિકેટ ચાહકોના મનમાં આ અંગે પ્રશ્ન થયો હતો. વાસ્તવમાં, ઇંગ્લિશ ખેલાડીઓએ દેશના પૂર્વ ક્રિકેટરોને અને ન્યૂઝીલેન્ડના દિગ્ગજ માર્ટિન ક્રોને શ્રદ્ધાંજલિ આપવા માટે આ કાળી પટ્ટી બાંધી હતી.
પૂર્વ દિગ્ગજો અને માર્ટિન ક્રોને સન્માન
ટેસ્ટ મેચ શરૂ થતા પહેલા બંને દેશોની ટીમના ખેલાડીઓએ એક મિનિટનું મૌન પાળીને આ તમામ દિવંગત ક્રિકેટરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ઇંગ્લેન્ડ ટીમે ક્રિકેટમાં અમૂલ્ય યોગદાન આપનાર પોતાના પૂર્વ ખેલાડીઓને યાદ કર્યા હતા. જેમાં કેન શટલવર્થ, જ્હોન જેમિસન, બેરી નાઈટ, રોબિન સ્મિથ, હ્યુ મોરિસ, નોર્મન ગિફોર્ડ, એરિક રસેલ, ટોની પિગોટ અને એમજેકે સ્મિથનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, ન્યૂઝીલેન્ડના મહાન બેટ્સમેન અને અત્યંત પ્રભાવશાળી વ્યક્તિત્વ ગણાતા માર્ટિન ક્રોની 10મી પુણ્યતિથિ નિમિત્તે તેમને પણ વિશેષ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. માર્ટિન ક્રોને સન્માન આપવા માટે તેમની પુત્રી એમ્મા ક્રોએ મેચ શરૂ થતા પહેલા લોર્ડ્સની પરંપરાગત 5 મિનિટની બેલ વગાડી હતી.
ટોસ અને ઇંગ્લેન્ડની ટીમમાં મોટા ફેરફાર
આ શ્રદ્ધાંજલિ સમારોહ બાદ મેચની ઔપચારિક શરૂઆત થઈ હતી. ન્યૂઝીલેન્ડના કેપ્ટન ટોમ લાથમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, કારણ કે આકાશમાં વાદળછાયું વાતાવરણ હતું, અને તેનાથી બોલરોને મદદ મળી શકે તેમ હતી.
આ મેચમાં ઇંગ્લેન્ડની ટીમમાં કેટલાક મહત્વના ફેરફાર જોવા મળ્યા છે. ડરહામના ઓપનર એમિલિયો ગે (Emilio Gay) એ ઇંગ્લેન્ડ તરફથી પોતાનું ટેસ્ટ ડેબ્યૂ કર્યું છે. રસપ્રદ વાત એ છે કે, એમિલિયો તાજેતરમાં જ ઇટાલી માટે ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યો છે. આ સાથે જ, ફાસ્ટ બોલર ઓલી રોબિન્સનની પણ 2024 બાદ ટીમમાં વાપસી થઈ છે.
ટેસ્ટ સિરીઝ માટે બંને ટીમની પ્લેઈંગ 11
- ઇંગ્લેન્ડ: એમિલિયો ગે, બેન ડકેટ, જેકબ બેથેલ, જો રૂટ, હેરી બ્રુક, જેમી સ્મિથ (વિકેટકીપર), બેન સ્ટોક્સ (કેપ્ટન), ગસ એટકિન્સન, ઓલી રોબિન્સન, જોશ ટોંગ, શોએબ બશીર.
- ન્યૂઝીલેન્ડ: ટોમ લાથમ (કેપ્ટન), ડેવોન કોનવે, કેન વિલિયમસન, રચિન રવિન્દ્ર, ડેરિલ મિશેલ, ટોમ બ્લંડેલ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, નાથન સ્મિથ, કાયલ જેમિસન, મેટ હેનરી, વિલિયમ ઓ'રુરકે.
