IND-W vs ZIM-W 2nd ODI: વડોદરા ખાતે રમાયેલી બીજી ODI મેચમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઝિમ્બાબ્વેને 121 રને હરાવ્યું છે. દીપ્તિ શર્મા અને હરમનપ્રીત કૌરની ઐતિહાસિક સદીઓ તેમજ વૈષ્ણવી શર્માની શાનદાર બોલિંગના જોરે આ ભવ્ય વિજય સાથે ભારતીય ટીમે વનડે શ્રેણીમાં 2-0 ની અજેય સરસાઈ મેળવીને શ્રેણી પોતાના નામે કરી લીધી છે.
વડોદરામાં રમાયેલા વનડે મુકાબલામાં ભારતે પ્રથમ બેટિંગ કરતા ઝિમ્બાબ્વે સામે 329 રનનો વિશાળ લક્ષ્યાંક મૂક્યો હતો. ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. નવનિયુક્ત કેપ્ટન સ્મૃતિ મંધાના મેચની પ્રથમ ઓવરમાં જ પુલ શોટ રમવાના પ્રયાસમાં પોતાની વિકેટ ગુમાવી બેઠીહતી. ત્યારબાદ શેફાલી વર્મા પણ મિડવિકેટ પર કેચ આઉટ થઈ ગઈ હતી. ઝિમ્બાબ્વેની બોલર નોમવેલો સિબાન્ડાએ આ બંને પ્રારંભિક વિકેટ ઝડપી હતી.
માત્ર 2 વિકેટ ઝડપથી પડી ગયા બાદ પ્રતિકા રાવલ અને પૂર્વ કેપ્ટન હરમનપ્રીતકૌરે ભારતીય ઈનિંગ્સને સંભાળી હતી. બંને ખેલાડીઓ ત્રીજી વિકેટ માટે 124 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી. પ્રતિકા રાવલે 61 રનની શાનદાર ઈનિંગ્સ રમી હતી અને તે 23 મી ઓવરમાં ડીપ મિડવિકેટ પર કેચ આઉટ થઈ હતી.
પ્રતિકા આઉટ થયા બાદ હરમનપ્રીત કૌરે મેદાન પર પોતાનો દબદબો બનાવી રાખ્યો હતો. તેને મેચ દરમિયાન 3 જીવનદાન પણ મળ્યા અને તેણે 121 બોલમાં 126 રનની તોફાની ઈનિંગ્સ રમી, જે તેની વનડે કરિયરની 8 મી સદી હતી. ત્યારબાદ હરમનપ્રીત અને દીપ્તિ શર્મા વચ્ચે ચોથી વિકેટ માટે 153 રનની રેકોર્ડબ્રેક ભાગીદારી નોંધાઈ હતી.
દીપ્તિ શર્માએ આક્રમક બેટિંગ કરતા માત્ર 86 બોલમાં 15 ચોગ્ગાની મદદથી અણનમ 106 રન બનાવ્યા હતા. ઈનિંગ્સની અંતિમ ઓવરમાં સ્ક્વેર લેગ તરફ ચોગ્ગો ફટકારીને દીપ્તિએ પોતાની વનડે કરિયરની 2જી સદી પૂરી કરી હતી. આ બંને દિગ્ગજોના ઉત્કૃષ્ટ પ્રદર્શનની મદદથી ભારતે 328 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. જોકે, ઝિમ્બાબ્વેની ટીમ 207 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.
