Vaibhav Sooryavanshi Debut, ENG vs IND: 4 જુલાઈ 2026 નો દિવસ ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં હંમેશા માટે સુવર્ણ અક્ષરે નોંધાઈ ગયો છે. ઈંગ્લેન્ડ સામે રમાયેલી બીજી T20 મેચમાં 15 વર્ષીય યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરીને ભારત માટે સૌથી યુવા વયે ડેબ્યુ કરવાનો રેકોર્ડ પોતાના નામે નોંધાવી ઈતિહાસ રચી દીધો છે.
તિલક વર્માએ સોંપી ડેબ્યૂ કેપ, ખાસ સલાહ આપી
ઈંગ્લેન્ડ સામેની T-20 મેચ શરૂ થતાં પહેલાં યુવા ખેલાડી તિલક વર્માએ વૈભવને તેની ડેબ્યૂ કેપ સોંપી હતી. આ ભાવુક ક્ષણે તિલકે તેને કહ્યું કે, આ તારા અને તારા પરિવાર માટે ખરેખર ગર્વની ક્ષણ છે. તારી સખત મહેનતના બળે તેં આ કેપ મેળવી છે. મેદાન પર જઈને એકદમ નીડર બનીને રમજે, સાચો એટિટ્યુડ અને ચહેરા પર સ્મિત સાથે તારી રમતનો આનંદ લેજે.
ડેબ્યૂ કેપ મળતા જ સૌથી પહેલા કોને કર્યો ફોન?
BCCI દ્વારા શેર કરવામાં આવેલા એક વીડિયોમાં વૈભવે ખુલાસો કર્યો છે કે ડેબ્યૂ કેપ મળ્યા બાદ તેણે સૌથી પહેલા કોને જાણ કરી હતી. વૈભવે કહ્યું કે, આ ખરેખર એક અદભુત અહેસાસ છે. ભારત માટે રમવું એ કોઈપણ ભારતીય માટે સૌથી મોટી વાત હોય છે. કેપ મળ્યા પછી હું સૌથી પહેલા મારા રૂમમાં ગયો અને મારા પિતા સંજીવને આ અંગે જણાવ્યું હતું.
વૈભવ સૂર્યવંશીએ ઉમેર્યું કે, પિતાને સમાચાર આપ્યા બાદ તેણે તેની માતા અને કોચ રોમી સરને જાણ કરી હતી. તેના પિતા આ સમાચાર સાંભળીને ખૂબ ખુશ થયા હતા અને તેમણે દીકરાને સલાહ આપી કે, અત્યાર સુધી જે કરતો આવ્યો છે તે જ કરજે, કોઈ દબાણ ન લેતો અને તારી નેચરલ ગેમ પર ભરોસો રાખજે.
ડેબ્યૂ મેચમાં વૈભવે કરી આક્રમક શરૂઆત
વૈભવ સૂર્યવંશીએ પોતાના ઈન્ટરનેશનલ કરિયરની શરૂઆત અત્યંત આક્રમક અંદાજમાં કરી હતી. તેણે પોતાની 10 બોલની ટૂંકી ઈનિંગમાં 2 શાનદાર છગ્ગા ફટકારીને 14 રન બનાવ્યા હતા, ત્યારબાદ તે વિલ જેક્સના બોલ પર સ્ટમ્પ આઉટ થયો હતો. ભલે તે 14 રને આઉટ થયો હોય, પરંતુ તેના બાળપણના કોચ મનીષ ઓઝાએ આ ક્ષણને ખૂબ જ ઈમોશનલ અને ગર્વ અપાવનારી ગણાવી હતી.
વૈભવ સૂર્યવંશીના કોચ અને પરિવારને પૂરો વિશ્વાસ છે કે IPL અને અંડર-19 વર્લ્ડ કપની જેમ જ વૈભવ આવનારા સમયમાં આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાને સાબિત કરશે અને દેશ માટે મેચ વિનિંગ ઈનિંગ્સ રમશે.
સચિન તેંડુલકર-શેફાલી વર્માનો રેકોર્ડ તૂટ્યો
માન્ચેસ્ટરમાં રમાયેલી આ મેચમાં માત્ર 15 વર્ષ અને 99 દિવસની ઉંમરે ડેબ્યૂ કરીને વૈભવ સૂર્યવંશીએ મહાન ક્રિકેટર સચિન તેંડુલકર અને મહિલા ખેલાડી શેફાલી વર્માનો રેકોર્ડ તોડી નાખ્યો છે. તે ભારત માટે કોઈપણ ફોર્મેટમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનાર સૌથી યુવા ખેલાડી બની ગયો છે. આ ઉપરાંત, વિશ્વના કોઈપણ ટેસ્ટ રમનાર દેશ તરફથી T20 ઈન્ટરનેશનલમાં ડેબ્યૂ કરનાર તે સૌથી ઓછી ઉંમરનો ખેલાડી પણ બની ગયો છે.
