Abhigyan Kundu U19 Asia Cup: 2026 ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026) પહેલા આજે 16 ડિસેમ્બરે અબુ ધાબીમાં એક મિની હરાજી થઈ રહી છે. આ દરમિયાન વિકેટકીપર-બેટ્સમેન અભિજ્ઞાન કુંડુ ACC મેન્સ અંડર-19 એશિયા કપ 2025માં સ્ફોટક બેટિંગ કરી છે .
17 વર્ષીય અભિજ્ઞાન કુંડુએ મલેશિયા અંડર-19 ટીમ વિરુદ્ધ બેવડી સદી ફટકારી છે. આમ અભિજ્ઞાન અંડર-19 વન-ડેમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો છે. જેના પરિણામે વૈભવ સૂર્યવંશીના આ સાથી ખેલાડી પર હરાજીમાં મોટી બોલી લાગી શકે છે.
કુંડુએ અંડર-19 વનડે ક્રિકેટમાં ભારતીય ખેલાડી દ્વારા સૌથી વધુ સ્કોરનો રેકોર્ડ પણ તોડી નાંખ્યો છે. અભિજ્ઞાને અંબાતી રાયડુ (177)ને પાછળ છોડી દીધો. આટલું જ નહીં, અભિજ્ઞાન કુંડુએ પોતાના સાથી ખેલાડી વૈભવ સૂર્યવંશીને પણ પાછળ છોડીને ટૂર્નામેન્ટનો સૌથી વધુ વ્યક્તિગત સ્કોર નોંધાવ્યો છે.
જો આજની મેચની વાત કરીએ તો, અભિજ્ઞાન કુંડુએ 167.20ના સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી 125 બોલમાં 209 રન બનાવી અણનમ રહ્યો છે. કુંડુએ પોતાની ઇનિંગમાં 17 ચોગ્ગા અને નવ સિક્સ ફટકારી હતી. તેની ઇનિંગને કારણે ભારતે 50 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 408 રન બનાવ્યા. અભિજ્ઞાન ઉપરાંત વેદાંત ત્રિવેદી અને વૈભવ સૂર્યવંશીએ પણ અડધી સદી ફટકારી.
દુબઈમાં ફરી એકવાર વૈભવની તોફાની બેટિંગના દર્શન થયા હતા. જેણે 5 ફૉર અને 3 સિક્સની મદદથી 25 બૉલમાં જ પોતાની અડધી સદી પુરી કરી હતી. આ સિવાય વેદાંતે પણ 125 બોલમાં 90 રનની ઉપયોગી ઈનિંગ્સ રમી હતી.
અભિજ્ઞાન કુંડુએ 121 બોલમાં પોતાની બેવડી સદી પૂરી કરી. તેણે અંડર-19 વનડેમાં સૌથી ઝડપી બેવડી સદીનો દક્ષિણ આફ્રિકાના જોરિચ વાન શાલ્કવિકનો રેકોર્ડ (145 બોલ) તોડ્યો. કુંડુનો 209 રન અંડર-19 વનડે ઇતિહાસમાં બીજો સૌથી વધુ વ્યક્તિગત સ્કોર છે, જે વાન શાલ્કવિકના ઝિમ્બાબ્વે સામે 215 રન પછીનો છે.
