Syed Mushtaq Ali Trophy, Vaibhav Suryavanshi: સૈયદ મુસ્તાક અલી ટ્રોફીના એલિટ ગ્રુપની મેચમાં આજે બિહાર અને હૈદરાબાદની ટીમ વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં બિહારની ટીમને 7 વિકેટે ભૂંડી હારનો સામનો કરવો પડ્યો છે.
દરેક મેચની માફક આ મેમચાં પણ સ્ફોટક બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને લઈને લોકોને મોટી આશા રાખીને બેઠા હતા. જો કે આજની મેચમાં વૈભવનું બેટ એકદમ ચુપ રહ્યું હતુ અને આખરે બિહારની ટીમ હારી ગઈ હતી.
આજની મેચમાં પહેલા બેટિંગ કરતાં બિહારની ટીમે 20 ઑવરમાં 8 વિકેટ ગુમાવીને 132 રન બનાવ્યા હતા. જેના જવાબમાં હૈદરાબાદની ટીમે 12.5 ઑવરમાં જ 3 વિકેટ ગુમાવીને 133 રનના વિજયી લક્ષ્યાંકને હાંસલ કરીને મેચ જીતી લીધી હતી.
વૈભવ સૂર્યવંશી ફ્લોપ રહ્યો
હૈદરાબાદ સામેની મેચમાં વૈભવ સૂર્યવંશીના પ્રદર્શન પર નજર કરીએ તો, આ સ્ફોટક બેટ્સમેન 11 બોલ જ રમી શક્યો. આ દરમિયાન વૈભવ 100ની સ્ટ્રાઈક રેટ સાથે 2 ફૉરની મદદથી માત્ર 11 રન જ બનાવી શક્યો હતો.
અગાઉની મેચમાં વૈભવ સૂર્યવંશીએ મહારાષ્ટ્ર વિરુદ્ધ સદી ફટકારી હતી. ગોવા સામેની મેચમાં પણ વૈભવે અર્જુન તેંડુલકરને રીતસરનો જૂડી નાંખ્યો હતો. જો કે હૈદરાબાદ સામેની મેચમાં વૈભવ કંઈ ખાસ ઉકાળી શક્યો નહતો. હૈદરાબાદના બૉલર તનય ત્યાગરાજને વૈભવને બોલ્ડ આઉટ કરીને પેવેલિયન મોકલી દીધો હતો.
જો આજની મેચની વાત કરીએ તો, બિહારની ટીમે ટૉસ જીતીને પહેલા બેટિંગ લીધી હતી. જો કે વૈભવ સૂર્યવંશીના રૂપમાં બિહારને પહેલો ફટકો પડ્યો હતો. બિહારની ટીમ તરફથી પિયુષ સિંહ સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બન્યો, જેણે 30 બૉલમાં 3 ફૉરની મદદથી 34 રન બનાવ્યા હતા. જ્યારે સાતમા ક્રમે બેટિંગ કરવા ઉતરેલ બિપિન સૌરભે 19 બોલમાં એક ફૉર અને 3 સિક્સર્સની મદદથી તાબડતોડ 31 રન બનાવ્યા હતા. આખરે નિર્ધારિત 20 ઑવરના અંતે બિહારની ટીમ 8 વિકેટ ગુમાવીને માત્ર 132 રન જ બનાવી શકી.
133 રનના વિજયી લક્ષ્યાંકનો પૂછો કરવા ઉતરેલી હૈદરાબાદની ટીમની શરૂઆત પણ નબળી રહી હતી. 20 રનના સ્કોરે આધારભૂત બેટ્સમેન અમન રૉવ 17 રન બનાવીને આઉટ થઈ ગયો. જે બાદ નીતિશ રેડ્ડી પણ 8 બોલમાં માત્ર 7 રન જ બનાવી શક્યો. જ્યારે તન્મય અગ્રવાલ 42 બૉલમાં 11 ફૉર અને 1 સિક્સની મદદથી 67 રન ફટકારીને છેક સુધી અણનમ રહ્યો હતો. જેના પગલે હૈદરાબાદની ટીમ જીતી ગઈ હતી. આ સાથે જ બિહારની ટીમની આ ટૂર્નામેન્ટમાં છઠ્ઠી હાર છે. હવે ટીમ 8 ડિસેમ્બરે ઉત્તર પ્રદેશની ટીમ સામે ટકરાશે.
