Smriti Mandhana: ટીમ ઈન્ડિયાની સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાનાના લગ્ન મુલતવી રાખવામાં આવ્યા છે ત્યારથી દરેક વ્યક્તિ તેની એક ઝલકની રાહ જોઈ રહ્યા છે. સ્મૃતિ તરફથી લગ્નને લઈને કોઈ પણ પ્રકારની અપડેટની લોકો રાહ જોઈ રહ્યા છે. હવે લગ્ન મુલતવી રહ્યાને લગભગ 12 દિવસ પછી, આ રાહ પૂરી થઈ છે અને મંધાનાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ મૂકી છે જેના કારણે ચાહકોએ રાહતનો શ્વાસ લીધો છે. આ પોસ્ટમાં મંધાનાએ લગ્ન વિશે કોઈ નવીનતમ માહિતી આપી નથી, પરંતુ વિડિયોમાં મંધાનાએ વર્લ્ડ કપ ફાઇનલ વિશેના પોતાના અનુભવો શેર કર્યા છે.
લગ્ન મુલતવી રાખ્યા પછી મંધાનાની પહેલી પોસ્ટ
સ્મૃતિ મંધાના 5 ડિસેમ્બરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડિયો પોસ્ટ કર્યો. જોકે, આ કોઈ નિયમિત પોસ્ટ નહોતી, પરંતુ એક પ્રાયોજિત વિડિયો હતો જે તેણે પોતાના બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે બનાવ્યો હતો. પરંતુ આમાં તેણે 2025ના વર્લ્ડ કપમાં ટાઇટલ જીતવાના પોતાના અનુભવો શેર કર્યા. વર્લ્ડ કપ જીતવાની રાહ ખતમ થયા પછી મંધાનાએ કહ્યું કે છેલ્લા 12 વર્ષમાં વર્લ્ડ કપ હાર્યા પછી તે વિચારતી રહી કે તે ક્યારે જીતી શકશે અને જ્યારે 2 નવેમ્બરના રોજ ટીમ ઈન્ડિયાએ ટ્રોફી જીતી ત્યારે તે ફરીથી નાના બાળકની જેમ ખુશ થવા લાગી.
દરેક વખતે અમારું દિલ તૂટતું હતુંઃ મંધાના
વર્લ્ડ કપ ફાઇનલને યાદ કરતાં મંધાનાએ કહ્યું કે- ઈન્ટરનેશનલ ક્રિકેટ રમતાંને 12 વર્ષ થઈ ગયા હતા અને દર વર્ષે અમારું દિલ તૂટતું હતું. સમગ્ર વર્લ્ડ કપ દરમિયાન અમે સતત એ જ વિચારતા હતા કે ક્યારે આ ક્ષણ આવે. અને જ્યારે એ ક્ષણ આવી ત્યારે મને એક બાળકી જેવી ફીલિંગ આવતી હતી, મેં બહુ ફોટા નથી લીધાં.
સ્મૃતિએ વિડિયોમાં વધુમાં જણાવ્યું છે કે- તેને બેટિંગ કરતી વખતે વધુ વિચારવાની જરૂર નહોતી કારણ કે તે ટીમની જરૂરિયાતો અનુસાર રમી રહી હતી. પણ ફિલ્ડિંગ કરતી વખતે, મંધાના ભગવાનને યાદ કરી રહી હતી. તેણે કહ્યું- ફિલ્ડિંગ કરતી વખતે મને બધા ભગવાન યાદ આવ્યા. 300 બોલ દરમિયાન, હું ફક્ત ભગવાનને પ્રાર્થના કરી રહી હતી કે બસ વિકેટ અપાવી દો.
લગ્નને લઈને કોઈ વાત ન કરી
મંધાનાની આ પોસ્ટ તેના લગ્ન મુલતવી રાખ્યાના લગભગ 12 દિવસ પછી આવી છે. સ્મૃતિ અને તેના મંગેતર પલાશ મુચ્છલના લગ્ન ગયા મહિને 23 નવેમ્બરે થવાના હતા. આ લગ્ન મંધાનાના સાંગલીમાં ઘરે થવાના હતા પરંતુ તે જ દિવસે અચાનક મુલતવી રાખવા પડ્યા. મંધાનાના મેનેજર દ્વારા આપવામાં આવેલા એક નિવેદનમાં સ્મૃતિના પિતાની બગડતી તબિયતનું કારણ આપવામાં આવ્યું હતું જે પછી 3-4 દિવસ સુધી હોસ્પિટલમાં રહ્યા. પલાશ મુચ્છલની તબિયત પણ બગડી ગઈ હોવાથી તેને પણ થોડા દિવસો માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ ત્યારથી લગ્ન અંગે કોઈ માહિતી સામે આવી નથી.
