*સ્મૃતિ મંધાના ટીમ ઈન્ડિયાની નવી કેપ્ટન બની; હરમનપ્રીત કૌરની જગ્યાએ સંભાળશે ટીમની કમાન*

BCCI દ્વારા સ્મૃતિ મંધાનાને ભારતીય મહિલા ક્રિકેટ ટીમની નવી કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવી છે. હરમનપ્રીત કૌરે પદ છોડ્યા બાદ આ મોટો નિર્ણય લેવાયો છે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Tue, 06 Oct 2026 09:49 PM (IST)Updated: Tue, 06 Oct 2026 11:04 PM (IST)
smriti-mandhana-appointed-new-captain-of-indian-womens-cricket

Smriti Mandhana Captain: ભારતીય મહિલા ક્રિકેટ જગતમાં એક મોટો બદલાવ જોવા મળ્યો છે. સ્ટાર ઓપનર બેટર સ્મૃતિ મંધાનાને ભારતીય મહિલા ક્રિકેટ ટીમની નવી કેપ્ટન બનાવવામાં આવી છે. આ જવાબદારી મળતાની સાથે જ તેણે પોતાની ખુશી વ્યક્ત કરવાની સાથે પૂર્વ કેપ્ટન હરમનપ્રીત કૌરના યોગદાનને પણ યાદ કર્યું છે.

હરમનપ્રીત કૌરે કેપ્ટનશિપ છોડી

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની અનુભવી ખેલાડી અને અત્યાર સુધી કેપ્ટન રહેલા હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટની કેપ્ટનશિપ છોડવાનો મોટો નિર્ણય લીધો હતો. તેમના આ નિર્ણય બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા મંગળવારે સ્મૃતિ મંધાનાને ટીમ ઈન્ડિયાની નવી કેપ્ટન જાહેર કરવામાં આવી છે. હવે તેઓ ત્રણેય ફોર્મેટ (ટેસ્ટ, વનડે અને ટી20)માં ટીમની કમાન સંભાળશે.

સ્મૃતિ મંધાનાનો કેપ્ટન તરીકેનો અનુભવ

સ્મૃતિ મંધાના અગાઉ પણ હરમનપ્રીત કૌરની ગેરહાજરીમાં ટીમ ઈન્ડિયાની આગેવાની કરી ચૂકી છે. તેણે અત્યાર સુધી 18 ટી20 મેચ અને ચાર વનડે મેચોમાં ભારતનું નેતૃત્વ કર્યું છે. આ ઉપરાંત, વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)માં પણ તેમને કેપ્ટનશિપનો સારો એવો અનુભવ છે, જ્યાં તેની આગેવાની હેઠળ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ શાનદાર પ્રદર્શન કર્યું છે. લાંબા સમયથી તેને લીડરશિપ રોલ માટે તૈયાર કરવામાં આવી રહી હતી અને હવે તે સત્તાવાર રીતે મુખ્ય કેપ્ટન બની ગઈ છે.

સ્મૃતિ મંધાનાની પ્રતિક્રિયા

ભારતીય ટીમની કપ્તાની મળ્યા બાદ સ્મૃતિ મંધાનાએ ભારે ઉત્સાહ અને ગર્વની લાગણી વ્યક્ત કરી હતી. તેણે જણાવ્યું હતું કે દેશની કેપ્ટનશિપ કરવાની જવાબદારી મળવી એ તેના માટે અત્યંત સન્માનની વાત છે. ભારત માટે રમવું હંમેશાંથી તેમના માટે ખૂબ જ ખાસ રહ્યું છે અને હવે સમગ્ર ટીમને લીડ કરવાની તક મળવી તેમના માટે અમૂલ્ય ક્ષણ છે. તેણે આ સફરમાં સાથ આપવા બદલ BCCI, સિલેક્ટર્સ, સાથી ખેલાડીઓ અને પોતાના શુભચિંતકોનો આભાર માન્યો હતો.

હરમનપ્રીત કૌરનો વિશેષ આભાર

પોતાના નિવેદનમાં મંધાનાએ પૂર્વ કેપ્ટન હરમનપ્રીત કૌરના વર્ષોના યોગદાનની પ્રશંસા કરી હતી. તેણે કહ્યું કે- હું હરમનપ્રીત કૌરના આટલા વર્ષોના કેપ્ટન તરીકેના યોગદાન બદલ તેમનો દિલથી આભાર માનવા માંગુ છું. તેમણે ખૂબ જ શાનદાર રીતે ટીમનું નેતૃત્વ કર્યું છે. મંધાનાએ ઉમેર્યું કે તે આ ભૂમિકા સાથે આવતી જવાબદારીઓને સારી રીતે સમજે છે અને ટીમ સાથે મળીને ભારતીય ક્રિકેટને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે ઉત્સુક છે.