જામનગરની નેહા ચાવડાની વેસ્ટ ઝોન મહિલા ક્રિકેટર ટીમમાં પસંદગી, સ્મૃતિ મંધાનાની આગેવાનીમાં રમશે

આ મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ 21 નવેમ્બરથી ઓડિશામાં રમાશે, જેમાં નેહા 21 નવેમ્બરના રોજ પોતાની ટીમ સાથે જોડાશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 12 Nov 2026 12:08 AM (IST)Updated: Thu, 12 Nov 2026 12:08 AM (IST)
jamnagar-neha-chavda-selected-for-west-zone-senior-women-cricket-team

Jamnagar Cricket News: જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (JDCA) ની સિનિયર મહિલા ક્રિકેટર નેહા ચાવડાની પ્રતિષ્ઠિત વેસ્ટ ઝોન મહિલા ક્રિકેટ ટીમમાં પસંદગી કરવામાં આવી છે. આ મહત્વની ટુર્નામેન્ટમાં નેહા ભારતીય સ્ટાર ક્રિકેટર સ્મૃતિ મંધાનાની કેપ્ટનશીપ હેઠળ વેસ્ટ ઝોન ટીમ તરફથી રમતી જોવા મળશે.

ચાલુ સિઝનમાં નેહાએ સૌરાષ્ટ્રની સિનિયર મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન તરીકે સફળતાપૂર્વક જવાબદારી સંભાળી હતી. તેના શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શનના આધારે આ રાષ્ટ્રીય કક્ષાની ટીમમાં સ્થાન પ્રાપ્ત થયું છે. તેની સફળતા પાછળ જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા આપવામાં આવેલો સહયોગ અને ગુણવત્તાયુક્ત તાલીમ મુખ્ય આધાર સ્તંભ રહ્યા છે.

આ આંતર-ઝોનલ મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ 21 નવેમ્બરથી ઓડિશાના કટક ખાતે યોજાનાર છે. નેહા ચાવડા 21 નવેમ્બરના રોજ પોતાની ટીમ સાથે જોડાશે અને ટુર્નામેન્ટમાં ભાગ લેશે. નેહા લાંબા સમયથી જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના કોચ મહેન્દ્રસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ ક્રિકેટની તાલીમ લઈ રહી છે.

નેહા ચાવડાની વેસ્ટ ઝોન ટીમમાં પસંદગી થતા જામનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રના ક્રિકેટ આલમમાં ખુશીની લહેર છે. આ સિદ્ધિ બદલ JDCA હોદ્દેદારો, રમતપ્રેમીઓ અને સ્થાનિક ક્રિકેટરોએ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. તમામ અગ્રણીઓ અને રમતપ્રેમીઓએ આગામી આંતર-ઝોનલ ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા માટે નેહા ચાવડાને શુભેચ્છાઓ પાઠવી છે.