'ટીમ ઈન્ડિયા કન્ફ્યુઝ, ફાઈન ટ્યુનિંગમાં ફેલ': ODI સીરીઝ જીત્યા બાદ પણ કેપ્ટન ગિલનો ગુસ્સો ફૂટ્યો, ટીમ ઈન્ડિયાની ખામીઓ છતી કરી

ટીમ ઈન્ડિયાએ આપેલા 352 રનના ટાર્ગેટને વેસ્ટ ઈન્ડીઝ ટીમે ચેઝ કરી છેલ્લી વનડે મેચ જીતી લીધી હતી.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 04 Oct 2026 10:49 AM (IST)Updated: Sun, 04 Oct 2026 10:49 AM (IST)
shubman-gill-on-india-vs-west-indies-odi-series-fielding-death-bowling-and-world-cup-2027
કેપ્ટન શુભમન ગિલ

Shubman Gill on Team India Performance: ભારતીય વન-ડે ટીમના કેપ્ટન શુભમન ગિલે વેસ્ટ ઈન્ડીઝ સામેની ODI સિરીઝ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાની ખામીઓ અંગે વાત કરી છે. ભારતે ત્રણ મેચની ODI સીરિઝ જીતી લીધી, પરંતુ ન્યૂ ચંડીગઢમાં રમાયેલી ત્રીજી અને અંતિમ વન-ડે મેચમાં હારનો સામનો કરવો પડતા ક્લીન સ્વીપ કરવામાં નિષ્ફળ રહ્યું. આ હાર બાદ કેપ્ટન શુભમન ગિલેટીમમાં તાત્કાલિક સુધારો કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.

351 રન બનાવ્યા છતાં હાર, વેસ્ટ ઈન્ડીઝનો સર્વોચ્ચ રન ચેઝ

ન્યુ ચંદીગઢ ખાતે રમાયેલી ત્રીજી વન-ડે મેચમાં ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 7 વિકેટના નુકસાને 351 રનનો સ્કોર બનાવ્યો હતો. આ મેચમાં ભારત તરફથી કે.એલ. રાહુલે 129 રનની શાનદાર ઈનિંગ રમી હતી, જ્યારે રોહિત શર્માએ 92 રન અને ઋતુરાજ ગાયકવાડે 57 રનનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

352 રનનો મુશ્કેલ લક્ષ્યાંક હોવા છતાં વેસ્ટ ઈન્ડીઝના કેપ્ટન શાઈ હોપે અણનમ 162 રનની તોફાની ઈનિંગ રમીને પોતાની ટીમને જીત અપાવી હતી. વન-ડે ક્રિકેટના ઈતિહાસમાં વેસ્ટ ઈન્ડીઝનો આ સૌથી મોટો સફળ રન ચેઝ (Run Chase) હતો.

'6-7 કેચ છોડ્યા, ફિલ્ડિંગમાં સુધારાની જરૂર': કેપ્ટનનું નિવેદન

ત્રીજી વન-ડે મેચમાં મળેલી હાર બાદ કેપ્ટન શુભમન ગિલે જણાવ્યું કે, "આવતા વર્ષે યોજાનારા વન-ડે વર્લ્ડ કપ 2027 ની તૈયારીના દ્રષ્ટિકોણથી ઘણી બધી બાબતો યોગ્ય દિશામાં છે, પરંતુ હજુ પણ કેટલીક જગ્યાએ ફાઈન ટ્યુનિંગની જરૂર છે. અમારી ફિલ્ડિંગ વધુ બહેતર થઈ શકે છે. અમે મેચ દરમિયાન છ-સાત કેચ છોડ્યા હતા, જે વર્લ્ડ કપની તૈયારીના હિસાબે બિલકુલ યોગ્ય નથી."

ડેથ ઓવરમાં બોલિંગ અને ટીમના દ્વિધાયુક્ત વલણ પર સવાલ

કેપ્ટન શુભમન ગિલે ટીમની ડેથ ઓવરમાં નબળી બોલિંગ અંગે પણ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. આ સિરીઝની છેલ્લી બે મેચોમાં ભારતીય બોલરોએ પુષ્કળ રન લુટાવ્યા હતા. ગિલે ડેથ બોલિંગ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, "અમારે અમારી ડેથ બોલિંગ પર કામ કરવાની જરૂર છે. અમે એ વાતને લઈને સ્પષ્ટ નથી કે અમારે એટેક કરવું છે કે ડિફેન્સ, ખાસ કરીને જ્યારે અમે ડેથ ઓવરમાં બોલિંગ કરીએ છીએ ત્યારે."

ગુવાહાટીમાં રનનો વરસાદ: બંને ટીમનો 400 રનનો આંકડો પાર

ભારતે શુભમન ગિલની કપ્તાની હેઠળ વેસ્ટ ઈન્ડીઝ સામેની આ વન-ડે સીરિઝ 2-1થી પોતાના નામે કરી હતી. ભારતે સીરીઝની શરૂઆતી બંને મેચ જીતીને અગાઉથી જ સિરીઝ પર કબજો જમાવી લીધો હતો, પરંતુ ત્રીજી મેચમાં શાઈ હોપની ઈનિંગે ભારતના ક્લીન સ્વીપના સપના પર પાણી ફેરવી દીધું હતું.

આ આખી સિરીઝ દરમિયાન રનનો ભારે વરસાદ જોવા મળ્યો હતો. ગુવાહાટીમાં રમાયેલી બીજી વન-ડે મેચમાં વેસ્ટ ઈન્ડીઝે જોન કેમ્પબેલ, શાઈ હોપ અને આમિર જાંગુની સદીઓના બળે પ્રથમ બેટિંગ કરતા 7 વિકેટે 405 રન બનાવ્યા હતા. 406 રનના વિશાળ લક્ષ્યાંક સામે ભારતે શુભમન ગિલની બેવડી સદી અને રોહિત શર્માની સદીની મદદથી વન-ડે ઈતિહાસમાં પોતાનો સૌથી સફળ રન ચેઝ હાસિલ કરીને જીત મેળવી હતી.