IND vs AFG Test: માત્ર 31 રનથી ચૂક્યો શુભમન ગિલ, નહીં તો વિરાટ-સચિનનો મહારેકોર્ડ તૂટી જતો

અફઘાનિસ્તાન સામેની ટેસ્ટમાં શુભમન ગિલ 126 રન બનાવીને આઉટ થયો હતો.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 07 Jun 2026 11:46 AM (IST)Updated: Sun, 07 Jun 2026 11:46 AM (IST)
shubman-gill-missed-3000-test-runs-record-in-india-vs-afghanistan-test

Shubman Gill IND vs AFG Test: ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમના કેપ્ટન શુભમન ગિલે અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. જોકે, મેચના બીજા દિવસે 126 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ થતાં તે પોતાના ટેસ્ટ કરિયરના 3000 રન પૂરા કરવાથી માત્ર 31 રન દૂર રહી ગયો હતો. આ સાથે તે વિરાટ કોહલી અને સચિન તેંડુલકરનો એક મોટો રેકોર્ડ તોડવાની તક ચૂકી ગયો છે.

શુભમન ગિલની શાનદાર ઈનિંગ

ન્યૂ ચંદીગઢના મહારાજા યાદવિન્દર ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી અફઘાનિસ્તાન સામેની આ ટેસ્ટ મેચ શુભમન ગિલની 41મી ટેસ્ટ મેચ અને 74મી ઇનિંગ હતી. બીજા દિવસે જ્યારે તેણે 103 રનથી પોતાની ઇનિંગ આગળ વધારી ત્યારે તેને 3000 રનના આંકડા સુધી પહોંચવા માટે વધુ 54 રનની જરૂર હતી.

માત્ર 31 રનથી ચૂક્યો મોટો રેકોર્ડ

જોકે, શુભમન ગિલ માત્ર 23 રન વધુ ઉમેરી શક્યો અને 126 રનના સ્કોર પર મોહમ્મદ સલીમ સફીની બોલિંગમાં વિકેટકીપર અફસર ઝઝાઈના હાથે કેચ આઉટ થયો હતો. જો ગિલે 31 રન વધુ બનાવ્યા હોત, તો તે મેચની દ્રષ્ટિએ સૌથી ઝડપી 3000 રન બનાવી વિરાટ કોહલી અને સચિન તેંડુલકરને પાછળ છોડી શક્યો હોત.

ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલીએ 2016માં વેસ્ટ ઈન્ડિઝ સામે 42 મી ટેસ્ટ મેચમાં અને સચિન તેંડુલકરે 1996માં સાઉથ આફ્રિકા સામે પોતાની 45 મી ટેસ્ટ મેચમાં 3000 રનનો આંકડો પાર કર્યો હતો.

સૌથી ઝડપી 3000 રન પૂરા કરનાર ભારતીય ખેલાડી

  • વીરેન્દ્ર સેહવાગ (2005 - 34 મેચ, 55 ઇનિંગ્સ)
  • મોહમ્મદ અઝહરુદ્દીન (1991 - 43 મેચ, 64 ઇનિંગ્સ)
  • સુનીલ ગાવસ્કર (1977 - 34 મેચ, 66 ઇનિંગ્સ)
  • ગૌતમ ગંભીર (2010 - 37 મેચ, 66 ઇનિંગ્સ)
  • સચિન તેંડુલકર (1996 - 45 મેચ, 67 ઇનિંગ્સ)

શુભમન-ઋષભની મોટી ભાગીદારી

ભારતની ઇનિંગની 96મી ઓવરમાં શુભમન ગિલ આઉટ થયો હતો. આઉટ થતા પહેલા તેણે ઋષભ પંત સાથે મળીને 169 રનની મજબૂત ભાગીદારી નોંધાવી હતી. જ્યારે શુભમન ગિલ આઉટ થયો ત્યારે ભારતનો સ્કોર 416 રન હતો, અને ટીમને ચોથો ઝટકો લાગ્યો હતો.

વર્ષ 2025 થી ટેસ્ટમાં ગિલનો દબદબો

એક મોટો રેકોર્ડ ચૂકી જવા છતાં વર્ષ 2025 થી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં શુભમન ગિલ ટોચના સ્થાને બિરાજમાન છે. તેણે માત્ર 17 ઇનિંગ્સમાં જ 1086 રન બનાવ્યા છે. આ યાદીમાં ઓસ્ટ્રેલિયાનો ટ્રેવિસ હેડ 22 ઇનિંગ્સમાં 1009 રન સાથે બીજા ક્રમે અને ઇંગ્લેન્ડનો હેરી બ્રૂક 16 ઇનિંગ્સમાં 953 રન સાથે ત્રીજા ક્રમે છે.

2025 પછી સૌથી વધુ ટેસ્ટ સ્કોર

  • શુભમન ગિલ (ભારત - 17 ઇનિંગ્સ, 1086* રન)
  • ટ્રેવિસ હેડ (ઓસ્ટ્રેલિયા - 22 ઇનિંગ્સ, 1009 રન)
  • હેરી બ્રુક (ઇંગ્લેન્ડ - 16 ઇનિંગ્સ, 953 રન)
  • કેએલ રાહુલ (ભારત - 15 ઇનિંગ્સ, 913 રન)