IND vs PAK, Shafali Verma record: મહિલા એશિયા કપ 2026 માં પાકિસ્તાન સામે રમાયેલી મેચમાં ભારતની સલામી બેટ્સમેન શેફાલી વર્મા ભલે માત્ર 12 રનની નાની ઈનિંગ રમીને આઉટ થઈ ગઈ હોય. પરંતુ, તેમ છતાં તેણે મહિલા T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક નવો વર્લ્ડ રેકોર્ડ બનાવીને ઈતિહાસ રચી દીધો છે. શેફાલી વર્મા મહિલા T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી અને સૌથી નાની ઉંમરે 3000 રન પૂરા કરનારી વિશ્વની પ્રથમ બેટ્સમેન બની અને આયર્લેન્ડની ગેબી લુઈસ અને ઓસ્ટ્રેલિયાની એલિસા હીલીના રેકોર્ડ્સ ધ્વસ્ત કર્યા છે.
ગેબી લુઈસ અને એલિસા હીલીનો રેકોર્ડ તોડ્યો
શેફાલી વર્માએ માત્ર 22 વર્ષ અને 220 દિવસની ઉંમરે આ સીમાચિહ્ન પ્રાપ્ત કરીને આયર્લેન્ડની ગેબી લુઈસનો રેકોર્ડ તોડ્યો છે, જેણે 24 વર્ષ અને 347 દિવસની ઉંમરે 3000 રન પૂરા કર્યા હતા. આ ઉપરાંત, ફેસ કરેલા બોલની દ્રષ્ટિએ પણ શેફાલી હવે વિશ્વમાં સૌથી ઝડપી બની ગઈ છે. તેણે માત્ર 2182 બોલમાં પોતાના 3000 રન પૂરા કર્યા છે, જ્યારે ઓસ્ટ્રેલિયાની એલિસા હીલીએ 2321 બોલમાં આ સિદ્ધિ મેળવી હતી.
ભારતે પાકિસ્તાન માત્ર 55 રનમાં કર્યું ઓલઆઉટ
દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં શનિવારે રમાયેલી આ મેચમાં ભારતીય બોલરો સામે પાકિસ્તાની ટીમ તદ્દન લાચાર જોવા મળી હતી. સમગ્ર પાકિસ્તાની ટીમ માત્ર 55 રનમાં સમેટાઈ ગઈ હતી. ભારત તરફથી શ્રીચરણી અને પ્રેમા રાવતે શાનદાર બોલિંગ પ્રદર્શન કરીને 3-3 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત દીપ્તિ શર્માને 2 વિકેટ અને શેફાલી વર્માને પણ 1 વિકેટ મળી હતી.
ભારતે જીત માટેના 56 રનના લક્ષ્યાંકને માત્ર 8.4 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને સરળતાથી હાંસલ કરી લીધો હતો અને અજેય રહેતા સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. પાકિસ્તાન તરફથી કેપ્ટન ફાતિમા સનાએ જ ત્રણેય ભારતીય વિકેટો લીધી હતી.
