IND vs ENG Vaibhav dropping reason, Shreyas Iyer: ઈંગ્લેન્ડ સામે રમાયેલી પાંચમી અને અંતિમ T20 મેચમાં ભારતીય ટીમમાંથી 15 વર્ષીય યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીને ડ્રોપ કરવામાં આવ્યો હતો. આ સાથે 3 મેચ બાદ સંજુ સેમસનની વાપસી થઈ હતી. જોકે, ભારતે આ મેચ પણ ગુમાવી અને ઈંગ્લેન્ડે 4-0 થી સિરીઝ પોતાના નામે કરી લીધી.
ફોર્મ નહિ, રણનીતિ હતી મુખ્ય કારણ
આ મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે વૈભવ સૂર્યવંશીને ડ્રોપ કરવા પાછળનું સાચું કારણ જાહેર કરતા સ્પષ્ટ કર્યું કે, 15 વર્ષના વૈભવને તેના ખરાબ ફોર્મના કારણે નહીં, પરંતુ બેટિંગ ઓર્ડરની શરૂઆત માટે મેનેજમેન્ટની ખાસ રણનીતિના કારણે બહાર રાખવામાં આવ્યો હતો.
કેપ્ટન શ્રેયસ અય્યરે જણાવ્યું હતું કે, "અમે એવું કોમ્બિનેશન ઈચ્છતા હતા જે આ પરિસ્થિતિ માટે સૌથી યોગ્ય હોય. અમે ઈચ્છતા હતા કે અભિષેક શર્મા સાથે ઓપનિંગ કરવા માટે કોઈ જમણા હાથનો (Right-handed) બેટ્સમેન હોય."
મેનેજમેન્ટે ટોપ ઓર્ડરમાં લેફ્ટ-રાઈટ (ડાબા અને જમણા હાથના) બેટ્સમેનોનું કોમ્બિનેશન રાખવાનો નિર્ણય લીધો હોવાથી વૈભવની જગ્યાએ સંજુ સેમસનને તક આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, વૈભવ સૂર્યવંશીએ અગાઉની 3 મેચોમાં 42 રન બનાવ્યા હતા.
સંજુ સેમસનની વાપસી અંગે શું કહ્યું?
પ્લેઈંગ 11 માં સંજુ સેમસનની વાપસી વિશે પૂછવામાં આવતા શ્રેયસ અય્યરે વધુમાં ઉમેર્યું કે, "જેમ મેં પહેલા જણાવ્યું, અમે આ ખાસ મેચ માટે એક અલગ કોમ્બિનેશન અજમાવવા માંગતા હતા. સંજુ એક શાનદાર બેટ્સમેન છે અને તેણે ભૂતકાળમાં પણ અમારા માટે ઘણી સિરીઝ જીતાડી છે."
કંગાળ પ્રદર્શન માટે જવાબદાર કારણો?
આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડના પ્રવાસમાં ભારતીય ટીમનું પ્રદર્શન અત્યંત નિરાશાજનક રહ્યું હતું અને ટીમ 7 માંથી એક પણ મેચ જીતી શકી ન હતી. આ ખરાબ પ્રદર્શન અંગે શ્રેયસ અય્યરે જણાવ્યું કે, આના માટે કોઈ એક ચોક્કસ કારણ જવાબદાર ન હતું, પરંતુ ટીમને સતત પડકારોનો સામનો કરવો પડ્યો હતો.
શ્રેયસ અય્યરે કહ્યું, "સાચું કહું તો કોઈ એક ખાસ કારણ ન હતું, પરંતુ અમે એક વેન્યુથી બીજા વેન્યુ પર જતા રહ્યા અને અમને સતત પડકારોનો સામનો કરવો પડ્યો. ખાસ કરીને મેદાનની સાઈઝ અને ત્યાંની પરિસ્થિતિના મામલે. અમે જેટલી જલ્દી પરિસ્થિતિ મુજબ ઢળવા માંગતા હતા, તેવું થઈ શક્યું નહીં."
ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમની જીતને આપ્યો શ્રેય
શ્રેયસ અય્યરે યજમાન ઈંગ્લેન્ડની ટીમના વખાણ કરતા સ્વીકાર્યું કે, તેઓ શ્રેષ્ઠ ક્રિકેટ રમ્યા છે. તમે માત્ર એવું વિચારીને ઈંગ્લેન્ડ ન આવી શકો કે તમે અહીં આવીને જીતી જશો. તમારે સખત મહેનત કરવી પડે છે અને ફોકસ્ડ રહેવું પડે છે. એક ટીમ તરીકે અમે એવું જ કર્યું. મને અંગત રીતે લાગે છે કે ઈંગ્લેન્ડે ત્રણેય વિભાગમાં શાનદાર પ્રદર્શન કર્યું, તેથી પરિણામ તરફેણમાં રહ્યું."
