Mumbai Indians: આઈપીએલ 2027 પહેલા મુંબઈએ ફરી રોહિત શર્માને કેપ્ટન બનાવી દીધો છે. રોહિત પાંચ વખત મુંબઈને ચેમ્પિયન બનાવી ચુક્યો છે. શુક્રવારે ટીમે આની સત્તાવાર જાહેરાત કરી હતી. આ ઉપરાંત તેમણે ઈન્ટરવ્યૂમાં ટીમની સ્થિતિ અને હાર્દિક પંડ્યા વિશે પણ વાત કરી છે.
હાર્દિકના કેપ્ટન બન્યા બાદ સ્થિતિ ખરાબ થઈ
તમને જણાવી દઈએ કે, 2022 મા હાર્દિક પંડ્યા ગુજરાતની ટીમ સાથે જોડાયો હતો અને ત્યાર બાદ તે ફરી 2024 મા મુબઈમાં પાછો આવ્યો હતો. જોકે તે પરત આવ્યો ત્યારે તેને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. રોહિતને અચાનક હટાવી દેવામાં આવતા બધા લોકો ચોંકી ગયા હતા. જોકે હાર્દિકના કેપ્ટન બન્યા બાદ સ્થિતિ ખરાબ થઈ ગઈ અને મુંબઈનું પ્રદર્શન સતત ડાઉન થતું ગયું. આ ઉપરાંત એવા પણ અહેવાલ સામે આવ્યા કે, રોહિત અને હાર્દિક વચ્ચે બધુ બરાબર નથી. આ ઉપરાંત ટીમના બીજા ખેલાડીઓ પણ હાર્દિકની કપ્તાનીમાં સહજ નહોતા. હાર્દિકને ઘણીવાર મેદાનમાં ફેન્સના વિરોધનો પણ સામનો કરવો પડ્યો. હવે હાર્દિક પંજાબમાં જતો રહ્યો છે અને મુંબઈએ રોહિતને કપ્તાની સોપી છે.
કેપ્ટન બન્યા બાદ શું બોલ્યો રોહિત?
કેપ્ટન બન્યા બાદ રોહિતે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, છેલ્લી ત્રણ સિઝનથી અમારી ટીમનું પ્રદર્શન યોગ્ય રહ્યું નથી. માત્ર હું જ નહીં પરંતુ મારા સાથી ખેલાડીઓ પણ ટીમના પ્રદર્શનથી નિરાશ હતા. એ વાત તો જાણીતી જ છે કે જો તમે કે તમારી ટીમ સારુ પરફોર્મ નહીં કરે તો નિરાશા આવશે જ. આ સમયગાળો અમારા બધા માટે નિરાશાભર્યો હતો. કારણ કે અમારી ટીમની ગણતરી આઈપીએલની સૌથી સફળ ટીમમાં થતી હતી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી લાગતું હતું કે, આ ટીમ એ નથી જે પહેલા હતી. હવે મારો અને ટીમનો એ જ પ્રયાસ છે કે ટીમ પહેલા જેવી બને અને બધા ખેલાડીઓ પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવે.
ખેલાડીઓ પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવી રહ્યા નહોતા
રોહિતે કહ્યું કે, ટીમની ખરાબ હાલથી ફ્રેન્ચાઈસી પણ ચિંતિત હતી અને હું પણ એ જ વિચારતો હતો કે ટીમ કેવી રીતે બેસ્ટ પરફોર્મ કરે. મને મારી ટીમની હાલત જોઈને દુખ થતું હતું, કારણ કે, કેટલાક ખેલાડીઓ પોતાને મળેવી જવાબદારી યોગ્ય રીતે નહોતા નિભાવી રહ્યા જેના કારણે ટીમની હાલત ખરાબ થઈ રહી હતી. તેમણે એમ પણ કહ્યું કે, નિરાશા માત્ર એ નહોતી કે અમે ફાઈનલ સુધી નહોતા પહોંચી શકતા પરંતુ એ વાતની નિરાશા હતી કે અમે સારી રમત પણ નહોતા રમતા. જે લોકોને ટીમે જવાબદારી સોપી હતી તે લોકો તેનું બેસ્ટ પરફોર્મ નહોતા આપી રહ્યા.
