IND vs AFG ODI: કોહલી બાદ હવે રોહિત શર્માને થઈ ઈજા, ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધ્યું; વનડે સિરીઝમાંથી બહાર થશે!

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની 3 મેચની ODI સિરીઝ 13 જૂનથી શરૂ થશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 04 Jun 2026 04:19 PM (IST)Updated: Thu, 04 Jun 2026 04:24 PM (IST)
rohit-sharma-hamstring-injury-before-india-vs-afghanistan-odi-series-2026
HIGHLIGHTS
  • વનડે સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાની ચિંતા વધી
  • રોહિત શર્માને પણ હેમસ્ટ્રિંગની ઇજા સામે આવી

Rohit Sharma Fitness, IND vs AFG ODI Series 2026: અફઘાનિસ્તાન સામેની આગામી વનડે સિરીઝ પહેલા ભારતીય ટીમની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી બાદ હવે પૂર્વ કેપ્ટન રોહિત શર્માની ફિટનેસ પણ ચિંતાનો વિષય બની ગઈ છે.

રોહિત શર્મા પણ હેમસ્ટ્રિંગની ઈજા

રોહિત શર્માને IPL 2026 દરમિયાન હેમસ્ટ્રિંગની ઈજા થઈ હતી, જેના કારણે તે કેટલીક મેચો પણ રમી શક્યા નહોતા. અફઘાનિસ્તાન સામેની સિરીઝ માટે રોહિત શર્માને ટીમમાં સામેલ તો કરવામાં આવ્યા છે, પરંતુ સિરીઝનું રમવું તેમની ફિટનેસ પર નિર્ભર રહેશે. રોહિતની ફિટનેસ પર અંતિમ નિર્ણય ટીમ મેનેજમેન્ટ અને મેડિકલ સ્ટાફના રિપોર્ટના આધારે લેવામાં આવશે. 

BCCI ના સૂત્રોના જણાવ્યા અનુસાર, રોહિત શર્મા અફઘાનિસ્તાન વનડે સિરીઝ મિસ કરી શકે છે. જો વિરાટ કોહલીની જેમ રોહિત પણ સિરીઝમાંથી બહાર થશે, તો ભારતીય ટીમ માટે આ 'ડબલ ઝટકો' સાબિત થશે.

વિરાટ કોહલી વનડે સિરીઝમાંથી બહાર

ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલી પહેલાથી જ હેમસ્ટ્રિંગ ઈન્જરીના કારણે અફઘાનિસ્તાન સામેની ત્રણ મેચની વનડે સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. IPL 2026 ની ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સ (GT) સામે રન લેતી વખતે વિરાટ કોહલીને આ ઈજા પહોંચી હતી. જોકે, તેણે શાનદાર લડત આપીને અણનમ 75 રનની ઇનિંગ રમી, જેના પરિણામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)  સળંગ બીજી વખત IPL ચેમ્પિયન બન્યું છે.

રોહિત શર્માનું તાજેતરનું ફોર્મ અને રેકોર્ડ્સ

39 વર્ષીય રોહિત શર્મા હાલમાં માત્ર વનડે ફોર્મેટમાં જ રમે છે. T20 વર્લ્ડ કપ 2024 નો ખિતાબ જીત્યા બાદ તેણે T20 ફોર્મેટમાંથી અને ગયા વર્ષે ટેસ્ટ ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ લઈ લીધી હતી. છેલ્લે માર્ચ 2025 માં તેણે પોતાની કેપ્ટનશિપમાં ભારતને ICC ચેમ્પિયન્સ ટ્રોફી જીતાડી હતી, જેમાં ન્યૂઝીલેન્ડ સામેની ફાઇનલમાં તેણે 76 રનની મેચ-વિનિંગ ઇનિંગ રમી હતી.

જોકે, આ વર્ષે ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી તેની છેલ્લી વનડે સિરીઝની 3 મેચમાં તે માત્ર 61 રન જ બનાવી શક્યો હતો. તાજેતરમાં પૂર્ણ થયેલી IPL 2026 ની 19મી સિઝનમાં રોહિત શર્માએ 9 મેચમાં 157 ના સ્ટ્રાઈક રેટ અને 35 ની સરેરાશથી કુલ 283 રન બનાવ્યા હતા, જેમાં બે અડધી સદી અને 84 રનનો સર્વોચ્ચ સ્કોર સામેલ હતો.

અફઘાનિસ્તાન સામે ODI શ્રેણી 13 જૂનથી

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની 3 મેચની ODI શ્રેણી 13 જૂન 2026 થી શરૂ થવાની છે. તે પહેલાં બંને ટીમો વચ્ચે 6 જૂનથી 10 જૂન સુધી એકમાત્ર ટેસ્ટ મેચ રમાશે. વિરાટ કોહલીની ઈજાના કારણે હવે પસંદગીકારો માટે તેમની જગ્યાએ યોગ્ય વિકલ્પ શોધવાનો પડકાર રહેશે.

IND vs AFG ODI - સંપૂર્ણ સમયપત્રક

  • પ્રથમ ODI - 13 જૂન 2026 - ધર્મશાલા
  • બીજી ODI - 17 જૂન 2026 - લખનૌ
  • ત્રીજી ODI - 20 જૂન 2026 - ચેન્નાઈ

ODI સીરિઝ માટે ભારતીય ટીમ

શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, શ્રેયસ ઐયર (વાઈસ કેપ્ટન), કેએલ રાહુલ, ઇશાન કિશન, હાર્દિક પંડ્યા, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા, પ્રિન્સ યાદવ, ગુર્નૂર બ્રાર, હર્ષ દુબે.