IND vs AFG ODI Series 2026: અફઘાનિસ્તાન સામે યોજાનારી 3 મેચની ODI શ્રેણી પહેલાં ભારતીય ક્રિકેટ ટીમને મોટો ફટકો પડ્યો છે. ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી હેમસ્ટ્રિંગ ઈજાને કારણે સમગ્ર ODI શ્રેણીમાંથી બહાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. કોહલીની ગેરહાજરી ભારતીય ટીમ માટે મહત્વપૂર્ણ પડકાર બની શકે છે.
IPL 2026ની ફાઇનલ દરમિયાન થઈ ઈજા
વિરાટ કોહલી છેલ્લે IPL 2026ની ફાઇનલમાં રમતા જોવા મળ્યો હતો. RCB અને GT વચ્ચે રમાયેલી આ ટાઇટલ મેચમાં કોહલીએ શાનદાર અણનમ 75 રનની ઇનિંગ રમી હતી અને ટીમને સતત બીજી વખત ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
અહેવાલો મુજબ, ફાઇનલ દરમિયાન જ કોહલીને હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ હતી. ત્યારબાદ કરવામાં આવેલી તબીબી તપાસમાં તેને આરામની સલાહ આપવામાં આવી છે, જેના કારણે તે અફઘાનિસ્તાન સામેની ODI શ્રેણીનો ભાગ બની શકશે નહીં.
IPL 2026માં રહ્યું શાનદાર પ્રદર્શન
IPL 2026 દરમિયાન વિરાટ કોહલીનું બેટ જોરદાર રીતે બોલ્યું હતું. તેમણે 16 મેચમાં કુલ 675 રન નોંધાવ્યા હતા, જેમાં 1 સદીનો પણ સમાવેશ થાય છે. સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન કોહલીએ સતત મેચવિનિંગ ઇનિંગ્સ રમીને RCBના સફળ અભિયાનમાં મહત્વનું યોગદાન આપ્યું હતું.
અફઘાનિસ્તાન સામે ODI શ્રેણી 13 જૂનથી
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની 3 મેચની ODI શ્રેણી 13 જૂન 2026થી શરૂ થવાની છે. તે પહેલાં બંને ટીમો વચ્ચે 6 જૂનથી 10 જૂન સુધી એકમાત્ર ટેસ્ટ મેચ રમાશે. વિરાટ કોહલીની ઈજાના કારણે હવે પસંદગીકારો માટે તેમની જગ્યાએ યોગ્ય વિકલ્પ શોધવાનો પડકાર રહેશે.
ભારત-અફઘાનિસ્તાન ODI શ્રેણીનું સંપૂર્ણ સમયપત્રક
- પ્રથમ ODI - 13 જૂન 2026 - ધર્મશાલા
- બીજી ODI - 17 જૂન 2026 - લખનૌ
- ત્રીજી ODI - 20 જૂન 2026 - ચેન્નાઈ
ODI શ્રેણી માટે ભારતીય ટીમ
શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર (વાઈસ કેપ્ટન), કેએલ રાહુલ, ઇશાન કિશન, હાર્દિક પંડ્યા, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા, પ્રિન્સ યાદવ, ગુર્નૂર બ્રાર, હર્ષ દુબે.
