IPL ફાઇનલમાં RCBનો મહારેકોર્ડ, મુંબઈ ઇન્ડિયન્સનો વર્ષો જૂનો રેકોર્ડ તોડીને રચ્યો નવો ઇતિહાસ

IPL 2026ની ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે બોલિંગમાં 13 વર્ષ જૂનો રેકોર્ડ તોડીને નવો ઇતિહાસ રચી દીધો છે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Sun, 31 May 2026 11:28 PM (IST)Updated: Sun, 31 May 2026 11:28 PM (IST)
rcbs-great-record-in-the-ipl-final-creating-new-history-by-breaking-mumbai-indians-old-record

IPL 2026 Final: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026નો ફાઇનલ મુકાબલો ક્રિકેટ ઇતિહાસના પાના પર સુવર્ણ અક્ષરે અંકિત થઇ ગયો છે. ગુજરાત ટાઇટન્સ (GT) વિરૂદ્ધ રમાયેલી આ મહા-મુકાબલાની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ના બોલરોએ મેદાન પર એવો કહેર વર્તાવ્યો કે 13 વર્ષ જૂના ઐતિહાસિક રેકોર્ડના લીરેલીરા ઉડી ગયા છે. બેંગલુરુની ટીમે સંયુક્ત રીતે તેમજ તેમના દિગ્ગજ સ્વિંગ માસ્ટર ભુવનેશ્વર કુમારે વ્યક્તિગત રીતે બોલિંગમાં નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે.

પાવરપ્લેમાં RCB નો 'પાવર', તોડ્યો મુંબઈ ઇન્ડિયન્સનો રેકોર્ડ

આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ટૂર્નામેન્ટના ઇતિહાસમાં કોઇ એક સીઝનની પાવરપ્લે ઓવરોમાં સૌથી વધુ વિકેટ લેવાનો સર્વકાલીન રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. RCB એ આ વર્તમાન સીઝનમાં પાવરપ્લે દરમિયાન કુલ 35 વિકેટ ઝડપી છે. આ સાથે જ તેમણે મુંબઈ ઇન્ડિયન્સના 13 વર્ષ જૂના રેકોર્ડને ધ્વસ્ત કરી દીધો છે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2013માં મુંબઈ ઇન્ડિયન્સે પાવરપ્લેમાં 33 વિકેટ લીધી હતી, જ્યારે ખુદ RCB એ પણ 2023માં 33 વિકેટ મેળવી હતી. હવે 35 વિકેટ સાથે RCB આ યાદીમાં ટોચ પર પહોંચી ગયું છે.

સ્વિંગના સુલતાન ભુવનેશ્વર કુમારનો નવો કીર્તિમાન

RCBની આ ઐતિહાસિક સફળતાની પાછળ અનુભવી ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારનો સિંહફાળો રહ્યો છે. આખી સીઝન દરમિયાન પાવરપ્લેમાં ધારદાર બોલિંગ કરનાર ભુવીએ ફાઇનલ મેચમાં પણ પોતાનો જાદુ જાળવી રાખ્યો હતો. તેમણે ગુજરાત ટાઇટન્સના ઇન-ફોર્મ ઓપનર સાઇ સુદર્શનને સસ્તામાં પેવેલિયન ભેગો કરીને ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ ફાસ્ટ બોલર મિશેલ જોન્સનનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

ભુવનેશ્વર કુમારે આ સીઝનમાં પાવરપ્લેમાં એકલા હાથે 17 વિકેટ ઝડપી છે. આ પહેલા મિશેલ જોન્સને વર્ષ 2013માં મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમતા પાવરપ્લેમાં 16 વિકેટ ઝડપી હતી. આ શાનદાર પ્રદર્શન સાથે ભુવીએ મોહમ્મદ શમીના રેકોર્ડની પણ બરાબરી કરી લીધી છે, જેણે વર્ષ 2023માં પાવરપ્લેમાં 17 વિકેટ પોતાના નામે કરી હતી.

IPLની એક સીઝનમાં પાવરપ્લેમાં સૌથી વધુ વિકેટ લેનારા ટોચના બોલર્સ:

  • કગિસો રબાડા: 19 વિકેટ
  • મોહમ્મદ શમી: 17 વિકેટ
  • ભુવનેશ્વર કુમાર: 17 વિકેટ (IPL 2026)
  • મિશેલ જોન્સન: 16 વિકેટ