Yashasvi Jaiswal on Rajasthan defeat: જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં શનિવારે રમાયેલી મેચમાં ગુજરાત ટાઇટન્સે (GT) રાજસ્થાન રોયલ્સ (RR) ને 77 રનથી કારમી હાર આપી છે. આ મોટી હાર બાદ રાજસ્થાનના સ્ટેન્ડ-ઈન કેપ્ટન યશસ્વી જયસ્વાલે પોતાની ટીમનો અને ખાસ કરીને નિરાશાજનક પ્રદર્શન કરનાર ખેલાડીઓનો બચાવ કર્યો છે.
ગુજરાતના વિશાળ સ્કોર સામે રાજસ્થાનનો ધબડકો
આ મેચમાં ગુજરાત ટાઇટન્સે સાઈ સુદર્શન અને શુભમન ગીલની ઓપનિંગ જોડીની શાનદાર બેટિંગની મદદથી 4 વિકેટના નુકસાને 224 રનનો વિશાળ સ્કોર ઊભો કર્યો હતો. આ મોટા લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સની શરૂઆત તોફાની રહી હતી. યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ 16 બોલમાં 36 રન અને ધ્રુવ જુરેલે 10 બોલમાં 24 રન ફટકારીને પાવર પ્લેમાં ટીમને 3 વિકેટે 78 રન સુધી પહોંચાડી દીધી હતી.
પરંતુ ત્યારબાદ ગુજરાતના સ્ટાર સ્પિનર રાશિદ ખાને 4 વિકેટ ઝડપીને રાજસ્થાનના બેટિંગ યુનિટની કમર તોડી નાખી હતી. જેના કારણે રાજસ્થાન રોયલ્સની આખી ટીમ 16.3 ઓવરમાં માત્ર 152 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. મેચમાં રનોની દ્રષ્ટિએ ગુજરાત ટાઇટન્સની IPL ના ઇતિહાસમાં આ સૌથી મોટી જીત છે.
ગુજરાતના બેટ્સમેનોની તાકાત સ્વીકારી
આ મેચ બાદ સ્ટેન્ડ-ઈન કેપ્ટન યશસ્વી જયસ્વાલે નિખાલસતાથી સ્વીકાર્યું હતું કે, ગુજરાતના બેટ્સમેનોને રોકવા ખૂબ જ મુશ્કેલ હતા. તેણે કહ્યું કે, "અમે યોગ્ય એરિયામાં બોલિંગ કરવાનો સતત પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ તેઓ ખૂબ જ સારી બેટિંગ કરી રહ્યા હતા. અમારું પૂરું ધ્યાન માત્ર બાઉન્ડ્રી રોકવા પર જ હતું."
જયસ્વાલે જોફ્રા આર્ચરનો કર્યો બચાવ
રાજસ્થાનની બોલિંગ દરમિયાન ઇનિંગની પહેલી જ ઓવરમાં 18 રન આપનાર ઝડપી બોલર જોફ્રા આર્ચરનો જયસ્વાલે બચાવ કર્યો હતો. આર્ચરના પ્રદર્શન અંગે વાત કરતા કહ્યું કે, "આ ક્રિકેટનો એક ભાગ છે. કેટલાક દિવસો એવા હોય છે જ્યારે તમે તમારી યોજના મુજબ બોલિંગ કરી શકતા નથી. આર્ચરે ટીમ માટે સતત સારું પ્રદર્શન કર્યું છે અને તેને પૂરો ભરોસો છે કે તે આગામી સમયમાં જોરદાર વાપસી કરશે."
આ પણ વાંચો: RR vs GT: રાજસ્થાનને હરાવ્યા બાદ કેપ્ટન શુભમન ગીલે આપી ચેતવણી, કહ્યું- 'અમારો પ્લાન સફળ રહ્યો'
આ ઉપરાંત, નાન્દ્રે બર્ગરને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રાખવાના સવાલ પર જયસ્વાલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, તેણે આ વિશે વધારે વિચાર્યું ન હતું અને તેનું પૂરું ધ્યાન ફક્ત એ વાત પર જ હતું કે પાવર પ્લેમાં કયો બોલર વધુ સારી ઓવર ફેંકી શકે છે. અંતે તેણે જણાવ્યું હતું કે હવે ટીમ એ વાત પર ધ્યાન આપશે કે કયા ક્ષેત્રોમાં સુધારો કરી શકાય છે અને આ મેચમાંથી યોગ્ય બોધપાઠ લઈને આગળ વધશે.
