ICC Women World Cup 2025: ભારત અને શ્રીલંકાના સંયુક્ત યજમાનપદે યોજાનાર ICC મહિલા વનડે વર્લ્ડ કપની શરૂઆત 30 સપ્ટેમ્બરથી થઈ રહી છે. જોકે, ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલા જ પાકિસ્તાને એક મોટો નિર્ણય લીધો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પાકિસ્તાને વર્લ્ડ કપની ઓપનિંગ સેરેમનીમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો છે.
ઓપનિંગ સેરેમની અને ફોટોશૂટનો બહિષ્કાર
પાકિસ્તાનના ન્યૂઝ ચેનલ જિયોના અહેવાલ મુજબ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (PCB) નિર્ણય કર્યો છે કે મહિલા ટીમ વર્લ્ડ કપની ઓપનિંગ સેરેમનીમાં ભાગ લેશે નહીં. આ ઓપનિંગ સેરેમની ગુવાહાટીમાં યોજાવાની છે, જ્યાં શ્રેયા ઘોષાલ પર્ફોર્મન્સ આપશે. આ ઉપરાંત, પાકિસ્તાની ટીમ માત્ર ઓપનિંગ સેરેમનીમાંથી જ ગેરહાજર નહીં રહે, પરંતુ પાકિસ્તાનની કેપ્ટન ફાતિમા સના પણ કેપ્ટનના ફોટોશૂટ માટે ભારતમાં આવશે નહીં. આ ફોટોશૂટમાં વિશ્વ કપમાં ભાગ લેનારી તમામ ટીમોના કેપ્ટન પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે હાજર રહે છે.
ભારત-પાકિસ્તાન સંબંધોમાં તણાવ કારણ
આ નિર્ણય પાછળ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં ચાલી રહેલો તણાવ મુખ્ય કારણ છે. પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં ઘણો તણાવ જોવા મળી રહ્યો છે. આ જ કારણોસર એશિયા કપમાં ભારત-પાકિસ્તાન મેચનો પણ વિરોધ થઈ રહ્યો છે અને મહિલા વર્લ્ડ કપમાં પણ બંને ટીમો વચ્ચેની મેચનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.
બંને દેશો વચ્ચેની ફોર્મ્યુલા
લાંબા સમયથી ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય ક્રિકેટ શ્રેણીઓ રમાઈ નથી. બંને ટીમો માત્ર ICC ઇવેન્ટ્સ અને એશિયા કપમાં જ એકબીજા સામે ટકરાય છે. તાજેતરમાં બંને દેશો વચ્ચે એક ફોર્મ્યુલા નક્કી કરવામાં આવ્યો છે જેના હેઠળ કોઈપણ ટુર્નામેન્ટ કે મેચ માટે ભારતીય ટીમ પાકિસ્તાન નહીં જાય અને તેવી જ રીતે પાકિસ્તાનની ટીમ પણ ભારત આવશે નહીં. બંને દેશો આ ફોર્મ્યુલા જાળવી રાખવા માંગે છે.
જોકે ગયા વર્ષે રમાયેલા વનડે વર્લ્ડ કપ માટે પાકિસ્તાનની ટીમ ભારત આવી હતી. આ નિર્ણયના ભાગરૂપે પાકિસ્તાનની ટીમ તેની તમામ મેચો શ્રીલંકામાં રમશે. જો આ ટીમ સેમિફાઇનલમાં પહોંચે છે, તો તે મેચ પણ શ્રીલંકામાં જ રમાશે, અને જો ફાઇનલમાં પહોંચે તો તે મેચ પણ શ્રીલંકામાં જ યોજાશે.