પેટ કમિન્સે કોહલી કે રોહિત નહીં પણ આ ગુજરાતીને ગણાવ્યો સૌથી મુશ્કેલ બેટ્સમેન: કહ્યું- 'તેમને આઉટ કરવો મુશ્કેલ હતો

વિરાટ કોહલીની કેપ્ટનશીપ હેઠળ ભારતે સૌપ્રથમ વખત વર્ષ 2018-19 માં ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતી હતી, જેમાં પૂજારાની શાનદાર બેટિંગે ઓસ્ટ્રેલિયન બોલરોને બરાબરના પરેશાન કર્યા હતા

By: Hariom SharmaEdited By:Hariom SharmaPublish Date: Sat, 19 Sep 2026 04:25 PM (IST)Updated: Sat, 19 Sep 2026 04:25 PM (IST)
not-virat-kohli-or-rohit-sharma-pat-cummins-names-toughest-gujarati-player-he-has-competed-against

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના સુકાની અને ફાસ્ટ બોલર પેટ કમિન્સે ભારત સામે ટેસ્ટ ક્રિકેટમાં પોતાના અનુભવો શેર કરતી વખતે એક મોટો ખુલાસો કર્યો છે. જ્યારે કમિન્સને પૂછવામાં આવ્યું કે તેમણે સામનો કરેલા દરેક દેશના સૌથી મુશ્કેલ બેટ્સમેન કોણ છે, ત્યારે ભારતનું નામ આવતાં જ તેમણે વિરાટ કોહલી કે રોહિત શર્માનું નામ લેવાના બદલે પૂર્વ ભારતીય બેટ્સમેન ચેતેશ્વર પૂજારાનું નામ લીધું હતું.

હજારો પેપર કટથી મોત થતું હોય તેવો અનુભવ થતો હતો

પ્રાઇમ વિડિયો સ્પોર્ટ દ્વારા શેર કરવામાં આવેલા એક વિડિયોમાં પેટ કમિન્સે પૂજારાની બેટિંગ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, "ભારતમાંથી હું પૂજારાનું નામ લઈશ. તેમને આઉટ કરવા ખરેખર ખૂબ જ મુશ્કેલ હતા. તે એક એવો અનુભવ હતો જાણે હજારો પેપર કટથી તમારું મોત થઈ રહ્યું હોય! જો તેઓ ચાહે તો 100 ખાલી બોલ પણ રમી શકતા હતા અને બોલરને આઉટ કરવાનો કોઈ મોકો આપતા નહોતા."

ઓસ્ટ્રેલિયામાં ભારતીય ટીમના હિરો રહ્યા પૂજારા

ઉલ્લેખનીય છે કે ભારતે ઓસ્ટ્રેલિયાની ધરતી પર સતત 2 ટેસ્ટ શ્રેણી જીતીને ઈતિહાસ રચ્યો છે અને આ બંને શ્રેણીની વિજયગાથામાં ચેતેશ્વર પૂજારાએ અત્યંત મહત્વની ભૂમિકા ભજવી હતી.

વિરાટ કોહલીની કેપ્ટનશીપ હેઠળ ભારતે સૌપ્રથમ વખત વર્ષ 2018-19 માં ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતી હતી, જેમાં પૂજારાની શાનદાર બેટિંગે ઓસ્ટ્રેલિયન બોલરોને બરાબરના પરેશાન કર્યા હતા. ત્યારબાદ વર્ષ 2020-21 ની ઐતિહાસિક ટેસ્ટ શ્રેણીમાં પણ ભારતે ઓસ્ટ્રેલિયામાં વિજયી પતાકા લહેરાવી હતી અને આ શ્રેણીમાં પૂજારા ભારતીય ટીમ માટે ઢાલ બનીને ઉભા રહ્યા હતા. તેમણે પોતાના શરીર પર અનેક બોલ સહન કર્યા પરંતુ ટીમને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢીને જીત અપાવી હતી.

ત્રણેય દિગ્ગજો ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્ત

અત્રે નોંધનીય છે કે વિરાટ કોહલી, રોહિત શર્મા અને ચેતેશ્વર પૂજારા ત્રણેય હવે ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી ચૂક્યા છે. પૂજારા ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે, જ્યારે વિરાટ અને રોહિત હવે માત્ર વનડે (ODI) મેચ રમે છે.