Mohammed Shami Comeback: ભારતીય ટીમના અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ભારતીય ટીમમાં પુનરાગમન અંગે મોટું નિવેદન આપતા જણાવ્યું કે, માણસે હંમેશા આશા રાખવી જોઈએ અને આગળ વધવા માટે એક લક્ષ્ય હોવું જરૂરી છે. મોહમ્મદ શમી ગયા વર્ષથી જ ભારતીય ટીમમાંથી બહાર છે અને પસંદગીકારો તેને સતત નજરઅંદાજ કરી રહ્યા છે.
મોહમ્મદ શમીએ ભારત માટે છેલ્લે વર્ષ 2025 ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમત દર્શાવી હતી, જે પછી તે ટીમમાં સ્થાન બનાવવામાં નિષ્ફળ રહ્યો છે. જોકે, સતત નજર અંદાજ થવા છતાં મોહમ્મદ શમીએ હજુ સુધી ભારતીય ટીમમાં વાપસીની આશા છોડી નથી અને હાલમાં તે વર્ષ 2026 ની રણજી ટ્રોફીમાં બંગાળની ટીમ તરફથી રમી રહ્યો છે.
આ પણ વાંચો
બંગાળની સર્વિસીસ સામે જીત બાદ આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં મોહમ્મદ શમીએ ટીમ ઈન્ડિયામાં વાપસી અંગે ખુલીને વાત કરતા કહ્યું કે, "હું શા માટે આશા છોડું? આશા હંમેશા હોવી જોઈએ. કોઈપણ ક્ષેત્ર કે રમતમાં તમારી પાસે એક લક્ષ્ય હોવું જોઈએ. આ સમયે અમારું લક્ષ્ય પોતાના રાજ્ય માટે રણજી ટ્રોફી રમવાનું અને જીતવાનું છે. લક્ષ્ય હંમેશા હોય છે અને તેની તરફ આગળ વધવું જોઈએ."
ન્યૂ દિલ્હીના પાલમ એરફોર્સ ગ્રાઉન્ડ 'એ' ખાતે રમાયેલી બીજી મેચમાં મોહમ્મદ શમી સ્નાયુમાં સામાન્ય ખેંચાણને કારણે રમી શક્યો નહોતો. જોકે તેણે સ્પષ્ટ કર્યું કે, તે હવે સંપૂર્ણપણે સાજો છે અને ટૂંક સમયમાં મેદાન પર વાપસી કરશે. બંગાળની ટીમે સર્વિસીસ સામેની આ મેચ ત્રણ જ દિવસમાં 60 રનથી જીતી લીધી, જેમાં બંગાળના સ્પિનરોએ 19 વિકેટો ઝડપી હતી.
મોહમ્મદ શમીએ વધુમાં ઉમેર્યું હતું કે, તેણે પીચની સ્થિતિને ધ્યાનમાં રાખીને પણ ન રમવાનો નિર્ણય લીધો હતો. કારણ કે, તે પીચ સંપૂર્ણપણે સ્પિનરો માટે અનુકૂળ હતી. આ તમામ પરિસ્થિતિ વચ્ચે મોહમ્મદ શમીનું પ્રાથમિક ધ્યાન હાલમાં રણજી ટ્રોફીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને બંગાળને ચેમ્પિયન બનાવવા પર કેન્દ્રિત થયેલું છે.
