Lalit Modi BCCI Case: IPLના પૂર્વ ચેરમેન લલિત મોદી અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ને ટ્રિબ્યુનલ કોર્ટે 16 વર્ષ જૂના એક હાઈપ્રોફાઈલ મામલામાં અતિ મહત્વની રાહત આપી છે. આ કેસ વર્ષ 2009 સાથે જોડાયેલો છે, જ્યારે ભારતની લોકસભા ચૂંટણીના કારણે આઈપીએલની બીજી સીઝન ભારતને બદલે દક્ષિણ આફ્રિકામાં યોજવામાં આવી હતી. તે સમયે વિદેશી હૂંડિયામણ કાયદા (FEMA)ના કથિત ઉલ્લંઘનને લઈને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ચલાવવામાં આવતી તપાસ સામે ટ્રિબ્યુનલે મોટો નિર્ણય સંભળાવ્યો છે.
શું હતો સમગ્ર વિવાદ?
વર્ષ 2009માં ભારતમાં આયોજિત સામાન્ય ચૂંટણીઓને કારણે સુરક્ષા કારણોસર આખી આઈપીએલ ટૂર્નામેન્ટ દક્ષિણ આફ્રિકા શિફ્ટ કરવામાં આવી હતી. આ આયોજન દરમિયાન નાણાંની લેવડ-દેવડ અને વિદેશમાં પૈસા ટ્રાન્સફર કરવા બાબતે નિયમોનું ઉલ્લંઘન થયું હોવાનો આરોપ મૂકીને ઈડી (ED) દ્વારા લલિત મોદી, તત્કાલીન બીસીસીઆઈ અધિકારી એન. શ્રીનિવાસન અને બોર્ડ સામે કરોડો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ઈડીનો દાવો હતો કે વિદેશમાં નાણાં મોકલતી વખતે ફેમા નિયમોનું યોગ્ય પાલન કરવામાં આવ્યું નહોતું.
ટ્રિબ્યુનલ કોર્ટનો મહત્વનો ચુકાદો
SAFEMA હેઠળ રચાયેલી ખાસ અપીલેટ ટ્રિબ્યુનલની બેન્ચે આ કેસની સુનાવણી કરતા ઈડી દ્વારા લગાવવામાં આવેલા મોટાભાગના આરોપો અને દંડને રદ કરી દીધા છે. ટ્રિબ્યુનલે સ્પષ્ટ કર્યું કે, દક્ષિણ આફ્રિકામાં આઈપીએલ આયોજન માટે કરવામાં આવેલા મોટાભાગના નાણાકીય વ્યવહારો સામાન્ય પ્રક્રિયા હેઠળના હતા અને તેને ફેમાનું ઉલ્લંઘન ગણી શકાય નહીં. આ ઉપરાંત સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) અને તેના અધિકારીઓને પણ તમામ આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.
લલિત મોદીને કયા મુદ્દાઓ પર મળી રાહત?
લલિત મોદી પર વિદેશ મોકલેલા નાણાં મોડા પાછા લાવવાનો ગંભીર આરોપ હતો, જેને ટ્રિબ્યુનલે ફગાવી દીધો છે. કોર્ટે નોંધ્યું કે જ્યારે નાણાં ભારતમાં પરત લાવવામાં આવ્યા, તે સમયે લલિત મોદી ઓલરેડી બીસીસીઆઈમાંથી સસ્પેન્ડ થઈ ચૂક્યા હતા, તેથી તેની જવાબદારી તેમની બનતી નહોતી. વધુમાં, રેવેન્યુ પાછું ન લાવવાના આરોપ પર કોર્ટે કહ્યું કે ઈડીએ બીસીસીઆઈ અને ક્રિકેટ સાઉથ આફ્રિકા વચ્ચે થયેલા કરારની શરતોને સમજવામાં ભૂલ કરી હતી.
BCCI પર બે મર્યાદિત મુદ્દાઓ પર દંડ યથાવત
ટ્રિબ્યુનલે લલિત મોદી અને બીસીસીઆઈને મોટાભાગના આરોપોમાંથી મુક્ત કર્યા હોવા છતાં, બે ટેકનિકલ મુદ્દાઓ પર ઈડીના દંડને આંશિક રીતે યથાવત રાખ્યો છે.
વધુ રકમ મોકલવા બાબતે: બીસીસીઆઈ દ્વારા પોતાના ચોપડામાં દર્શાવેલ રકમ કરતાં વધુ નાણાં વિદેશ મોકલવા બદલ ₹4 કરોડનો દંડ યથાવત રખાયો છે.
પૈસા પરત લાવવામાં વિલંબ: ટિકિટ વેચાણ અને અન્ય આવકના પૈસા ભારત પરત લાવવામાં થયેલા વિલંબ બદલ મૂળ ₹4 કરોડના દંડને ઘટાડીને ₹1 કરોડ કરી દેવાયો છે, કારણ કે અંતે તમામ રકમ ભારતમાં પરત આવી ગઈ હતી.
