IND vs AFG Test, KL Rahul Record: ક્રિકેટ જગતમાં સામાન્ય રીતે 'હંડ્રેડ એન્ડ આઉટ' વાક્ય ઘણું પ્રખ્યાત છે. આ શબ્દનો મતલબ એવો થાય છે કે બેટ્સમેન સદી પૂરી કરીને તરત જ પોતાની વિકેટ ગુમાવી બેસે. પરંતુ હવે આ પ્રચલિત વાક્ય વૈશ્વિક સ્તરે ભારતીય સ્ટાર બેટર કે.એલ. રાહુલ સાથે જોડાઈ ગયું છે.
અફઘાનિસ્તાન સામે રમાઈ રહેલી એકમાત્ર ટેસ્ટ મેચના પહેલા જ દિવસે કે.એલ. રાહુલે એક અનોખો વિશ્વ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. વધુમાં, આ રેકોર્ડ એવો છે જે ટેસ્ટ ક્રિકેટના 149 વર્ષથી વધુના ઇતિહાસમાં કોઈ પણ બેટ્સમેન ક્યારેય બનાવી શક્યો નથી. વાંચો સમગ્ર વિગત અહેવાલમાં...
માત્ર 1 બોલ પૂરતી જ ટકી સદીની ખુશી
ન્યૂ ચંડીગઢની પીચ પર રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં ભારતની ઇનિંગ્સ દરમિયાન કે.એલ. રાહુલે અફઘાન બોલર ઝિયાઉર રહેમાન શરીફીની ઓવરમાં શાનદાર ફ્લિક શોટ ફટકારીને બે રન લીધા અને પોતાની ટેસ્ટ કારકિર્દીની 12મી સદી પૂરી કરી. આ સદી પૂરી થતાં જ રાહુલે હેલ્મેટ ઉતારીને હવામાં હાથ ઊંચા કરીને પોતાની ખુશી વ્યક્ત કરી, પરંતુ આ ખુશી માત્ર એક બોલ પૂરતી જ સીમિત રહી.
સદી પૂરી કર્યા પછીના જ બોલ પર ઝિયાઉર રહેમાને ઓફ-સ્ટમ્પની બહાર બોલ ફેંક્યો, જેના પર રાહુલે શાનદાર કવર ડ્રાઇવ ફટકાર્યો. આ શોટ એકદમ બાઉન્ડ્રી જેવો લાગતો હતો, જોકે, શોર્ટ કવર પર ફિલ્ડિંગ કરી રહેલા અફઘાનિસ્તાનના ખેલાડી રહેમાનુલ્લાહ ગુરબાઝે જમણી બાજુ અદભુત ડાઇવ લગાવીને કેચ પકડી લીધો હતો. આ શાનદાર કેચની સાથે જ રાહુલની 165 બોલમાં બરાબર 100 રનની ઇનિંગનો આશ્ચર્યજનક અંત આવ્યો હતો.
સચિન-ગાંગુલીને પણ પાછળ છોડ્યા
આ અનોખી ઇનિંગ રમીને કે.એલ. રાહુલે ભારત અને વિશ્વ ક્રિકેટમાં ઘણા મોટા રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે. ટેસ્ટ ક્રિકેટમાં ત્રણ વખત બરાબર 100 રન પર આઉટ થનાર તે પ્રથમ ભારતીય બેટર બની ગયો છે. અગાઉ આ ખાસ રેકોર્ડ સંયુક્ત રીતે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર અને પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીના નામે હતો, જેઓ તેમના કરિયરમાં બે વાર બરાબર 100 રને આઉટ થયા હતા.
આ પણ વાંચો: IND vs AFG Test: માત્ર 31 રનથી ચૂક્યો શુભમન ગિલ, નહીં તો વિરાટ-સચિનનો મહારેકોર્ડ તૂટી જતો
કે. એલ. રાહુલે બનાવી અનોખી હેટ્રિક
જો આપણે વિશ્વ ક્રિકેટની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાના સ્ટીવ વો અને ગ્રીમ વુડ 3-3 વાર તેમજ ઇંગ્લેન્ડના સર લિયોનાર્ડ હટન 4 વાર બરાબર 100 રને આઉટ થવાનો રેકોર્ડ ધરાવે છે. જોકે, આ તમામ દિગ્ગજો પોતાના કરિયરમાં અલગ-અલગ સમયે 100 રને આઉટ થયા હતા.
જ્યારે કે.એલ. રાહુલે ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં સતત ત્રણ ઇનિંગ્સમાં બરાબર 100 રન બનાવીને આઉટ થવાની અનોખી 'હેટ્રિક' નોંધી છે. રાહુલની આ અવિશ્વસનીય સાતત્યતાએ તેને ક્રિકેટના ઇતિહાસના પાનાઓ પર અમર કરી દીધો છે.
