T20 World Cup 2026: ભારતીય ટીમમાં વિકેટકીપર અને ફિનિશર તરીકે જોવામાં આવી રહેલા જિતેશ શર્માને T20 વર્લ્ડ કપ 2026 માટેની ટીમમાં સ્થાન મળ્યું નથી. ગત કેટલીક સિરીઝમાં તે ટીમનો સતત હિસ્સો હતો અને તેને તકો પણ મળી રહી હતી, પરંતુ પસંદગીકારો અને મેનેજમેન્ટે વર્લ્ડ કપ માટે એક અલગ કોમ્બિનેશન પસંદ કર્યું અને જિતેશ શર્માને બહાર કરી દીધો. આ અંગે જિતેશ શર્માએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે વર્લ્ડ કપ ટીમમાં સ્થાન ન મળવાથી તે ખૂબ જ દુઃખી હતો.
હું સુન્ન થઈ ગયો હતો
જિતેશ શર્માએ પોતાની લાગણી વ્યક્ત કરતા કહ્યું કે આ નિર્ણય તેમના માટે હ્રદયદ્રાવક હતો કારણ કે તેમણે ICC T20 વર્લ્ડ કપમાં રમવા માટે ખૂબ મહેનત કરી હતી. તેમણે કહ્યું કે તે સમયે હું સુન્ન થઈ ગયો હતો અને કંઈપણ સમજી શકતો ન હતો. તેમણે વધુમાં જણાવ્યું કે તેમના પરિવાર સાથે સમય વિતાવવા અને દિનેશ કાર્તિક સાથે વાત કરવાથી તેમને આ આઘાતમાંથી બહાર આવવા અને આગળ વધવામાં મદદ મળી.
ક્રિકેટર જિતેશ શર્માએ દાવો કર્યો હતો કે ટીમની જાહેરાત થઈ ત્યાં સુધી તેમને પડતા મૂકવા અંગે કોઈ જાણકારી નહોતી. જોકે બાદમાં પસંદગી સમિતિના વડા અજીત અગરકરે તેમને કારણ સમજાવ્યું હતું કે તેઓ એવા કોમ્બિનેશન વિશે વિચારી રહ્યા હતા જે સંજુ સેમસનની ગેરહાજરીમાં ઓપનર અને વિકેટકીપર બંનેની ભૂમિકા ભજવી શકે અથવા ઓછામાં ઓછું બેકઅપ ઓપનર હોય. જિતેશ શર્માએ કહ્યું કે તેઓ કોચ અને પસંદગીકારોના આ કારણ સાથે સંમત હતા અને તેઓ શું સમજાવવા માંગતા હતા તે તેઓ પૂરી રીતે સમજી ગયા હતા.
ટીમમાં અન્ય મોટા ફેરફારો
માત્ર જિતેશ શર્મા જ નહીં, પરંતુ ટીમ ઈન્ડિયાના ઉપ-કપ્તાન રહેલા શુભમન ગિલને પણ ટીમમાંથી બહાર કરવામાં આવ્યા હતા. તેમના સ્થાને રિંકુ સિંહ અને ઈશાન કિશનની પસંદગી કરવામાં આવી હતી અને અક્ષર પટેલને ઉપ-કપ્તાની સોંપવામાં આવી છે. જિતેશ શર્માએ સ્વીકાર્યું કે આ નસીબ છે અને તેઓ તેનો ઇનકાર કરી શકતા નથી.
