Jasprit Bumrah: IPL 2026ની સીઝન મુંબઈ ઈન્ડિયન્સ અને તેમના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ માટે ઉતાર-ચઢાવવાળી સાબિત થઈ રહી છે. વાનખેડે સ્ટેડિયમ ખાતે લખનૌ સુપર જાયન્ટ્સ સામે રમાયેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ભલે શાનદાર જીત મેળવી હોય, પરંતુ ટીમના પ્રીમિયર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહના પ્રદર્શને અનેક સવાલો ઊભા કર્યા છે. ખાસ કરીને પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરે બુમરાહની શિસ્તહીન બોલિંગ બદલ તેને જાહેરમાં આકરો ઠપકો આપ્યો છે.
બુમરાહનું કથળતું ફોર્મ અને નો-બોલનો વિવાદ સામે આવ્યો
એક સમયે બેટ્સમેનોના મનમાં ભય પેદા કરનાર જસપ્રીત બુમરાહ આ સીઝનમાં લય મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યો હોય તેવું જણાય છે. આંકડા તેની નબળી સ્થિતિની સાક્ષી પૂરે છે, જ્યાં તેણે અત્યાર સુધી રમાયેલી 10 મેચોમાં માત્ર ત્રણ જ વિકેટ ઝડપી છે. લખનૌ સામેની મેચમાં આ સંઘર્ષ ચરમસીમા પર જોવા મળ્યો હતો.
મેચ દરમિયાન બુમરાહે કુલ ત્રણ નો-બોલ ફેંક્યા હતા. આશ્ચર્યની વાત એ છે કે, જે બે નો-બોલ પર વિરોધી ટીમના બેટ્સમેનો આઉટ થયા હતા, તે બંને નો-બોલ સાબિત થયા હતા. ખાસ કરીને 14મી ઓવરમાં બુમરાહે બે વાર લાઇન ઓળંગી હતી, જેના કારણે તેણે કુલ નવ બોલની ઓવર ફેંકવી પડી હતી. પોતાના 4 ઓવરના સ્પેલમાં બુમરાહે કોઈ પણ વિકેટ લીધા વિના 45 રન લુટાવ્યા હતા.
🎥 Wickets that didn't count, no-balls, and bat flying out of hands 👀
— IndianPremierLeague (@IPL) May 4, 2026
The most eventful over of the season? 🤷♂️
Updates ▶️ https://t.co/elXSOvaeig #TATAIPL | #KhelBindaas | #MIvLSG pic.twitter.com/4OQj5C9R49
સુનીલ ગાવસ્કરે ઝાટકણી કાઢી
બુમરાહની આ ભૂલો પર કોમેન્ટ્રી બોક્સમાં બેઠેલા સુનીલ ગાવસ્કર પોતાનો ગુસ્સો રોકી શક્યા નહોતા. તેમણે લાઈવ કોમેન્ટ્રી દરમિયાન બુમરાહના વ્યાવસાયિક અભિગમ પર સવાલ ઉઠાવતા કહ્યું, "મને ફરીથી કહો નહીં કે બુમરાહે નો-બોલ ફેંક્યો છે. આ બિલકુલ અસ્વીકાર્ય છે. તમે એક પ્રોફેશનલ ક્રિકેટર છો અને T20 ક્રિકેટમાં આવી ભૂલને હું સ્વીકારી શકું નહીં. તમે વાઈડ ફેંકી શકો છો, તે સમજી શકાય છે, પણ નો-બોલ? ના, બિલકુલ નહીં."
ગાવસ્કરે માત્ર બુમરાહ જ નહીં, પરંતુ ડગઆઉટમાં બેઠેલા બોલિંગ કોચ લસિથ મલિંગા તરફ પણ નિશાન સાધ્યું હતું. જ્યારે કેમેરા મલિંગા અને મુખ્ય કોચ મહેલા જયવર્ધનેની નિરાશા દર્શાવી રહ્યા હતા, ત્યારે ગાવસ્કરે ટિપ્પણી કરી હતી કે આ બોલિંગ કોચની પણ મોટી ભૂલ છે.
મુંબઈ ઈન્ડિયન્સની રોમાંચક જીત
બુમરાહના ખરાબ પ્રદર્શન અને બોલરો દ્વારા રન લુટાવવા છતાં, મુંબઈના બેટ્સમેનોએ ટીમને જીત અપાવી હતી. લખનૌ સુપર જાયન્ટ્સે મૂકેલા 229 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરતા મુંબઈ ઈન્ડિયન્સે માત્ર 18.4 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી.
આ જીત સાથે મુંબઈએ આ સીઝનમાં પોતાની ત્રીજી જીત નોંધાવી છે. જોકે, પોઈન્ટ ટેબલ પર ટીમ હજુ પણ 9મા સ્થાને છે, પરંતુ આ જીતે તેમની પ્લેઓફમાં પહોંચવાની આશાઓને જીવંત રાખી છે. હવે જોવાનું એ રહેશે કે આગામી મેચોમાં બુમરાહ પોતાની ભૂલો સુધારીને ફરીથી જૂના અંદાજમાં વાપસી કરી શકે છે કે નહીં.
