IPL 2026 Final, RCB vs GT: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની 'પિચ નંબર-6' પર IPL 2026 ફાઈનલ મુકાબલો રમાશે. આ પિચ સાથે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને ખાસ કરીને વિરાટ કોહલીનો જૂનું કનેક્શન છે. જોકે, આ વખતે પિચ નંબર-6 RCB અને કોહલીની ચિંતામાં વધારો કરી શકે છે, જાણો શા માટે...
પીચ નંબર-6 સાથે RCB અને કોહલીનું કનેક્શન
આજે 31 મે, રવિવારના રોજ રમાનારી IPL 2026 ફાઇનલ મેચ માટે 6 નંબરની પીચ ખૂબ ચર્ચાનું કેન્દ્ર બની છે. આ એ જ પિચ છે જેના પર વન-ડે વર્લ્ડ કપ 2023 ફાઈનલ રમાઈ હતી, જેમાં ટીમ ઇન્ડિયા 239 રન જ બનાવી શકી, પણ મેચ હારી ગઈ હતી. આ ઉપરાંત, વર્તમાન IPL સિઝનમાં પણ ગુજરાત અને બેંગલુરુ વચ્ચે આ પીચ પર મેચ રમાઈ, જેમાં RCB માત્ર 155 રન જ બનાવી શકી અને હારી ગઈ હતી.
આ બંને મેચોમાં વિરાટ કોહલીએ શાનદાર શરૂઆત કરી હતી, પરંતુ લગભગ એક જ રીતે આઉટ થયો હતો. વર્લ્ડ કપ ફાઇનલમાં 54 રન અને GT સામેની મેચમાં 13 બોલમાં 28 રન બનાવ્યા બાદ, ઉછાળના કારણે બોલ બેટની કિનારી લઈને સીધો સ્ટમ્પમાં વાગ્યો હતો. આ ફાઈનલમાં વિરાટ કોહલી પોતાની જૂની કહાની બદલવાનો પૂરો પ્રયાસ કરશે.
જોકે, આ પિચ પર RCB માટે બધું જ નકારાત્મક નથી. ગયા વર્ષે ફાઇનલમાં આ જ 22 યાર્ડની પીચ પર બેંગલુરુએ પોતાનો પહેલો IPL ખિતાબ જીત્યો હતો, જેમાં વિરાટ કોહલીએ 43 રનની ઇનિંગ રમી હતી. સતત બીજી IPL સિઝનમાં RCB આ મેદાન પર ફાઇનલ મેચ રમશે. પરંતુ, આ વખતે ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB હોમ ટીમ ગુજરાત ટાઇટન્સનો સામનો કરશે.
પિચ અંગે કેપ્ટન રજત પાટીદારનું નિવેદન
ફાઇનલ મેચના એક દિવસ પહેલા બેંગલુરુએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જબરદસ્ત પ્રેક્ટિસ કરી હતી. પ્રેસ કોન્ફરન્સમાં RCB કેપ્ટન રજત પાટીદારને પિચ વિશે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, પિચ પર થોડું ઘાસ હતું, જેને એક દિવસ પહેલા કાપવામાં આવ્યું હતું અને તેને ફરીથી કાપવાની સંભાવના છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે પિચ સારી હશે.
આ પણ વાંચો: IPL 2026: ટ્રોફી બચાવવા ઉતરશે ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB, ગુજરાત ટાઇટન્સનું બીજા ટાઇટલ પર લક્ષ્ય
મિક્સ સોઇલ પીચ-6 ના આંકડા શું કહે છે?
આ પિચની બનાવટ 'મિક્સ સોઇલ' એટલે કે કાળી માટી અને લાલ માટીનું મિશ્રણથી થયેલી છે, જેથી તે બેટિંગ અને બોલિંગ બંને માટે મિશ્ર વર્તન કરે છે. સામાન્ય રીતે આ પિચ પર સારા રન બને છે, પરંતુ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અન્ય પિચોની સરખામણીમાં આ પિચ પર પ્રથમ દાવનો સરેરાશ સ્કોર ઓછો છે. આંકડા મુજબ, 2025 થી અત્યાર સુધી અહીં રમાયેલી IPL અને T20 ઇન્ટરનેશનલ મેચોમાં પ્રથમ દાવનો સરેરાશ સ્કોર 199 રન રહ્યો છે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સામાન્ય રીતે પહેલા બેટિંગ કરનાર ટીમ જીતે છે, પરંતુ આ પિચ નંબર-6 પર પહેલા બેટિંગ કરનાર અને રન ચેઝ કરનાર બંને 3-3 વખત જીત્યા છે. જો આ સિઝનના ઓવરઓલ રેકોર્ડની વાત કરીએ તો અમદાવાદની તમામ પિચો પર રમાયેલી 7 મેચમાંથી 4 માં પહેલા બેટિંગ કરનાર અને 3 માં રન ચેઝ કરનાર ટીમ જીતી છે. આથી, ફાઈનલ મેચમાં પિચની ભૂમિકા ખૂબ જ રસપ્રદ રહેવાની છે.
