IPL 2026: ચેન્નાઈના બેટર ઉર્વિલ પટેલનો તરખાટ, વિરાટ કોહલી પણ ડગ-આઉટમાં ઉભા રહી જોઈ બેટિંગ; વિડિયો વાયરલ

ઉર્વિલ પટેલે લખનઉ સુપર જાયન્ટ્સ સામે માત્ર 13 બોલમાં અડધી સદી ફટકારી હતી, જેમાં તેણે આઠ છગ્ગા ફટકાર્યા હતા. તેની ઇનિંગ ચર્ચાનો વિષય બની હતી અને કોહલીએ પણ તેની નોંધ લીધી હતી.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Sun, 10 May 2026 07:23 PM (IST)Updated: Sun, 10 May 2026 10:06 PM (IST)
ipl-2026-chennai-batter-urvil-patels-batting-virat-kohli-also-watched-while-standing-in-the-dug-out-video-goes-viral

IPL 2026: આઈપીએલ 2026માં રવિવારનો દિવસ ચેન્નાઈના ચોગ્ગા-છગ્ગાના નામે રહ્યો. ચેન્નાઈ સુપર કિંગ્સના (CSK) યુવા બેટર ઉર્વિલ પટેલે લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) સામે એવી આક્રમક બેટિંગ કરી કે આખું સ્ટેડિયમ સ્તબ્ધ થઈ ગયું હતું. આ વિસ્ફોટક ઇનિંગની ગુંજ માત્ર ચેન્નાઈમાં જ નહીં, પરંતુ રાયપુરના મેદાન સુધી પહોંચી હતી, જ્યાં દિગ્ગજ બેટર વિરાટ કોહલી પણ ઉર્વિલના શોટ્સ જોઈને મંત્રમુગ્ધ થઈ ગયો હતો.

માત્ર 13 બોલમાં ફિફ્ટી: યશસ્વીના રેકોર્ડની બરાબરી

લખનઉ દ્વારા આપવામાં આવેલા 204 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ચેન્નાઈની ટીમને ઉર્વિલ પટેલે તોફાની શરૂઆત અપાવી હતી. ઉર્વિલે મેદાનની ચારેબાજુ ફટકાબાજી કરતા માત્ર 13 બોલમાં અડધી સદી ફટકારીને આઈપીએલ ઇતિહાસના સૌથી ઝડપી અર્ધશતકના રેકોર્ડની બરાબરી કરી હતી. જોકે, તે યશસ્વી જાયસવાલનો રેકોર્ડ તોડવાથી સહેજ ચૂકી ગયો હતો, પરંતુ તેની આ ઈનિંગે તેને રાતોરાત સ્ટાર બનાવી દીધો છે.

જ્યારે વિરાટ કોહલી ઉર્વિલની બેટિંગ જોવા મજબૂર થયો

આ ઘટના ત્યારે બની જ્યારે રાયપુરમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેના મુકાબલા પહેલા ખેલાડીઓ વોર્મ-અપ કરી રહ્યા હતા. સ્ટાર સ્પોર્ટ્સ દ્વારા શેર કરવામાં આવેલા એક વિડિયોમાં જોઈ શકાય છે કે, પ્રેક્ટિસ દરમિયાન બ્રેક લઈને જ્યારે વિરાટ કોહલી એનર્જી ડ્રિંક પીવા માટે ડગ-આઉટ પાસે આવ્યો, ત્યારે તેની નજર ત્યાં ટીવી પર પડી.

ટીવી પર ઉર્વિલ પટેલ લખનઉના બોલરોની ધોલાઈ કરી રહ્યો હતો. વિરાટ થોડી ક્ષણો માટે ત્યાં જ થંભી ગયો અને એકાગ્રતાથી ઉર્વિલના શાનદાર શોટ્સ જોવા લાગ્યો. સોશિયલ મીડિયા પર આ વિડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં કોહલીના ચહેરા પર આ યુવા બેટર માટે આદર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો.

7 બોલમાં 6 સિક્સર: ઉર્વિલનો વિસ્ફોટ

ઉર્વિલની ઈનિંગની ખાસ વાત એ હતી કે તેણે સતત 5 સિક્સર ફટકારી હતી. પોતાની ટૂંકી પણ પ્રભાવશાળી ઈનિંગમાં તેણે 7 બોલના અંતરમાં 6 સિક્સર અને 1 ફોર ફટકારીને લખનૌના બોલિંગ આક્રમણને વેરવિખેર કરી નાખ્યું હતું. તેણે કુલ 23 બોલમાં 65 રન બનાવ્યા, જેમાં 8 છગ્ગા અને 2 ચોગ્ગાનો સમાવેશ થાય છે.

ઉર્વિલના આ પ્રદર્શનના જોરે ચેન્નાઈએ 204 રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. વર્ષ 2019 પછી આ પ્રથમ વખત બન્યું છે જ્યારે CSKએ 180થી વધુ રનનો ટાર્ગેટ સફળતાપૂર્વક હાંસલ કર્યો હોય. આ જીત સાથે ચેન્નાઈએ આ સિઝનમાં પોતાની છઠ્ઠી જીત નોંધાવી છે.