Women Asia Cup Final 2026: મહિલા ક્રિકેટ જગતમાં ભારતીય ટીમનો દબદબો વધુ એક વખત સાબિત થયો છે. મહિલા એશિયા કપ 2026ની અત્યંત રોમાંચક ફાઇનલ મુકાબલામાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શાનદાર પ્રદર્શન કરતા શ્રીલંકાની ટીમને ધૂળ ચટાડી દીધી છે. આ ભવ્ય વિજય સાથે જ ટીમ ઈન્ડિયાએ રેકોર્ડ આઠમી વખત એશિયા કપનું ટાઇટલ પોતાના નામે કરીને સમગ્ર દેશનું ગૌરવ વધાર્યું છે. ફાઇનલ મેચમાં ભારતીય ખેલાડીઓએ શરૂઆતથી જ પોતાની પક્ડ જમાવી રાખી હતી અને વિરોધી ટીમને કોઈપણ મોકો આપ્યો ન હતો.
પ્રથમ બેટિંગ કરતા ભારતે 183 રનનો વિશાળ સ્કોર નોંધાવ્યો. તેના જવાબમાં શ્રીલંકાની ટીમ માત્ર 111 રન જ બનાવી શકી અને ભારતે 72 રનથી મેચ જીતી લીધી. આ જીત સાથે હરમનપ્રીત કૌરની ટીમે બે વર્ષ જૂનો હિસાબ પણ સરભર કરી લીધો છે; શ્રીલંકાએ 2024 એશિયા કપની ફાઇનલમાં ભારતને હરાવ્યું હતું અને હવે ટીમ ઈન્ડિયાએ તેમને ફાઇનલમાં હરાવ્યા છે.
શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાની ધમાકેદાર બેટિંગ
ભારતીય ઇનિંગ્સની શરૂઆત કરતા સ્ટાર ઓપનર્સ શફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાએ મેદાન પર ઉતરતાની સાથે જ આક્રમક રમતનું પ્રદર્શન કર્યું હતું. શ્રીલંકાના બોલિંગ આક્રમણને ધોઈ નાખતા બંને બેટ્સમેનોએ મેદાન ચારેય બાજુ શાનદાર શૉટ્સ ફટકાર્યા હતા. શેફાલી વર્માની તોફાની બેટિંગ અને સ્મૃતિ મંધાનાની ક્લાસિક તથા જવાબદારીપૂર્વકની રમતની મદદથી ભારતે ફાઇનલ મેચમાં મજબૂત સ્કોર ખડો કર્યો હતો. આ બંનેની ભાગીદારીએ જ ટીમની જીતનો મજબૂત પાયો નાખ્યો હતો.
શિસ્તબદ્ધ બોલિંગ અને ફિલ્ડિંગનું ઉત્કૃષ્ટ પ્રદર્શન
મોટા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ સામે ભારતીય બોલરોએ શિસ્તબદ્ધ અને ધારદાર બોલિંગ કરી હતી. ભારતીય ઝડપી બોલરો અને સ્પિનર્સે શરૂઆતની ઓવરોથી જ વિકેટો ઝડપવાનું શરૂ કરી દીધું હતું, જેના કારણે શ્રીલંકાની બેટિંગ લાઇન-અપ દબાણમાં આવી ગઈ હતી. આ ઉપરાંત મેદાન પર ખેલાડીઓની ઉત્કૃષ્ટ ફિલ્ડિંગ અને કેચિંગના કારણે વિરોધી ટીમને રન બનાવવા માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
ભારતીય મહિલા ક્રિકેટ માટે ગર્વની ક્ષણ
ટૂર્નામેન્ટની શરૂઆતથી જ શાનદાર ફોર્મમાં રહેલી ભારતીય ટીમે ફાઇનલ મેચમાં પણ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન જાળવી રાખ્યું હતું. આ જીત માત્ર એક ટાઇટલ જીતવા પૂરતી સીમિત નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય મહિલા ક્રિકેટની વધતી તાકાત અને યુવા ખેલાડીઓની પ્રતિભાનું ઉત્તમ ઉદાહરણ છે. આ ભવ્ય સફળતાથી દેશભરના ક્રિકેટ પ્રેમીઓમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે અને સોશિયલ મીડિયા પર અભિનંદનનો ધોધ વહી રહ્યો છે.
