IND vs NZ 2nd ODI: ભારતીય ક્રિકેટ ટીમે ન્યૂઝીલેન્ડ સામેની બીજી ODI મેચમાં ડકવર્થ-લુઈસ મેથડ (DLS) મુજબ 4 રને જીત મેળવી લીધી છે. આ જીત સાથે જ 2-0 ની મજબૂત સરસાઈ મેળવી ODI સિરીઝ કબજે કરવા તરફ ભારત એક પગલું આગળ વધ્યું છે. વાંચો, ભારતે પ્રથમ બોલિંગ કરતા કેવી રીતે ન્યૂઝીલેન્ડ ટીમને ઓલઆઉટ કરી અને આસાન ટાર્ગેટ ચેઝ કરવામાં રોંમાચક વળાંક આવ્યો.
રોમાંચક મેચમાં DLS મેથડથી જીત્યું ભારત
વેલિંગ્ટનના મેદાન પર રમાયેલી બીજી વન-ડે મેચમાં વરસાદ ટીમ ઈન્ડિયા માટે વરદાન બનીને આવ્યો હતો. 135 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ એક તબક્કે મુશ્કેલીમાં મુકાઈ ગઈ અને 26 ઓવરમાં 113 રન બનાવીને 7 વિકેટ ગુમાવી દીધી હતી. આ રોમાંચક મોડ પર જ મેદાનમાં વરસાદ શરૂ થઈ ગયો હતો. વરસાદ રોકાયા વિના મેચ ફરી શરૂ થઈ શકી નહીં અને ભારત DLS મેથડ મુજબ 4 રન આગળ હોવાથી મેચ જીતી ગયું હતું.
ન્યૂઝીલેન્ડ ટીમ સસ્તામાં ઓલઆઉટ થઈ
અગાઉ ન્યૂઝીલેન્ડ ટીમ પ્રથમ બેટિંગ કરતા માત્ર 134 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. વરસાદના કારણે મેચ 47-47 ઓવરની કરવામાં આવી, પરંતુ ન્યૂઝીલેન્ડની ટીમ 41 ઓવરમાં જ સમેટાઈ ગઈ હતી. 135 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ તરફથી કોઈ પણ બેટ્સમેન મોટી ઈનિંગ રમી શક્યો ન હતો. ન્યૂઝીલેન્ડના બોલરોએ શાનદાર વાપસી કરીને મેચમાં ભારે રોમાંચ પેદા કરી દીધો હતો.
આસાન ટાર્ગેટ સામે ભારત માટે કપરા ચઢાણ
એક તબક્કે ભારતને જીતવા માટે 22 રનની જરૂર હતી અને ન્યૂઝીલેન્ડને જીતવા માટે 3 વિકેટની જરૂર હતી, જેના કારણે બંનેમાંથી કોઈ પણ ટીમ મેચ પર કબજો જમાવી શકે તેમ હતી. પરંતુ આ જ સમયે કુદરતે ખેલ બદલ્યો અને વરસાદ શરૂ થતાં DLS નિયમના આધારે ભારતન 4 રન આગળ હોવાથી અમ્પાયરો દ્વારા ભારતને વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું.
ભારતીય બોલરોએ કર્યા કિવિ ટીમનો સફાયો
અગાઉ કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો, જેને ભારતીય બોલરોએ સાચો સાબિત કરી બતાવ્યો હતો. ફાસ્ટ બોલર આકિબ નબીએ બીજી ઓવરમાં જ ટિમ સીફર્ટને શૂન્ય રને પેવેલિયન ભેગા કરી દીધા હતા. ત્યારબાદ નબીએ વિલ યંગને પણ 6 રને આઉટ કર્યો હતો. નવમી ઓવરમાં અંશુલ કંબોજે હેનરી નિકોલ્સને 11 રને બોલ્ડ કરી દીધો હતો.
નંબર 4 પર આવેલ ડેરીલ મિચેલે એક છેડો સંભાળી રાખ્યો, પરંતુ બીજા છેડેથી વિકેટો પડતી રહી હતી. બોલર ગુરનૂર બ્રારે એક જ ઓવરમાં ટોમ લાથમ અને ગ્લેન ફિલિપ્સની વિકેટો ઝડપીને ન્યૂઝીલેન્ડનો સ્કોર 53/5 કરી દીધો હતો. નંબર 7 પર આવેલા કેપ્ટન મિશેલ સેન્ટનરે ડેરીલ મિચેલ સાથે મળીને ઈનિંગ્સને સંભાળી અને સ્કોરને 100 ને પાર પહોંચાડ્યો હતો.
બંને વચ્ચે 90 બોલમાં 59 રનની મહત્વપૂર્ણ ભાગીદારી થઈ હતી. અક્ષર પટેલે ડેરીલ મિચેલને આઉટ કરીને સદ્દઢ ભાગીદારી તોડી હતી, જે બાદ ન્યૂઝીલેન્ડની ઈનિંગ્સ ઝડપથી સમેટાઈ ગઈ હતી. ભારત તરફથી ગુરનૂર બ્રારે શાનદાર બોલિંગ કરતા 4 વિકેટ ઝડપી હતી, જ્યારે અંશુલ કંબોજ, અક્ષર પટેલ અને આકિબ નબીને 2-2 સફળતા મળી હતી.
