IND vs WI 4th T20I: મેચ સાથે સિરીઝ જીતવા ઉતરશે ટીમ ઈન્ડિયા, વિન્ડીઝ માટે 'કરો યા મરો' સમાન મુકાબલો'

IND vs WI 4th T20 Preview: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ચોથી T20 મેચ 14 ઓક્ટોબર, બુધવારના રોજ હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમ ખાતે રમાશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Wed, 14 Oct 2026 10:36 AM (IST)Updated: Wed, 14 Oct 2026 10:36 AM (IST)
ind-vs-wi-4th-t20i-match-preview-ind-vs-wi-head-to-head-key-details-full-squad

IND vs WI 4th T20 Preview: ભારતીય ક્રિકેટ ટીમ આજે 14 ઓક્ટોબર, બુધવારના રોજ હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમ ખાતે વેસ્ટ ઈન્ડિઝ સામે ચોથી T20I મેચ રમવા માટે મેદાનમાં ઉતરશે. ટીમ ઈન્ડિયાની નજર મેચ જીતીને પાંચ મેચની T20I સિરીઝ પોતાના નામે કરવા પર રહેશે. જ્યારે વેસ્ટ ઈન્ડિઝ ટીમ આ મેચ જીતીને સિરીઝ બચાવવાનો પ્રયાસ કરશે. વાંચો ચોથા ટી20 મુકાબલા પહેલા મેચ પ્રિવ્યૂ.

બંને ટીમના 'પાવર હિટર્સ' પર નિર્ભર પરિણામ

શ્રેયસ અય્યરની આગેવાની હેઠળ રમી રહેલી ભારતીય ટીમ હાલ શ્રેણીમાં 2-1 થી આગળ છે. બીજી તરફ, શાઈ હોપની આગેવાની હેઠળની વેસ્ટ ઈન્ડિઝ ટીમ સિરીઝમાં ટકી રહેવા માટે શ્રેષ્ઠ પ્રદર્શન કરવા પ્રયાસ કરશે. રાંચીમાં રમાયેલી બીજી T20I મેચમાં શાઈ હોપે શાનદાર સદી ફટકારીને પોતાની ટીમને જીત અપાવી હતી, તેથી વેસ્ટ ઈન્ડિઝને હળવાશથી લઈ શકાય તેમ નથી. આ મેચનું પરિણામ ફરી એકવાર બંને ટીમના 'પાવર હિટર્સ'ના પ્રદર્શન પર નિર્ભર રહેશે.

ટોપ બેટ્સમેનોનું શાનદાર, મિડલ ઓર્ડરની ચિંતા

આ ટી20 સિરીઝમાં અત્યાર સુધી ભારતીય ટીમ માટે સંજુ સેમસન, અભિષેક શર્મા અને ઈશાન કિશને શાનદાર પ્રદર્શન કર્યું છે, જેના કારણે મિડલ ઓર્ડર પર વધુ દબાણ આવ્યું નથી. અભિષેક શર્માએ ઈન્દોરમાં રમાયેલી ત્રીજી T20I માં માત્ર 18 બોલમાં અર્ધસદી ફટકારી હતી. ભારત માટે એકમાત્ર ચિંતાનો વિષય એ છે કે ટોપ બેટ્સમેનોના સતત શાનદાર ફોર્મને કારણે મિડલ ઓર્ડરના બેટ્સમેનોને મેદાન પર પૂરતી બેટિંગ પ્રેક્ટિસ મળી શકી નથી. જો ટોપના ત્રણ બેટ્સમેન નિષ્ફળ જાય, તો ખાસ કરીને મોટા લક્ષ્યાંકનો પીછો કરતી વખતે કે મોટો સ્કોર બનાવતી વખતે તિલક વર્મા, નીતિશ કુમાર રેડ્ડી અને નમન ધીર પર જવાબદારી આવશે.

બીજી તરફ, વેસ્ટ ઈન્ડિઝ માટે ભારતીય બેટ્સમેનોના રન રેટ પર અંકુશ મેળવવો એ મોટો પડકાર રહેશે. આ સિરીઝની પહેલી T20I મેચમાં કેપ્ટન શ્રેયસ અય્યરે સદી ફટકારી હતી, જ્યારે બીજી મેચમાં સંજુ સેમસન અને ઈશાન કિશને મોટી ઈનિંગ્સ રમી હતી. જોકે, તે મેચ વેસ્ટ ઈન્ડિઝે જીતી લીધી હતી. જ્યારે ત્રીજી મેચમાં અભિષેક શર્માનો દબદબો રહ્યો હતો.

અભિષેક શર્માનો ખૌફ, વેસ્ટ ઈન્ડિઝની રણનીતિ

વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર શમાર સ્પ્રિંગરે સ્વીકાર્યું હતું કે, અભિષેક શર્મા જ્યારે ફોર્મમાં હોય છે ત્યારે તેમની ટીમ પાસે ડિફેન્સિવ રમવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી. તેમણે જણાવ્યું હતું કે, "અમારો પ્લાન B એ જ છે કે અમે ડિફેન્સિવ રમવાનો પ્રયાસ કરીશું અને તે માત્ર એક કે બે રન જ લઈ શકે તેવો પ્રયત્ન કરીશું."

વેસ્ટ ઈન્ડિઝ તરફથી શેરફેન રધરફોર્ડે અત્યાર સુધી 189 ના સ્ટ્રાઈક રેટથી 172 રન બનાવ્યા છે. જ્યારે કેપ્ટન શાઈ હોપે 182 ના સ્ટ્રાઈક રેટથી 159 રન બનાવ્યા છે. વિશ્વ ચેમ્પિયન ભારતને તેની જ ધરતી પર હરાવવા માટે વેસ્ટ ઈન્ડિઝે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે.

ભારતીય બોલરોએ પણ શિસ્તબદ્ધ પ્રદર્શન કરવું પડશે. કારણ કે રાંચીમાં રમાયેલી બીજી T20I માં વેસ્ટ ઈન્ડિઝે 250 રનનો વિશાળ લક્ષ્યાંક 9 બોલ બાકી હતા ત્યારે જ હાંસલ કરી લીધો હતો. જેમાં શાઈ હોપે 45 બોલમાં 102 રન બનાવ્યા હતા.

અર્શદીપ સિંહનું પ્રદર્શન અને હૈદરાબાદનો રેકોર્ડ

ઈન્દોર ખાતે રમાયેલી ત્રીજી મેચમાં અર્શદીપ સિંહે 3 વિકેટ ઝડપીને ભારતને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ભારત આ સ્ટેડિયમમાં છેલ્લે 2024 માં બાંગ્લાદેશ સામે T20I મેચ રમ્યું હતું, જેમાં ભારતે 6 વિકેટે 297 રન બનાવીને 133 રને જીત નોંધાવી હતી. સંજુ સેમસને તે મેચમાં 43 બોલમાં 111 રનની યાદગાર ઈનિંગ રમી અને તે ફરી એકવાર આ મેદાન પર તેવી જ યાદગાર ઈનિંગ રમવા ઈચ્છશે.

IND vs WI T20 Series: બંને ટીમની સ્ક્વોડ

ભારતીય ટીમ (India T20 Squad): શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા (વાઈસ કેપ્ટન), અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, ઈશાન કિશન (વિકેટકીપર), સંજૂ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, નીતિશ કુમાર રેડ્ડી, અર્શદીપ સિંહ, પ્રિન્સ યાદવ, મયંક યાદવ અને નમન ધીર.

વેસ્ટ ઈન્ડિઝ ટીમ (West Indies T20 Squad): શાઈ હોપ (કેપ્ટન), જ્વેલ એન્ડ્રુ, શિમરન હેટમાયર, આમિર જાંગૂ, કામિલ પૂરન, રોવમેન પોવેલ, શેરફેન રધરફોર્ડ, ક્વેન્ટિન સેમ્પસન, રોસ્ટન ચેઝ, કીમો પોલ, રોમારિયો શેફર્ડ, શમાર સ્પ્રિંગર, મેથ્યુ ફોર્ડે, અકીલ હોસેન, શમાર જોસેફ, ગુડાકેશ મોતી.